ચોરી બગદાણામાં ધોળા દિવસે તસ્કરોએ રૂા.2.84 લાખની મતાની ચોરી કરી
પરિવારના સભ્યો વાડીએ અને નોકરી પર ગયા હતા
મહુવા તાલુકાના બગદાણા ગામમાં ગઇકાલે ધોળા દિવસે ત્રાટકેલા તસ્કરોએ એક મકાનમાંથી રૂા.70,000ની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂા.2,84,452ની મતાની ચોરી કરી હતી.
બગદાણામાં રહેતા, ખાનગી સ્કુલમાં નોકરી કરતા શંભુભાઇ ગોવીંદભાઇ શીયાળએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે સવારે તેમના પત્નિ અને બે બહેન મજુરી કામ માટે ગયા હતા. તેમના પિતા વાડીએ ગયા હતા અને માતા મરણના કામે બહારગામ ગયા હતા. સાંજે પરત આવ્યા ત્યારે ડેલો અંદરથી બંધ હતો.
દિવાલ કુદી ઘરમાં તપાસ કરતા તસ્કરોએ રૂા.70,000ની રોકડ રકમ તેમજ સોનાની ચેઇન, બુટી, પેડલ, કડી, વીંટી, નાકની વાળી, કાનની સર, ચાંદીની વીંટી, ચાંદીનો સિક્કો તેમજ ચાંદીની પોંચી સહિતના દાગીનાની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ધોળા દિવસે તસ્કરોએ મકાનમાંથી કુલ રૂા.2,84,452ની મતાની ચોરી કરી હોવાની જાણ થતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.