શહેરભરમાં પતંગ ના દુકાન પર પોલીસના દરોડા: 40 થી વધુ વેપારી સામે કાર્યવાહી
ઉત્તરાયણ પર્વને ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે લોકો પહેલાંથી જ પેચ લગાવવાનું શરૂ કરી દેતાં હોય છે. ત્યારે કેટલાક વેપારીઓ કમાઈ લેવાની લ્હાઈમાં લોકો અને પક્ષીઓના ગળા કાપતી ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતાં શખ્સો સામે પોલીસ મેદાને પડી છે. શહેર પોલીસની અલગ અલગ ટીમોએ અનેક સ્થળોએ દરોડા પાડી ચાઈનીઝ અને કાચનો મંઝો પાયેલ અનેક ફિરકીઓ કબ્જે કરી 40 થી વધુ વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી જગદિશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ કરવા, કોઈપણ પ્રકારના પ્લાસ્ટીક, પાકા સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/નાયલોન/ચાઈનીઝ માંઝાના પાકા દોરાના ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર પ્રતિબંધિત પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરતાં શખ્સ સામે કાર્યવાહી કરવાની સૂચનાથી તાલુકા પીઆઈ ડી.એમ.હરિપરા અને ટીમે ભીમનગર શેરી નં.12 પાસેથી પ્રકાશ દાના લોલાડીયા (ઉ.વ.24),( રહે.ભીમનગર શેરી નં.12 નાનામવા મેઈન રોડ) ને પકડી ચાઈનીઝ માંઝાના પાકા દોરાની 5 ફીરકી પકડી પાડી હતી.
જ્યારે તાલુકા પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારમાંથી પ્રતિબંધિત કાચથી રંગ ચડાવેલ ફિરકીઓ સાથે અમદાવાદના સુરેશ મફા પટણી, મવડીમાં મુરલીધર સોસાયટીમાં રહેતો ભુપત જેઠા ગોરસવા અને પુનીતનગર પાસે ભવાનીનગરમાં રહેતાં મનોજ અરજણ જોગણિયાને પકડી પાડ્યા હતાં. તેમજ મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક તરફ જતાં રસ્તાપરથી ચાઈનીઝ કાચની ભૂકી ભરેલ બાચકા સાથે વીરચંદ લલુ પટનીને પકડી 25 કિલો કાચની ભૂકી અને ચાઈનીઝ કાચનો રંગ ચડાવેલ 8 ફિરકી પકડી પાડી હતી.
ઉપરાંત એ. ડિવિઝન પોલીસે દાતાર બાપુના તકિયા પાસેથી એઝાંઝ હુસેન બ્લોચને ચાઈનીઝ કાચનો રંગ ચડાવેલ 5 ફિરકી સાથે, તેમજ ત્યાંથી જ ભગવતીપરાના ટીપું સુલતાન રફીક શેખને ચાઈનીઝ કાચનો રંગ ચડાવેલ 5 ફિરકી સાથે ઝડપી પાડ્યા હતાં.
તેમજ કુવાડવા રોડ પોલીસે માલિયાસણ ચોકડી પાસેથી રણજીત રૂખડ મેરને ચાઈનીઝ દોરીની 2 ફિરકી સાથે પકડ્યો હતો. થોરાળા પોલીસે ગંજીવાડાના ઉમેશ શામજી સરવૈયાને ચાઈનીઝ દોરીની 5 ફિરકી, પ્ર. નગર પોલીસે સદર બજારમાં રહેતાં જલાલુદિન નશીબઅલિને સદર બજારમાંથી સિન્થેટિક મટીરીયલ કાચના મંઝા સાથે પકડી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલનગર પેટ્રોલપંપની સામે આવેલ રિયા ટોયઝમાંથી ચાઈનીઝ દોરીની 3 ફિરકી પકડી દુકાન બહાર દોરીનું વેંચાણ કરતાં રાહુલ બિપિન બાટવીયાને પકડી પાડ્યો હતો. જ્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પાડી અનેક વેપારીઓને ચાઈનીઝ દોરી વેંચતા પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.