આરબીઆઇએ ફરીથી રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતા હોમ સહિતની લોન મોંઘી થશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rbi-increase-repo-rate-by-50-basis-point/" left="-10"]

આરબીઆઇએ ફરીથી રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતા હોમ સહિતની લોન મોંઘી થશે


મુંબઇ,
તા. ૫રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની છ સભ્યોની મોનિટરી
પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે રેપો રેટમાં પચાસ બેઝિસ પોઈન્ટ
(અડધા ટકા)નો વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. ઊંચા ફુગાવાને ધ્યાનમાં
રાખી એમપીસીએ ચાર મહિનામાં સતત ત્રીજી વખત બેન્ચમાર્ક દર વધારીને ૫.૪૦ ટકા કર્યો
છે. આજના વધારા સાથે રેપો રેટ હવે કોરોના પહેલાના સ્તર કરતા પણ  વધી ગયો છે અને ઓગસ્ટ ૨૦૧૯ બાદ સૌથી ઊંચો છે.
કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)  ૪.૫૦  ટકા યથાવત રખાયો છે.કોરોનાના કાળમાં વ્યાજ
દરમાં પૂરી પડાયેલી રાહત હવે સંપૂર્ણ પાછી ખેંચાઈ ગઈ છે. વ્યાજ દર વધતા હોમ, વાહન, શિક્ષણ સહિતની
વિવિધ લોન્સ મોંઘી થશે અને લોનના હપ્તા (ઈએમઆઈ) પણ વધશે. ફુગાવાજન્ય દબાણને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે વર્તમાન
વર્ષના મેમાં ૪૦ બેઝિસ પોઈન્ટ તથા જુનમાં અડધા ટકાનો વધારો કર્યો હતો. આજના વધારા
સાથે વ્યાજ દરમાં છેલ્લા ચાર મહિનામાં કુલ ૧૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે, જે કોરોનાના
કાળમાં  ૨૦૨૦થી અપાયેલી ૧૧૫ બેઝિસ પોઈન્ટની
રાહત કરતા વધુ છે. વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા વ્યાજ દરમાં ૫૦ બેઝિસ પોઈન્ટનો
વધારો એક હવે સામાન્ય બાબત બની ગઈ છે,
એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ જણાવ્યું હતું. વ્યાજ દરમાં વધારાને કારણે બજારમાંથી લિક્વિડિટી તબક્કાવાર
પાછી ખેંચાઈ જશે અને ફુગાવાને નીચે લાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવે
છે. જુનનો ફુગાવો સાત ટકાથી વધુ રહ્યો હતો જે રિઝર્વ બેન્કની ૬ ટકાની મર્યાદાથી
વધુ હતો. ફુગાવો ધીમો પડયો છે,
પરંતુ હજુ પણ તે ખમી ન શકાય તેવા સ્તરે છે. વર્તમાન નાણાં વર્ષ માટે આર્થિક વિકાસ દરનો અંદાજ ૭.૨૦ ટકા
જાળવી રખાયો છે. શહેરી માગમાં વધારો તથા સારા ચોમાસાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં
તબક્કાવાર રિકવરીને ધ્યાનમાં રાખી વિકાસ દરના અંદાજને જાળવી રખાયાનું  શક્તિકાંત દાસે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું
હતું. ભૌગોલિકરાજકીય ઘટનાક્રમો અને કોમોડિટીના ઊંચા ભાવને
ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટે રિટેલ ફુગાવાનો અંદાજ ૬.૭૦ ટકા પર જાળવી
રખાયાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. જો કે આગળ જતાં ફુગાવાજન્ય દબાણ હળવું થવાની
પણ તેમણે અપેક્ષા વ્યકત કરી હતી. વર્તમાન નાણાં વર્ષના બીજા અને ત્રીજા ત્રિમાસિક
ગાળામાં ફુગાવો ૬ ટકાથી પણ ઊંચો રહેશે. રિટેલ ફુગાવો ચાર ટકા જાળવી રાખવા રિઝર્વ
બેન્કને જવાબદારી સોંપાઈ છે. જુનનો ફુગાવો સતત છઠ્ઠા મહિને ૬ ટકાની મર્યાદાથી વધુ
રહ્યો  હતો. કોરોના અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધ જેવા બે બહારી
આંચકા છતાં ભારતીય અર્થતંત્રમાં સ્થિરતા જળવાઈ રહ્યાનું દાસે જણાવ્યું હતું. જો કે
આગામી બેઠકમાં રેપો રેટમાં સ્થિરતા જળવાશે કે કેમ તે અંગે તેમણે કોઈ સંકેત આપ્યા
નહોતા. લોન માટેની માગ તથા વ્યાજ દરમાં વધારાને કારણે બેન્કોએ
તાજેતરમાં થાપણ દર વધાર્યા હોવાનું દાસે જણાવ્યું હતું. અન્ય ઊભરતી બજારોની
સરખામણીએ ભારતીય રૃપિયો હાલમાં મજબૂત સ્થિતિમાં છે.    

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]