અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડેડ TPO સાગઠીયાની મિલ્કતો ટાંચમાં લેવા અદાલતની મંજૂરી મંગાશે - At This Time

અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડેડ TPO સાગઠીયાની મિલ્કતો ટાંચમાં લેવા અદાલતની મંજૂરી મંગાશે


રાજકોટ ખાતે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા સળગી જતા મોત થયાં હતા. જેમાં તત્કાલિન ટીપીઓ મનસુખ ધનજી સાગઠીયાની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા એસીબીએ તપાસ શરૂ કરી હતી. જેમાં અપ્રમાણસર મિલ્કતો ધ્યાને આવેલી. જેથી એસીબી પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. જેથી કાયદેસરની આવક કરતા 628.42 ટકા અપ્રમાણસર મિલ્કતો જે રૂ.23.15 કરોડની થાય છે, તે ટાંચમાં લેવા ગૃહ વિભાગે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ મિલ્કતોમાં મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોના નામે આવેલી મિલ્કતોનો સમાવેશ થાય છે. હવે એસીબી કોર્ટની મંજૂરી મેળવશે.
એસીબીના સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-1988 (સુધારો-2018)ની કલમ-13(1)(બી) તથા 13(2) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. જેમાં રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફીસર (વર્ગ-1) આરોપી મનસુખ ધનાભાઈ સાગઠીયાએ ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીત રસમો અપનાવી નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.
મનસુખ સાગઠીયાએ પોતાની ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ.3,86,85,647 ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂ.28,17,93,981નું સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ ખર્ચ કરી પોતાના કાયદેસરના આવકના સ્ત્રોત કરતા કૂલ રૂ.24,31,08,334 એટલે કે કાયદેસરની આવક કરતા 628.42 ટકા અપ્રમાણસર સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ/ખર્ચ કરેલ.
પોતાની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીત રસમો અપનાવી, રાજય સેવક તરીકેના હોદાનો દૂરઉપયોગ કરી, ગુન્હાહીત ગેરવર્તણુક આચરી લાંચીયાવૃતીથી નાણાં મેળવેલ હોવાનું દસ્તાવેજી પુરાવા ઉપરથી એસીબીને જાણવા મળેલ. જેથી આરોપીએ પોતાના તથા પોતાના પરીવારજનોના નામે વસાવેલ રૂ.23,15,48,256ની મિલ્કત ટાંચમાં લેવા માટે રાજય સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત અન્વયે ગૃહ વિભાગ તરફથી મંજુરી આપવામાં આવતા, જે મંજુરી આધારે આરોપીની મિલ્કતો તાત્કાલિક ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવશે. હવે એસીબી કોર્ટ સમક્ષ જશે અને મિલ્કતો ટાંચમાં લેવા મંજૂરી માંગશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.