બોટાદ જિલ્લા પોલીસનો નવતર અભિગમ મહિલાઓ અને દીકરીઓને રાયફલ શૂટિંગ વડે સ્વરક્ષણની તાલીમ અપાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pygjbtlihxcovdcu/" left="-10"]

બોટાદ જિલ્લા પોલીસનો નવતર અભિગમ મહિલાઓ અને દીકરીઓને રાયફલ શૂટિંગ વડે સ્વરક્ષણની તાલીમ અપાઇ


“બેટી બચાઓ-બેટી પઢાઓ, બેટી સક્ષમ બનાઓ” સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા દીકરીઓને સ્વરક્ષણ માટે સક્ષમ બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ

બોટાદ જિલ્લા પોલીસનો નવતર અભિગમ: મહિલાઓ અને દીકરીઓને રાયફલ શૂટિંગ વડે સ્વરક્ષણની તાલીમ અપાઇ

રાયફલ શૂટિંગ કાર્યક્રમમાં 195 જેટલી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો: ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા થયેલું આ સુંદર આયોજન મારા જેવી અનેક દીકરીઓને ખુબ જ પ્રોત્સાહિત કરે છે: યશ્વી

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી એ.એ.સૈયદના માર્ગદર્શન હેઠળ મહિલાઓ અને દીકરીઓ માટે રાયફલ શૂટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દીકરીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમ થકી મહિલાઓ અને દીકરીઓમાં આત્મવિશ્વાસ કેળવાયો તથા સેલ્ફ ડીફેન્સની તાલીમ સાથે હિંમત અને આત્મવિશ્વાસના ગુણોનું પણ સિંચન થયું હોવાનું તાલીમાર્થીઓએ જણાવ્યું હતું.
તાલીમ કાર્યક્રમ વિશે માહિતી આપતા બોટાદના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી એ.એ.સૈયદે જણાવ્યું હતું કે, “સુરક્ષા સેતુ સોસાયટી અન્વયે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ અને દીકરીઓ માટે રાયફલ શૂટિંગ કાર્યક્રમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 195 જેટલી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓએ કોચ દ્વારા શૂટિંગની તાલીમ લઇ ઉત્સાહભેર ભાગ લીધો હતો”

ત્યારે ચાલો જાણીએ હાથમાં રાયફલ લઈ શૂટિંગની તાલીમ શીખી રહેલી આ દીકરીઓના મંતવ્યો..

10માં ધોરણની બોર્ડની પરીક્ષાનું પેપર આપ્યા બાદ રાયફલ શૂટિંગ શીખવા આવેલી યશ્વીએ આનંદપૂર્વક જણાવ્યું હતું કે, “આ અનુભવ મારા માટે યાદગાર બની રહેશે. કોચશ્રીના માર્ગદર્શનથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા થયેલું આ અનોખું આયોજન મારા જેવી અનેક દીકરીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે.”

પ્રથમ વખત રાયફલ જોઇ હોય તેવી દિકરી મૈત્રીએ કહ્યું હતું કે, “સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ પોલીસ દ્વારા રાયફલ શૂટિંગનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં કોચ અને ઉપસ્થિત પોલીસ અધિકારીશ્રીઓએ મારી હિંમત વધારી અને મને રાયફલ ચલાવવાની તાલીમ આપી.”

“પહેલા તો મને રાયફલ ઉપાડતા પણ ડર લાગતો હતો, પરંતુ અધિકારીશ્રીઓના માર્ગદર્શન બાદ મેં 10 રાઉન્ડ ફાયરિંગ કરી નિશાન તાક્યું”. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી નાની એવી ગુંજનએ પણ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલા રાયફલ શૂટિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગુંજન જણાવે છે કે, “આ પ્રકારના આયોજનથી મારૂં મનોબળ તો વધ્યું જ સાથેસાથે મને નવું-નવું શીખવા પણ મળ્યું છે.”

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે યોજાયેલા આ રાયફલ શૂટિંગ તાલીમ કાર્યક્રમમાં જીજ્ઞેશભાઈ, નિલેષસિંહ રાઠોડ, મુકેશભાઈ ઝાપડીયા સહિતના ટ્રેનરો તેમજ આર.પી.આઈ.શ્રી ચુડાસમા દ્વારા કિશોરીઓ તેમજ મહિલાઓને માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતાં. “બેટી બચાવો બેટી પઢાવો” સૂત્રમાં “બેટી સક્ષમ બનાવો” સૂત્રનો ઉમેરો કરી સાચાં અર્થમાં દીકરીઓને સ્વરક્ષણ માટે સક્ષમ બનાવવાનો પ્રશંસનીય પ્રયત્ન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]