મિશન બ્રોડગેજ અમરેલીની મહેનત રંગ લાવી અમરેલીને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ. અમરેલી થી ખિજડિયા રેલવે લાઈનના ગેજ પરિવર્તનને મળી લેખિત મંજૂરી - At This Time

મિશન બ્રોડગેજ અમરેલીની મહેનત રંગ લાવી અમરેલીને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ. અમરેલી થી ખિજડિયા રેલવે લાઈનના ગેજ પરિવર્તનને મળી લેખિત મંજૂરી


અમરેલીની વર્ષો જૂની લાગણીવાળી માંગણી એટલે બ્રોડગેજ અને આ માટે ઘણાં જાગૃત લોકોએ પોતાની રીતે પ્રયત્નો કર્યા તેમજ લોકપ્રતિનિધિ તરીકે સાંસદોએ પણ આ મુદ્દે સરકારમાં અવારનવાર રજુઆતો કરી છે પણ યેનકેન પ્રકારે હાલ સુધી બ્રોડગેજ મળી શકેલ નહોતી. 

એક દાયકા પહેલાં કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં તમામ મીટરગેજ રેલવે લાઈનોને બ્રોડગેજ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ પરંતુ વહીવટી મંજૂરી મળતી નહોતી. 

છેલ્લાં કેટલાંક સમયથી અમરેલીને બ્રોડગેજ મળે તે માટે સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચાલતું હતું, તેમાં થોડાં જાગૃત નાગરિકો, વેપારી અગ્રણી, નિવૃત કર્મચારીઓ તેમજ સેવાભાવી યુવાનો જોડાયાં અને "મિશન બ્રોડગેજ અમરેલી" ના નેજાં હેઠળ "અમરેલી માંગે બ્રોડગેજ" અભિયાન શરૂ કરવામાં આવ્યું. તે અંતર્ગત ગત ઓગસ્ટ મહિનામાં સૌ પ્રથમ હજારો લોકોએ એકત્રિત થઈ કલેકટરશ્રીને અમરેલી થી જૂનાગઢ બ્રોડગેજ માટે રજૂઆત કરવામાં આવેલ ત્યારબાદ વેપારીઓ દ્વારા "પ્રધાનમંત્રીને પત્ર", વેપારી આગેવાનો દ્વારા રજૂઆત, વિવિધ  સામાજીક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી, શહેરમાં નવતર પ્રયોગ કરતાં સંતો, ક્રાંતિવીરો, મહાપુરુષોની પ્રતિમાને સમાજના પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં "સહી ઝુંબેશ" કરવામાં આવી, જેમાં હજારો નાગરિકોએ સહી કરી બ્રોડગેજ માંગણીને સમર્થન આપ્યું.

ગત બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે અમરેલીના પનોતા પૂત્ર ડૉ. જીવરાજ મહેતા ચોકમાં ૨૨ નાગરિકોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી તંત્રને જગાડવા પ્રયત્ન કર્યો. બ્રોડગેજ મામલે ગાંધી ચિંધ્યા માર્ગે લડી લેવાના મુડમાં સમિતિએ હોત તારીખ 7-11-2023 ના રોજ ભાવનગર ડિવિઝન ખાતે રેલવે વિભાગના અધિકારી ડી.આર.એમ.ને રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરી હતી.

  અંતે આજરોજ તા.૧૧/૧૧/૨૩ લેખિત પત્રથી ભારત સરકારના રેલવે બોર્ડ દ્વારા અમરેલીથી ખિજડિયા સુધી ૧૭  કિલોમીટર ગેજ કન્વર્ઝન માટે ૧૭૯ કરોડ રકમ મંજૂર કરવામાં આવેલ છે.

અમરેલી શહેરને બ્રોડગેજ મળતાં મિશન બ્રોડગેજ અમરેલી સમિતિ દ્વારા શહેરના રાજકમલ ચોકમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી. તેમજ માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવજી, રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય મંત્રી રૂપાલાજી તેમજ આ મુદ્દે સતત પ્રવૃત સાંસદ નારણભાઈ કાછડિયાને ધન્યવાદ પાઠવ્યા હતાં. 

આતશબાજીમાં વિપુલ ભટ્ટી, રાજેશભાઈ ગાંધી, ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઈ અકબરી, કાર્યકારી પ્રમુખ હરેશભાઈ સાદરાણી, દિપકભાઈ મહેતા, જાવેદખાન પઠાણ, અજયભાઈ અગ્રાવત, અલ્પેશભાઈ કાબરિયા, મહંમદઅલી બારૂની, મનિષભાઈ સાંગાણી, વી.કે.ચાવડા, પંકજભાઈ રાજ્યગુરુ, ખીમચંદભાઈ ચાંદ્રાણી, પ્રવિણભાઈ મોલાડિયા, ખોડીદાસ સવાણી, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના દિલશાદભાઈ શેખ સહિત ઉપસ્થિત રહ્યાં હતાં તેમ મિશન બ્રોડગેજ અમરેલી સમિતિના ભાર્ગવભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.