જસદણના ભાડલા ગામમાં કરોડો રૂપિયાની જમીન ઓળવવાના મામલે બે આરોપીઓની ધરપકડ અન્ય હાથવેંતમાં - At This Time

જસદણના ભાડલા ગામમાં કરોડો રૂપિયાની જમીન ઓળવવાના મામલે બે આરોપીઓની ધરપકડ અન્ય હાથવેંતમાં


જસદણના ભાડલા ગામમાં કરોડો રૂપિયાની જમીન ઓળવવાના મામલે બે આરોપીઓની ધરપકડ અન્ય હાથવેંતમાં

વૃધ્ધા દ્વારા જેઠના 3 પુત્રો સહિત 5 સામે ફરિયાદ : ખેતીની જમીનમાં સ્વેચ્છાએ બીનઅવેજી હક્ક જતો કરવાનું  ખોટુ સોગંદનામું બનાવી મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરી નોંધ દાખલ કરવા અરજી કરતા ભાંડો ફૂટયો
 જસદણ તાલુકાના ભાડલા ગામે મૃતક વ્યક્તિઓને હૈયાત બતાવી  વૃધ્ધાની સંયુક્ત માલિકીની ખેતીની જમીન પચાવી પાડવા જેઠના ત્રણ પુત્રો સહિત પાંચ શખ્સોએ કારસો રચતા પાંચેય શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ તમામે ખેતીની જમીનમાં સ્વેચ્છાએ બીનઅવેજી હક્ક જતો કરવાનું  ખોટુ સોગંદનામું બનાવી મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરી નોંધ દાખલ કરવા અરજી કરતા ભાંડો ફૂટયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ભાડલા ગામે રહેતા પ્રભાબેન જીણાભાઈ કાકડીયાએ તેમના જેઠના દિકરા ભરત કાનજી કાકડીયા(રહે-ભાડલા), દિલીપ કાનજી કાકડીયા(રહે-રાજકોટ), દલસુખ કાનજી કાકડીયા(રહે-ખેરડી), તેજા લવા મેટાળીયા(રહે-વેરાવળ) તેમજ ભીખા પ્રેમજીભાઈ તથા  બોગસ આધાર કાર્ડ બનાવનાર શખ્સ સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જે ફરીયાદમાં જણાવ્યા મુજબ ભાડલા ગામની કુલ સાડા 19  વિઘા જમીન તેમના  મોટા સસરા ભીખાભાઈ, પોપટભાઈ તથા  તેમના સસરા નરસીંહભાઈ કાકડીયાના સંયુકત ખાતે આવેલ છે. 

ફરીયાદીને જાણવા મળેલ કે ઓનલાઈન હક્ક કમીની નોંધ થઈ છે.જેથી તે અંગે તપાસ કરતા એવું જાણવા મળેલ કે તેમના  જેઠના ત્રણેય દિકરાઓ ભરત કાનજી કાકડીયા(રહે-ભાડલા), દિલીપ કાનજી કાકડીયા(રહે-રાજકોટ), દલસુખ કાનજી કાકડીયા(રહે-ખેરડી)અન્યો સાથે મળી જમીન પડાવી લેવા માટે કાવતરૂં રચી ફરીયાદીના મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈ મરણ ગયેલ હોવા છતા તેઓને હૈયાત બતાવી  બોગસ આધારકાર્ડ બનાવી આ આધારકાર્ડ સાથે આરોપીઓ
જસદણના નોટરી સમક્ષ રૂબરૂ જઈ  આરોપી તેજા લવા મેટાળીયા(રહે-વેરાવળ) તેમજ ભીખા પ્રેમજીભાઈએ ફરીયાદીના મરણ જનાર મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈની ઓળખ આપી ખેતીની જમીનમાં સ્વેચ્છાએ બીનઅવેજી હક્ક જતો કરવાનું રૂ.300 નું સ્ટેમ્પ પેપર ઉપર ખોટુ સોગંદનામું બનાવી અને આ હક્ક કમીનું સોગંદનામુ મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરી નોંધ દાખલ કરવા અરજી કરી જમીન હડપ કરવા પ્રયાસ કરેલ છે.  જેથી આ ફરીયાદના આધારે જસદણ પોલીસે ઉકત તમામ આરોપીઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો. જે પૈકી બે આરોપીઓ ભરત કાનજી કાકડીયા અને તેજા લવા મેટાળીયા નામનાં બે આરોપીઓની ધરપકડ કરેલ છે અન્ય આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે આ બનાવની વધુ તપાસ જસદણના પીઆઈ ટી.બી.જાની ચલાવી રહ્યા છે.

રિપોર્ટ હુસામુદીન કપાસી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon