ભાસ્કર એક્સક્લુઝિવ:લદ્દાખ વિવાદના ઉકેલ માટે મોદી અને જિનપિંગની મુલાકાતની તૈયારી - At This Time

ભાસ્કર એક્સક્લુઝિવ:લદ્દાખ વિવાદના ઉકેલ માટે મોદી અને જિનપિંગની મુલાકાતની તૈયારી


લદ્દાખ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે કૂટનીતિક સ્તરે કવાયતે વેગ પકડ્યો છે. રશિયાના કઝાનમાં 22થી 24 ઓક્ટોબર સુધી યોજાનારી બ્રિક્સની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત માટે કૂટનીતિક તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે બંને નેતા એલએસી (વાસ્તવિક નિયંત્રણરેખા) પર તણાવ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. આ માટે બંને દેશોના વિદેશમંત્રી પણ સતત બેઠકોનો દોર કરી રહ્યા છે. બ્રિક્સ શિખર મંત્રણામાં મોદી અને શી જિનપિંગ વચ્ચે સાહજિકતા જળવાય તેવું રશિયા પણ ઇચ્છે છે. આ માટે રશિયામાં વિદેશમંત્રી એસ. જયશંકર અને એનએસએ અજિત ડોભાલની ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે અનેક વાર વાતચીત થઈ છે. જયશંકરે સ્વીકાર્યું કે એલએસી પર 75 ટકા વિવાદોનું સમાધાન થઈ ગયું છે. બીજી તરફ ચીને પણ વિવાદની 4 બાબતે ડિસએન્ગેજમેન્ટ થવા અને બાકીના 2 મુદ્દે થોડી સંમતિ રાખવાની વાત કરી છે. નોંધનીય છે કે આ પહેલાં મોદી-જિનપિંગ ગયા વર્ષે 25 ઑગસ્ટે દક્ષિણ આફ્રિકામાં મળ્યા હતા. લદ્દાખ... પેટ્રોલિંગના નવા પ્રકાર મુદ્દે સંમતિ સધાવાના અણસાર
પૂર્વ લદ્દાખમાં સૈન્ય તૈનાત હોય તેવા બે વિસ્તાર વધ્યા છે. ગલવાન અને પેંગોંગ ત્યો સહિત ચાર ફ્રિક્શન પૉઇન્ટ્સ પર તૈનાતીનો ઉકેલ આવી ગયો છે. ડીબીઓ (દોલત બેગ ઓલ્ડી)માં બોટલનેક વિસ્તારમાં ચીની સેનાની હાજરીના કારણે પેટ્રોલ પૉઇન્ટ 10, 11, 12 અને 13ના વિસ્તારોમાં પેટ્રોલિંગને અડચણ થાય છે. બંને સેના સૈન્ય પેટ્રોલિંગ માટે નવી પદ્ધતિ માટે સંમત થાય તેવી શક્યતા છે. રશિયા ઉત્સુક... યુક્રેન યુદ્ધમાં બ્રિક્સ મહત્ત્વનું બની શકે છે
એસસીઓ અને બ્રિક્સની બેઠક મુદ્દે રશિયા પણ ઘણું આતુર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ભારત, બ્રાઝિલ અને ચીનને શાંતિ ફોર્મ્યુલા તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા રજૂઆત કરી ચૂક્યા છે. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 18-19 નવેમ્બરે જી-20 શિખર બેઠક પણ આ જ કારણે મહત્ત્વની મનાઈ રહી છે. અહીં પણ મોદી અને શી જિનપિંગ એક જ મંચ પર હશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.