સૌરાષ્ટ્રમાં રક્ષાબંધને સચરાચર વરસાદ, પોરબંદર-સૂત્રાપાડા ધોધમાર અઢી ઈંચ - At This Time

સૌરાષ્ટ્રમાં રક્ષાબંધને સચરાચર વરસાદ, પોરબંદર-સૂત્રાપાડા ધોધમાર અઢી ઈંચ


મેઘરાજાનો અનોખો મૂડ- ઘડીક વરાપ, ઘડીકમાં ધોધમાર : લાલપુર,માણાવદર, વેરાવળમાં 2, માળીયાહાટીના, કુતિયાણા, રાણાવાવમાં દોઢ, કેશોદ, લોધિકા, પડધરી, વિસાવદર, જોડિયા સહિત સ્થળે એક ઈંચ : રાજકોટ, જામનગર,જામકંડોરણા, ધોરાજી, રાજુલા, વાંકાનેર સહિત પંથકમાં અર્ધાથી પોણો ઈંચ વર્ષા : પોરબંદરમાં 3 દિવસમાં 7મી વાર વીજળી ત્રાટકી, જામનગરમાં પણ વીજળી પડતા છતનો ભાગ તૂટયો રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ગઈકાલે વરસાદે એકંદરે વિરામ રાખ્યો અને રાજકોટ સહિત મોટાભાગના સ્થળે તડકો નીકળ્યા બાદ આજે રક્ષાબંધન અને યજ્ઞાોપવિતની ઉજવણીના માહૌલ વચ્ચે ફરી વાદળો ઘેરાયા હતા અને અનેક સ્થળે ધોધમાર વરસાદના અહેવાલો છે. સૂત્રાપાડા અને પોરબંદરમાં બપોર બાદ ચાર કલાકમાં જ અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરના બોખીરા વિસ્તારમાં સરકારી આવાસમાં ફ્લેટ પર વિજળી ત્રાટકી હતી અને વિજઉપકરણો સળગી ગયા હતા. પોરબંંદરમાં ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, પોરબંદર તાલુકામાં ગાજવીજ સાથે 64 મિ.મિ. (અઢીથી પોણા ત્રણ ઈંચ) ઉપરાંત રાણાવાવ તાલુકામાં એક ઈંચ, કુતિયાણા તાલુકામાં સવા ઈંચ સહિત સર્વત્ર વરસાદથી પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે  સાંજ સુધીમાં જ સૂત્રાપાડા અઢી ઈંચ ઉપરાંત  ઉપરાંત વેરાવળમાં પણ બે ઈંચ અને કોડીનાર તથા તલાલામાં અર્ધો ઈંચ વરસાદથી  જિલ્લો જળથી તરબોળ રહ્યો હતો. જામનગર જિલ્લામાં ત્રણ દિવસના વરાપ બાદ આજે વાદળો વરસી પડયા હતા, લાલપુરમાં ધોધમાર બે ઈંચ જ્યારે જોડિયામાં એક ઈંચ અને ધ્રોલમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેર, તાલુકામાં પણ પોણો ઈંચ વરસાદ ઉજવણીના માહૌલ વચ્ચે વરસ્યો હતો. જામનગરમાં એક કલાકમાં ધોધમાર વરસાદ સાથે પટેલ કોલોનસ્વિસ્તારમાં વજિળી પડતા છતનો આંશિક ભાગ ધરાશાયી થયો હતો.રાજકોટ શહેરમાં ગઈકાલે તડકો નીકળ્યા બાદ આજે લોકો રક્ષાબંધન નિમિત્તે બજારમાં નીકળી પડયા હતા ત્યારે કટકે કટકે ત્રણ વખત પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. ભેજનું પ્રમાણ ૩૫ ટકાવધીને આજે ૯૫ ટકાએ પહોંચી ગયો હતો. જ્યારે જિલ્લામાં લોધિકા અને પડધરીમાં ધોધમાર એક ઈંચ, જામકંડોરણા અને ધોરાજીમાં પોણો ઈંચ વરસાદ સાંજ સુધીમાં વરસી ગયો છે અને હજુ વરસાદી માહૌલ જારી છે. જુનાગઢ જિલ્લામાં માણાવદરમાં બે ઈંચ તથા માળિયા હાટીનામાં દોઢ, કેશોદ અને વિસાવદરમાં એક ઈંચ, માંગરોળ સહિત અન્યત્ર ઝાપટાં વરસ્યા હતા.  સૌરાષ્ટ્રમાં અન્યત્ર રાજુલામાં અને વાંકાનેરમાં અર્ધો ઈંચ તથા મેંદરડા, ઉપલેટા, ખાંભા, અમરેલી, ટંકારા, મોરબી, જુનાગઢ, ઉના, ગીરગઢડા સહિત વ્યાપક સ્થળોએ આજે મેઘરાજાએ પધરામણી કરી હતી અને રાજ્યના ૧૮૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.