સાયલા – સુદામડા રોડ પર બેફામ ડમ્પર ચાલકે કચ્છી માલધારીના ૩૯ ઘેટાં, બકરાંનાં મોતથી અરેરાટી ફેલાઈ.
સાયલા ના હાઈવે પર હાલ કચ્છ તરફ થી પોતાના માલઢોર લઈ કેટલાય માલધારી પરિવારો નીકળતા જોવા મળી રહ્યાં છે ત્યારે બુધવારે બપોરે થોરિયાળીથી સુદામડા તરફ પશુઓનો ઘેરો લઇ નીકળેલા માલધારીઓ પર યમદૂત બનીને પાછળથી પૂરપાટ આવી ચડેલા એક ડમ્પરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે, ૬૦ થી વધુ પશુઓ પર ટ્રક ફરી વળતાં રોડ પર અબોલ જીવો ઈજાગસ્ત અને મૃત હાલતમાં તથા એક પશુપાલક પર પણ ઝપટે ચડી જતા તેમણે પણ ગંભીર ઈજાઓ થતાં રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. અકસ્માત બાદ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ૧૦૮ ને જાણ કરાતા ઈજાગ્રસ્ત સાજણભાઈ કરણભાઈ ગોહિલ (રહે.કોટડા,તા.અંજાર,જી.ભુજ)વાળાને ગંભીર હાલતમાં પ્રથમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાની વિગતો મળી રહી છે જયારે સાથે રહેલ ઘનાભાઇ ખાંભલા ને સામાન્ય ઇજાઓ તથા દેવાભાઈ ખાંભલા દૂર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.પશુ ડોકટરની ટીમ દ્વારા ઈજાગસ્ત ૨૦ થી વધુ ની સ્થળ પર જ સારવાર કરવા સાથે ૩૯ મૃત પશુઓ જેમાં ૩૮ ઘેટાં,૧ બકરીની લાશોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી હોવાનું ડૉ. ઘનશ્યામભાઈ ગોહિલે જણાવ્યું હતું. અસ્માતની જાણ થતા સાયલા પોલીસ, મામલતદાર, પશુ ડોકટરની ટીમ . તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓનો કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતમાં ડમ્પરના ટાયર નીચે કચડાઈ ને મૃત પશુઓ ની લાશો પથરાયેલી જોતા જીવદયા પ્રેમીઓ માં પણ અરેરાટી સાથે બેફામ બનેલા ડમ્પરો વિરૂદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો હતો. પોલીસ દ્વારા લોકોનો આક્રોશ જોતા તુરંત અસ્માત સર્જનાર ચાલક ને ઝડપી લેવા સાથે રોડ પર સર્જાયેલા ટ્રાફિક જામ ને જોતા તુરંત એક બાજુનો રોડ બંધ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાયલા તાલુકામાં ખનીજ વહન કરતા વાહનોમાં લાઈ સન્સ વગરના અણઘડ અને બિન અનુભવી ડ્રાઇવરો ને લીધે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે તંત્ર અકસ્માતો બાદ સામાન્ય કાર્યવાહી કરી સંતોષ માની લેતું હોવાથી ગોઝારા અકસ્માતો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે
અહેવાલ : ધર્મેન્દ્ર દવે
રિપોર્ટર , રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.