પરિણીતાને તપાસવાના બહાને દુષ્કર્મ આચરનાર 78 વર્ષીય તબીબની શોધખોળ - At This Time

પરિણીતાને તપાસવાના બહાને દુષ્કર્મ આચરનાર 78 વર્ષીય તબીબની શોધખોળ


સ્વામીનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પરના વૃંદાવન એપાર્ટમેન્ટમાં ક્લીનીક ધરાવતા 78 વર્ષના ડો. એલ.જી.મોરી સામે એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. માલવિયાનગર પોલીસે દુષ્કર્મ, ધમકી આપવી અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડો. મોરી મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાગી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
બનાવ અંગે 30 વર્ષીય પરિણીતાએ પોલીસને જણાવ્યું કે, તેના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. જો કે પતિ સાથે મનદુ:ખ થતાં છેલ્લા આઠ મહિનાથી રાજકોટ રહેતી માતાના ઘરે રિસામણે છે. સંતાનમાં આગલા ઘરની પુત્રી છે. .જેની ઉંમર સાત વર્ષ છે. સાતેક માસ પહેલા તેને સામાન્ય તાવ આવતા ડો. મોરી પાસે દવા લેવા ગઇ હતી. તે વખતે ડો. મોરીએ તેનું નામ-સરનામું અને મોબાઈલ નંબર નોંધી લીધા હતા.
એટલું જ નહીં દવા આપી, ક્લીનીકનું વિંઝીટીંગ કાર્ડ આપી કહ્યું કે, બે દિવસ બાદ મને ફોન કરી બતાવવા આવજે, બે દિવસ પછી તેણે કોલ કરતાં ડો.મોરીએ કહ્યું કે, હું તને ફોન કરું એટલે બપોરના બે-અઢી વાગ્યે આવજે. બપોરના ડો. મોરીએ કોલ કરી કહ્યું કે, તું બતાવવા આવી જા.
જેથી તે બપોરના સમયે ક્લીનીકે ગઈ હતી. તે વખતે ડો. મોરી એકલા હતા. તેને કેબીનની અંદર બોલાવી પૂછયુુંં કે, તું શું કામ કરે છે, જેથી તેણે કહ્યું કે ઈમીટેશનના કામનું કહ્યું હતું. તે સાથે જ તેને કહ્યું કે, હું તને સારી એવી નોકરી અપાવી દઈશ. સાથોસાથ પૂછયુુંં કે, હવે કોઇ તકલીફ છે. જેની સામે તેણે પેટમાં થોડી તકલીફ હોવાનું કહ્યું હતું.
તે સાથે જ ડો.મોરીએ કેબીનમાં રહેલા ટેબલ પર સૂવડાવી પેટના ભાગે તપાસવાનું શરૂ કર્યા બાદ બળજબરીપૂર્વક તેની સાથે શરીર સંબંધ બાંધી કહ્યું કે, જો તું આ વાત કોઇને કરીશ તો તારા ઘરનું સરનામું છે મારી પાસે છે, હું તારા ઘર સુધી આવીશ અને તને બદનામ કરી નાખીશ.
આ ઘટનાક્રમના છ દિવસ બાદ ફરીથી ડો. મોરીએ તેને કોલ કરી પૂછયુુંં કે, તબિયત સારી થઇ ગઈ ને, એટલે તેણે હા પાડતા કહ્યું કે, મેં મારા મિત્રને તારી નોકરી માટે વાત કરી છે, તું ક્લીનીકે આવ. જેથી બે-અઢી વાગ્યાની આસપાસ પુત્રી સાથે ક્લીનીકે ગઈ હતી. તે વખતે ડો. મોરીએ તેની પુત્રીને ચોકલેટ આપી બહાર બેસાડી દીધા બાદ તેને તપાસવા માટે કેબીનમાં બોલાવી હતી. પરંતુ તેણે ના પાડી હતી. આમ છતાં તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાધ્યો હતો.
અઠવાડિયા પછી ડો. મોરીએ સવારના સમયે કોલ કરી કહ્યું કે, તારી નોકરીનું થઇ ગયું છે, મેં તારી સાથે જે ખોટું કર્યું છે તેની હું માફી માંગુ છું, તું બપોરના બે-અઢી વાગ્યે ક્લીનીકે આવજે, જેથી બપોરે એકલી ક્લીનીકે ગઇ હતી તે વખતે ડો. મોરીએ તેની પાસે માફી માંગી અને કહ્યું કે, તારી નોકરીનું સેટીંગ થઈ ગયું છે, હું ફોન કરું એટલે મારા મિત્ર સાથે નોકરીની વાતચીત કરવા બોલાવીશ.
ત્યારબાદ ગઈ તા.પના રોજ ડો. મોરીએ કોલ કરી કહ્યું કે, બપોરે મારા મિત્ર ક્લીનીકે નોકરીની વાતચીત કરવા આવે છે એટલે તું બપોરે અઢી વાગ્યે ક્લીનીકે આવજે. જેથી બપોરે તે ક્લીનીકે ગઇ ત્યારે ડો. મોરી એકલા જ હતાં. તેણે કહ્યું કે, મારા મિત્ર આવે છે, આ પછી તેને અંદર બોલાવી હતી, પરંતુ તેણે ના પાડયા છતાં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી કહ્યું કે, તારાથી થાય તે કરી લેજે, આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. ભોગ બનનાર પરિણીતાએ પોલીસને
જણાવ્યું કે ડો. મોરીની ધમકીથી તે ખૂબ જ ડરી ગઈ ગઈ હતી. આખરે માતાએ હિંમત આપતા ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે દુષ્કર્મ, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે, ડો. મોરી વિરૂધ્ધ અગાઉ ભોગ બનનાર પરિણીતાએ અરજી કરી હતી. જેથી ગંધ આવી જતાં ડો. મોરી મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાગી ગયા છે. તેની શોધખોળ સઘન કરવામાં આવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.