વડોદરા : શ્રાવણ મહિનાના પગલે પોલીસ લોકઅપ જુગારીઓથી ઉભરાયા
વડોદરા,તા. 22 ઓગષ્ટ 2022,સોમવારવડોદરા શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ પુર બહારમાં ખીલી હોય તેમ પ્રતિદિન પોલીસ લોકઅપ જુગારીઓથી ઉભરાઈ રહ્યા છે. વીતેલા 24 કલાક દરમિયાન વડોદરા પોલીસે વધુ ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા થકી જુગાર રમી રહેલા 20 શખ્સોને ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે ,બાપોદ પોલીસ મથકે ચોક્કસ માહિતીના આધારે સયાજી ટાઉનશીપ રોડ ઉપર આવેલ મારુતિ નગરમાં દરોડો પાડી આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં અશ્વિન પરમાર, રાજુ વસાવા, રઘુ રાવળ, સુરેશ વસાવા, ચંદ્રકાંત દરબાર, કમલેશ નાયક, કાંતિ મારવાડી અને પીન્ટુ ઠાકોર ( તમામ રહે - વડોદરા ) નો સમાવેશ થાય છે. પોલીસે અંગઝડતીના તથા દાવ પરના રોકડા રૂપિયા અને પાના પત્તા સહિત કુલ રૂ. 17030નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી. બીજા બનાવમાં જવાહર નગર પોલીસે રણોલી ગામના સત્યમ ફ્લેટની સામે ખરી ફળિયામાં દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં કિશન વસાવા, દિપક ગુપ્તા, સુનિલ સોલંકી, કૃણાલ મકવાણા, અનિલ જાદવ અને મહેશ સોલંકી ( તમામ રહે - રણોલી ગામ ) નો સમાવેશ થાય છે. પોલીસે અંગઝડતીના તથા દાવ પરના રોકડા રૂપિયા અને પાના પત્તા, 04 મોબાઈલફોન સહિત કુલ રૂ. 26460નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ત્રીજા બનાવમાં ભાટવાળા વિસ્તારમાં મનોજ ત્રિવેદી પોતાના ઘરમાં જુગાર ચલાવી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મનોજ ત્રિવેદી, નરેશ જોરે, રાજેન્દ્ર ફાળકે, સચિન પવળે, ભાવેશ ભૈયા અને વિનાયક સોમવંશી ( તમામ રહે - વડોદરા ) નો સમાવેશ થાય છે. પોલીસે અંગઝડતીના તથા દાવ પરના રોકડા રૂપિયા, એક્ટિવા, પાના પત્તા, 04 મોબાઈલફોન સહિત કુલ રૂ. 92160નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.