ટેક્‍સ ચોરી અટકાવવા કાગળ પર ચાલતી કંપનીઓ પર તવાઇ આવશે - At This Time

ટેક્‍સ ચોરી અટકાવવા કાગળ પર ચાલતી કંપનીઓ પર તવાઇ આવશે


કાગળ પર ચાલતી બોગસ કંપનીઓને કારણે કેન્‍દ્ર અને રાજય સરકારને કરોડો રુપિયાની આવક ગુમાવવી પડે છે. તે માટે અનેક પ્રયાસ કરવા છતાં આ રેકેટને હજુ સુધી અટકાવી શકવામાં ધારી સફળતા મળી નથી. તેના કારણે જ હવે જીએસટી નંબર આપતા પહેલા અધિકારીને સ્‍થળ તપાસ કરવાની સાથે સ્‍થાનિક બે વ્‍યક્‍તિના નિવેદન લીધા પછી જ નંબર આપવામાં આવનાર છે. જેથી કાગળ પર ચાલતી કંપનીઓ પર લગામ કસવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવ્‍યો છે.દેશભરમાં દર વર્ષે હજારોની સંખ્‍યામાં શેલ (ભૂતિયા) કંપનીઓ રજિસ્‍ટર્ડ થાય છે કે જેઓનો ઉપયોગ મોટાભાગે ઇન્‍કમટેક્‍સ અને જીએસટી ચોરી સહિતની ગતિવિધિઓ માટે કરવામાં આવે છે.
લાંબા સમયથી સરકાર શેલ કંપનીઓ પર નિયંત્રણ કરવા માટે મથામણ કરી રહી હતી. જે અંગે હવે નિર્ણય લેવામાં આવ્‍યો છે. કંપની એક્‍ટના નવા કાયદા પ્રમાણે નવી કંપનીના રજિસ્‍ટ્રેશન સમયે અથવા જો રજિસ્‍ટ્રારને લાગે કે કંપની યોગ્‍ય રીતે બિઝનેસ કરી નથી રહી, તેવા સંજોગોમાં કંપની કંપની એક્‍ટ હેઠળ સ્‍થળ તપાસ કરી શકશે. જો કે, આ દરમિયાન તેમની સાથે ગવાહ તરીકે ત્‍યાંના સ્‍થાનિક બે ગવાહ પણ સાથે રહેશે તેમજ ઓફિસના ફોટો પણ લેવા પડશે. જો તપાસ દરમિયાન ડોક્‍યુમેન્‍ટમાં દર્શાવેલા સ્‍થળ પર કંપનીની ઓફિસ નહી મળી આવે તો રજિસ્‍ટ્રાર તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરશે.
ઉદ્યોગકારોનું કહેવું છે કે શેલ કંપનીઓનો ઉપયોગ કેટલાક લોકો બોગસ લોન લેવા કે આપવા માટે તેમજ ઇન્‍કમટેક્‍સ અને જીએસટીના ફાયદા માટે લેતા હતા જોકે નવા કાયદામાં સ્‍થળ તપાસ જરુરી હોવાથી તેના પર સકંજો કસાશે. ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ નારાયણ શર્માએ જણાવ્‍યું હતું કે કંપની એક્‍ટના નવા કાયદા પ્રમાણે નવી કંપની રજિસ્‍ટ્રેશન કરાવનારાઓએ આપેલા તમામ ડોક્‍યુમેન્‍ટના સ્‍પોટ વેરિફિકેશન કરવામાં આવશે. ત્‍યારબાદ રજિસ્‍ટ્રેશન મળશે, નવો કાયદો આવતા શેલ કંપનીઓ પર નિયંત્રણ લાગશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.