બળાત્કારનો દોષી..11 વર્ષ પછી જેલમાંથી બહાર:હાઈકોર્ટે પહેલી વખત આસારામને 7 દિવસના પેરોલ આપ્યા; તબિયત લથડતા એઇમ્સમાં દાખલ - At This Time

બળાત્કારનો દોષી..11 વર્ષ પછી જેલમાંથી બહાર:હાઈકોર્ટે પહેલી વખત આસારામને 7 દિવસના પેરોલ આપ્યા; તબિયત લથડતા એઇમ્સમાં દાખલ


બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને જોધપુર હાઈકોર્ટ તરફથી 7 દિવસની પેરોલ મળ્યા છે. જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની કોર્ટમાં આસારામના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. આસારામ છેલ્લા ચાર દિવસથી જોધપુર એમ્સમાં દાખલ છે. આસારામને 11 વર્ષ બાદ પેરોલ મળ્યા છે. આસારામે સારવાર માટે પેરોલ માટે અરજી કરી હતી, પરંતુ તે દર વખતે ફગાવી દેવામાં આવી હતી. અગાઉ, આસારામને જોધપુરની ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે પોલીસ કસ્ટડીમાં મંજૂરી આપવામાં આવી હતી. ત્યાં આસારામે પૂણેના ડોક્ટરોની દેખરેખમાં સારવાર લીધી. ત્યારપછી તેમની તબિયત બગડતાં તેમને જોધપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસારામને 25 એપ્રિલ 2018ના રોજ જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં છે. બે વર્ષ પહેલા, ગુજરાતની એક કોર્ટે 2013માં આસારામને તેમના સુરતના આશ્રમમાં એક મહિલા અનુયાયી પર બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવ્યા હતા. 2 કેસમાં આસારામ દોષિતઃ જોધપુર અને ગાંધીનગર કોર્ટનો ચૂકાદો જોધપુર કોર્ટઃ આસારામની વર્ષ 2013માં ઈન્દોરના આશ્રમમાંથી જોધપુર પોલીસે ધરપકડ કરી હતી. ત્યારથી આસારામ જેલમાં હતા. પાંચ વર્ષની લાંબી સુનાવણી બાદ 25 એપ્રિલ 2018ના રોજ કોર્ટે આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. ગાંધીનગર કોર્ટ: ગાંધીનગરમાં આશ્રમની એક મહિલા દ્વારા આસારામ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 31 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટે આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. સૌથી અનોખો રોગ ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆ, જેલમાં મહિલા ડોક્ટરની માગ કરી હતી
31 ઓગસ્ટ 2013ના રોજ આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ હતા. જ્યારે આસારામને જેલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પોલીસે આસારામનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આસારામ સ્વસ્થ હતા. તેમને કોઈ રોગ નહોતો. જેલમાં ગયાના એક મહિના બાદ જ આસારામે પહેલીવાર પોતાની ત્રિનાડી શૂલ એટલે કે ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆ બીમારી વિશે જણાવ્યું હતું. 4 સપ્ટેમ્બર, 2013ના રોજ અરજી દાખલ કરતી વખતે તેમણે કહ્યું હતું- હું લગભગ સાડા 13 વર્ષથી આ બીમારીથી પીડિત છું. મહિલા ડોક્ટર નીતા છેલ્લા 2-3 વર્ષથી મારી સારવાર કરી રહી હતી. નીતાને મારી સારવાર માટે 8 દિવસ માટે સેન્ટ્રલ જેલમાં આવવા દેવી જોઈએ. આના પર મેડિકલ બોર્ડ દ્વારા આસારામની તપાસ કરવામાં આવી હતી. ડૉક્ટરને એવો કોઈ રોગ જણાયો નહિ. આસારામે કહ્યું હતું- મને એટલી બધી બીમારીઓ છે કે હું આંગળીના ટેરવે પણ ન ગણી શકું
આસારામે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં આસારામે જણાવ્યું હતું કે જ્યારે તેઓ જેલની બહાર હતા ત્યારે તેમને માત્ર બે બીમારીઓ હતી. જો કે, જેલના વાતાવરણ અને પોલીસ કસ્ટડીના તણાવને કારણે તબિયત એટલી બગડી ગઈ છે કે હવે તે પોતાના શરીરની બીમારીઓને આંગળીઓ પર ગણી શકે તેમ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.