મોરબી રોડ પર અનામત પ્લોટમાં ડિમોલીશન રોકવા માથાકૂટ : આજે પણ ટીમ પરત - At This Time

મોરબી રોડ પર અનામત પ્લોટમાં ડિમોલીશન રોકવા માથાકૂટ : આજે પણ ટીમ પરત


શહેરના પૂર્વ ઝોનના વોર્ડ નં.4ના મોરબી રોડ પર સરકારી જમીન અને મહાપાલિકાના અનામત પ્લોટ પર છેલ્લા વર્ષોથી ખડકાઇ ગયેલા કાચા-પાકા ઝુંપડાના દબાણો હટાવવા મનપાની ટીપી શાખા દોડાદોડી કરી રહી છે ત્યારે આજે ફરી અધિકારીઓ પ્લોટને ફેન્સીંગ કરવા પહોંચ્યા હતા. પરંતુ ઝુંપડાધારકોએ માથાકૂટ કરતા અધિકારીઓએ પરત ફરવું પડયું હતું.
આ પરિવારોએ કલેકટર કચેરી ખાતે આજે રજુઆત કરી હતી ત્યારે બે-ત્રણ દિવસમાં ફરી બાકીના દબાણો હટાવી તંત્ર પ્લોટનો કબ્જો લેવા જશે તેમ જાણવા મળ્યું છે. મોરબી રોડ પર વેલનાથપરા તરફ પુલના રસ્તે કરોડોની કિંમતની સરકારી જમીન આવેલી છે. આ જગ્યાએ મહાપાલિકાનો અનામત હેતુનો પ્લોટ રહેલો છે.
આ જગ્યાએ છેલ્લા સાત-આઠ વર્ષમાં ધીમે ધીમે 100 જેટલા પરિવારોએ કાચા-પાકા ઝુંપડા બનાવવાનું ચાલુ રાખ્યું હતું. આ મોટી જગ્યા પર કાયમી દબાણ જેવી સ્થિતિ થઇ ગઇ છે. ગત સપ્તાહે ઇસ્ટ ઝોન ટીપી શાખાએ અહીં ડિમોલીશન કરતા પરિવારો આડા આવી ગયા હતા અને ઓપરેશન પુરૂ થવા દીધુ ન હતું. છેલ્લે ટીમ ગઇ ત્યારે આ કામગીરી થઇ શકી ન હતી. દરમ્યાન આજે સવારે ફરી અધિકારીઓ સ્થળ પર ગયા હતા પરંતુ ટોળા એકઠા થઇ ગયા હતા. આથી હજુ ઘણા ઝુંપડા હટાવવાનું કામ બાકી રહી ગયું છે.
આ અંગે ઇસ્ટ ઝોનના ઇન્ચાર્જ સીટી ઇજનેર શ્રીવાસ્તવનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે સવારે ટીમ કોર્પો.ના અનામત હેતુના પ્લોટમાં ફેન્સીંગ કરવા ગઇ હતી. પરંતુ આ કામ થઇ શકયું ન હતું આથી બે દિવસ બાદ ફરી પ્લોટનો કબ્જો લેવા કામગીરી કરવામાં આવશે. રાધિકા પાર્ક તરફના રસ્તે આ કિંમતી જમીન આવેલી છે.
વોર્ડના કોર્પોરેટર અને મેયર નયનાબેન પેઢડીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સાત-આઠ વર્ષથી આ દબાણો રહેલા છે. વેલનાથપરા વિસ્તારમાં રોડ પણ બની ગયા છે. પુલ પાસેની આ જગ્યા કરોડોની કિંમતની છે અને ત્યાં ભવિષ્યમાં લોકો માટે સારી એવી સુવિધા ઉભી કરી શકાય તેમ છે. થોડા દિવસો પહેલા આ રસ્તેથી એક દંપતિને ભંગારના ડબ્બાનો ઘા થવાથી ઇજા થઇ હતી. આ જગ્યાએ રાત્રે નીકળતી વખતે અસલામતી અનુભવાતી હોવાની રજૂઆતો લત્તાવાસીઓએ કરી હતી. આથી અધિકારીઓને તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ રોડ ખુબ વિકસતો વિસ્તાર છે. જુના જકાતનાકાથી વેલનાથપરા તરફના બ્રીજના રસ્તે અનેક જગ્યાએ દબાણો છે. જે હટાવવા ટુંક સમયમાં કોર્પો. અને જિલ્લા તંત્ર કાર્યવાહી કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.