ભરૂચમાં બૌડાની રચના બાદ 5 ટાઉન પ્લાનિંગ સ્કિમનું કામ હાથમાં લેવાયું, જાણો કામગીરી ક્યાં પહોંચી - At This Time

ભરૂચમાં બૌડાની રચના બાદ 5 ટાઉન પ્લાનિંગ સ્કિમનું કામ હાથમાં લેવાયું, જાણો કામગીરી ક્યાં પહોંચી


ભરૂચ બૌડાની રચનાના 10 વર્ષ બાદ તવરાથી 5 ટીપી સ્કીમનું પહેલું કામ

હવે જમીન માલિકોના વાંધા, સૂચનોની જોવાતી રાહ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સામે 40 ટકા કપાતને લઈ વિરોધ ઉઠી શકે છે

40 ટકા કપાત સામે 400 ટકા વળતર અપાવી તો જ અમે સાર્થક : કલેકટર તુષાર સુમેરા

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 10 વર્ષ બાદ આજે તવરાની પેહલી 5 ટાઉન પ્લાનિંગ સ્કીમના સૂચિત મુસદા માટે ઓનર્સ મીટ મળી હતી. ઝાડેશ્વર નર્મદા કોલેજ ખાતે બૌડા દ્વારા તવરા ગામ વિસ્તારવાળી મુસદ્દારૂપ નગરયોજના રચનાની 5 ટીપી સ્કીમ માટે જમીન માલિકો સાથે ઓનર્સ મીટનું આયોજન વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, બૌડાના ચેરમેન અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તવરા ગામ વિસ્તારની સૂચિત મુસદ્દારૂપ યોજનાના નકશાનું અનાવરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

બૌડાના ચેરમેન અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ધ્વારા મંજૂર થયેલ નગર વિકાસ યોજનાઓનો આયોજનબધ્ધ રીતે વિકાસ કરાશે તેમ જણાવ્યું હતું. અમદાવાદમાં જે રીતે વિકાસ થયો છે તે વિકાસ ભરૂચમાં કેમ ન થાય તેમ જણાવતાં તેમણે આગામી પાંચથી દસ વર્ષમાં ભરૂચ-અંકલેશ્વર સૌથી મોડલ સ્થળ બને તે માટે પ્લાનીંગથી કામ કરાશે કહી 40 ટકા કપાત સામે જમીન માલિકોને 400 ટકાનું વળતર અપાવી એ તો જ અમે આ આયોજનને સાર્થક ગણીશું તેમ કહ્યું હતું.

સાથો સાથ અંકલેશ્વરમાં પણ આગામી સમયમાં પાંચ ટી.પી. આપીશું અને જે સમરસ ટી.પી. બને તે માટે દરેક સભ્ય સહકાર આપે તેમ જણાવ્યું હતું. તવરામાં સૂચિત 5 ટીપી સ્કીમ આવવાથી લોકોને ઈન્ફ્રાસ્તકચરની તમામ સુવિધા સાથે પોહળા રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, બગીચા, શાળા, હોસ્પિટલો મળશે. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ તવરા વિસ્તાર માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ બૌડા ધ્વારા જે ટી.પી. સ્કીમ મંજૂર કરેલ છે તેના આયોજનને બિરદાવ્યા હતા.

બી.ડી.એમ.એ.ના ચેરમેન અને ચેનલ નર્મદાના ડિરેકટર હરિશભાઈ જોષીએ દરેકના વાંધા સૂચનો સાંભળી તેનો જવાબ આપવા વહીવટી તંત્રનું ખાસ ધ્યાન દોરી કલેકટરને તેમના આ આયોજન માટે બિરદાવ્યા હતા. આર્કિટેક મૈત્રી બુચ, ક્રેડાઈ પ્રમુખ રોહિતભાઈ ચડ્ડરવાલાએ તવરા ગામ વિસ્તારની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજનાને બિરદાવી જિલ્લા વહીવટીતંત્ર અને બૌડાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

બૌડાના મુખ્ય કારોબારી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલે તવરા ગામ સૂચિત મુસદ્દારૂપ યોજનાના આયોજનનો ઉદ્દેશ સમજાવ્યો હતો. જોકે 40 ટકા કપાતને લઈ ખેડૂતો અને જમીન માલિકોમાં આંતરિક કચવાટ જોવા મળ્યો હતો. હવે કેટલા વાંધા સૂચનો આવે છે અને આગળ તેનો વિરોધ થાય છે કે નહીં તે તો આગામી સમયમાં જ બહાર આવશે.

કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવા, જુના તવરાના સરપંચ નારસંગભાઈ વસાવા, નવા તવરાના સરપંચ સંજયભાઈ પટેલ, બૌડાના અધિકારિયો, લેન્ડ ઓનર્સ, આગેવાનો, ડેવલોપર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.