આવતીકાલે રાજકોટ લોકસભા બેઠકની મત ગણતરી, 11 વાગ્યા સુધીમાં ટ્રેન્ડ
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની મત ગણતરી આગામી તા.4ને મંગળવારના સવારના 8 વાગ્યાથી કણકોટની સરકારી ઇજનેરી કોલેજ ખાતે કરવામાં આવનાર હોય. આ અંગેની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ આખરીઓપ આપી દેવામાં આવેલ છે.
આ અંગે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોષી તેમજ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા કાઉન્ટીંગ સેન્ટર રાજકોટ સરકારી ઇજનેરી કોલેજનું ઇન્સપેક્શન કરી બંદોબસ્ત માટે જરુરી સુરક્ષા કર્મચારીઓનો સ્ટાફ ફાળવી દેવામાં આવેલ છે.
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિતના 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ ખેલાયો હતો દરમ્યાન હવે મત ગણતરીના આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આ નવી ઉમેદવારોના રાજકીય ભાવિનું કાઉન્ટ ડાઉન શરુ થવા પામેલ છે. રાજકોટ લોકસભા ચૂંટણીમાં 59.60 ટકા જેટલું મતદાન થવા પામેલ હતું.
આ ચૂંટણીમાં આ વખતે ક્ષત્રિય આંદોલનનું ફેક્ટર મહત્વપૂર્ણ ભાગ ભજવી ગયું હોય, રાજકોટ બેઠકના પરિણામ અંગે લોકોમાં ભારે ઉત્સુક્તા છવાયેલી છે. રાજકોટ બેઠકની આ મતગણતરીમાં શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વહીવટીતંત્ર સજજ બની જવા પામેલ છે. મતગણતરી માટે એક હજાર જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવનાર છે. આ કર્મચારીઓને જરૂરી તાલીમ આપી સજજ કરી દેવામાં આવેલ છે.
મત ગણતરીના દિવસે તા.4ના સવારના 5-00 વાગ્યે આ કર્મચારીઓનું અંતિમ રેન્ડમાઇઝેશન કરવામાં આવશે. જેમાં આ કર્મચારીઓને મત ગણતરીના ટેબલ ફાળવી દેવામાં આવશે. મત ગણતરી માટે આજે બપોરના કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરો સાથે ખાસ વીડિયો કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી હતી. જેમાં જરુરી માર્ગદર્શન જિલ્લા ચૂંટણી અધિકારીઓને પૂરું પાડવામાં આવનાર છે.
રાજકોટ લોકસભા બેઠકના સાતેય વિધાનસભા મત વિસ્તારોના મતોની ગણતરી એક સાથે જ 14-14 ટેબલ પર કરવામાં આવશે. મત ગણતરી દરમ્યાન અકસ્માતે જો કોઇ સી.યુ. (ક્ધટ્રોલ યુનિટ)માંથી મત ન નીકળે તો તેના વીવીપેટની કાપલી ગણવામાં આવશે.
મત ગણતરી બાદ વિજેતા ઉમેદવારને ચૂંટણી અધિકારી પ્રભવ જોષી દ્વારા પ્રમાણપત્ર અપાશે. જેના આધારે જ આ વિજેતા ઉમેદવારની સંસદમાં એન્ટ્રી થશે. આ મત ગણતરી ચૂંટણી પંચ દ્વારા ખાસ નિમવામાં આવેલ બે ઓબ્ઝર્વરની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
રાજકોટ લોકસભાની ચૂંટણીની મત ગણતરી ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ જ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજજ બની જવા પામેલ છે. કણકોટ ખાતેની સરકારી ઇજનેરી કોલેજ ખાતે થનારી આ મત ગણતરીના કાઉન્ટીંગ હોલમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે.
ઉમેદવાર-ચૂંટણી એજન્ટો, કર્મચારીઓ સહિતના તમામ કાઉન્ટીંગ હોલમાં મોબાઇલ લઇ જઇ શકશે નહીં આ ઉપરાંત મીડિયા કર્મચારીઓ માટે બેચવાઇઝ કાઉન્ટીંગ હોલની મુલાકાત માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મત ગણતરી કેન્દ્રના ઓડિટોરીયમમાં મીડિયા કર્મચારીઓ માટે સીટીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ ઓડીટોરીયમમાં બે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેની સાથોસાથ ઓડિટોરીયમમાં એલઇડી સ્ક્રીન મુકવામાં આવશે જેના પર રાઉન્ડ વાઇસ ઉમેદવારોએ મેળવેલા મતોના આંકડા ઓન ધ સ્પોટ મુકવામાં આવશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.