ગાંધીનગર : જે.એમ. ચૌધરી કેમ્પસમાં જિલ્લા કક્ષાના રમતોત્સવનો શુભારંભ કાર્યક્રમ યોજાયો, હજારોની સંખ્યામાં રમતવીરો જોડાયા - At This Time

ગાંધીનગર : જે.એમ. ચૌધરી કેમ્પસમાં જિલ્લા કક્ષાના રમતોત્સવનો શુભારંભ કાર્યક્રમ યોજાયો, હજારોની સંખ્યામાં રમતવીરો જોડાયા


36મી નેશનલ ગેમ્સના આયોજન પૂર્વે સમગ્ર ગુજરાતમાં સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ વધારવાના શુભાશયથી તમામ કોલેજ અને શાળામાં રમતોત્સવની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રી. જે.એમ. ચૌધરી કોલેજ કેમ્પસમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગરના માન. મેયરશ્રી હિતેષભાઈ મકવાણા, જે.એમ. ચૌધરી કોલેજના પ્રમુખશ્રી હરીભાઈ ચૌધરી, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ગુણવંતસિંહ સોલંકી, શ્રી કેયૂર જેઠવા તથા કોર્પોરેટરશ્રી ગૌરાંગભાઈ વ્યાસ તેમજ પદમસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા રમતગમત વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેલ મહાકુંભમાં જિલ્લાનું નામ રોશન કરનાર વિવિધ કોલેજ તથા શાળાઓને ચેક તથા ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નેશનલ ગેમ્સ એન્થમ તેમજ મેસ્કોટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત તમામે ફીટ ઇન્ડિયાના શપથ લીધા હતા.
હજારોની સંખ્યામાં રમતવીરોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોના હસ્તે ટોસ ઉછાળીને સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, "રમત એ શરીરની સાથે માનસિક સ્વાસ્થ માટે ખુબ જરૂરી છે. માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખેલમહાકુંભ થકી ગુજરાતમાં સ્પોર્ટ્સને નવી દીશા આપવાનું કામ કરવામાં આવ્યું છે અને આજે ગુજરાતને પ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન કરવાની તક મળી છે જે ખુબ આનંદની વાત છે. સામાન્ય રીતે નેશનલ ગેમ્સના આયોજન માટે 4 વર્ષ જેટલો સમય લાગે છે પરંતુ ગુજરાત દ્વારા માત્ર 3 મહિનાના ટૂંકાગાળામાં સફળ આયોજનનું બીડુ ઝડપવામાં આવ્યું છે તે સૌ માટે ગૌરવની બાબત છે."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon