સરકારી વીજ કંપનીઓ વચ્ચ હરીફાઈ કરાવવા અલગ વીજદર નક્કી કરો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારગુજરાત વીજ નિયમન પંચ ગુજરાત સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓને અલગ અલગ વીજદર મંજૂર કરે તો તેમના વચ્ચે સ્પર્ધા થશે અને આ સ્પર્ધા થશે તો દરેક વીજ વિતરણ કંપનીઓ તેમના પરફોર્મન્સમાં સુધારો લાવવાનો મહત્તમ પ્રયાસ કરશે. વીજ વિતરણ કંપનીઓ પરફોર્મન્સ સુધારશે તો ગુજરાતમાં સ્પર્ધાત્મક દરે વીજળી મળી શકશે. અત્યારે ઘોડા અને ગધેડાને એક સમાન દર આપવાનું ગુજરાત વીજ નિયમન પંચ-જર્કનું વલણ ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ જોડાણ ધારકોને સસ્તી વીજળી અને ક્વોલિટી સવસથી વંચિત રાખે છે. ગુજરાતમાં પશ્ચિમ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વીજ વિતરણ કંપનીઓ છે. ૨૦૦૩ની સાલમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ અમલમાં આવ્યા ત્યારથી આજ સુધી ચારે ચાર વીજ કંપનીઓને એક સમાન વીજ દર નક્કી કરી આપવામાં આવી રહ્યા છે. તેની સામે ટોરેન્ટ પાવરની અમદાવાદ-ગાંધીનગર, સુરત અને દહેજને અલગ અલગ વીજદર નક્કી કરી આપવામાં આવી રહ્યા છે. આ બેવડી નીતિ અપનાવીને ગુજરાત વીજ નિયમન પંચ વીજજોડાણ ધરાવતા ગુજરાત સરકારની વીજ કંપનીઓના ૧.૩૦ કરોડ ગ્રાહકોને અન્યાય કરી રહ્યું છે. જર્કમાં કરવામાં આવેલી પીટીશનમાં એવી દલીલ કરવામાં આવી છે કે ચાર વીજ વિતરણ કંપનીઓમાંથી જે કંપની સારુ કામ કે પરફોર્મન્સ આપતી હોય તો તેનો લાભ તેના વિસ્તારના ગ્રાહકોને મળવો જ જોઈએ. એક સમાન વીજ દર નક્કી કરી આપવાને પરિણામે સારુ પરફોર્મન્સ આપતી કંપનીના ગ્રાહકોને સસ્તી વીજળી મળવી જોઈએ તે અત્યારે મળતી નથી. પાવર સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજનુ કહેવું છે કે આ ધરાર અન્યાયકર્તા છે.ગુજરાતની વાત કરવામાં આવે તો પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પરફોર્મન્સ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વીજ કંપનીના પરફોર્મન્સ કરતાં નબળા છે. છતાંય દરેકને અલગ અલગ દર નહિ, એક સમાન જ વીજદર નક્કી કરી આપવામાં આવે છે. ગ્રાહકોના હિતો માટે રજૂઆત કરતી ગ્રાહક સુરક્ષા સંસ્થાના ભરત ગોહિલે દરેક વીજ વિતરણ કંપનીને તેમના પરફોર્મન્સ પ્રમાણે વીજદર નક્કી કરી આપવાની માગણી કરતી એક પીટીશન જર્ક-ગુજરાત વીજ નિયમન પંચમાં કરી છે. છેલ્લા પાંચ વર્ષથી આ માગણી થઈ રહી હોવા છતાંય સરકારનું ખાંધીયું બની ગયેલું વીજ નિયમન પંચ આ બાબતને ધ્યાનમાં લઈને પગલાં લેતું જ નથી. આમ ન કરવા માટેનું કારણ પણ આપતું નથી. તેથી કે.કે. બજાજ પણ આ પિટીશનમાં સહ પિટીશનર તરીકે જોડાયા છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ચાર વીજ વિતરણ કંપનીઓ વતીથી વીજળી ખરીદે છે. પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાત વીજ કંપની ખોટ ઓછી કરવા માટે આ કંપનીઓને જીયુવીએનએલ સસ્તી વીજળીનો સપ્લાય આપે છે. તેની સામે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વીજ કંપનીઓના ગ્રાહકોને મોંઘી વીજળીનો સપ્લાય આપીને જીયુવીએનએલ તેમને અન્યાય કરી રહી છે. ઇલેક્ટ્રિસિટી એક્ટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ વીજ કંપનીઓએ પોતાના માટે પોતે જ વીજળી ખરીદવી જોઈએ. બીજું, ચાર સરકારી વીજ કંપનીઓ માટે વીજ ખરીદી કરીને કમિશન મેળવતા જીયુવીએનએલએ કમિશન એજન્ટ તરીકે કામ કરવાની જરૃર જ નથી.દરેક વીજ કંપનીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાસ અલગ અલગ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનો ટીએન્ડ ડી લાસ ૧૮.૫ ટકા જેટલો ઊંચો છે. તેની સામે દક્ષિણ ગુજરાતનો લાલ ૧૧ ટકા, મધ્ય ગુજરાતના ૮.૯ ટકા અને ઉત્તર ગુજરાતનો લાસ ૬.૮ ટકા છે. પરિણામે તેમની યુનિટદીઠ કોસ્ટમાં ૧૨ પૈસાથી ૧૭ પૈસા જેટલો તફાવત આવે છે. તેથી એક વિભાગના વીજ ગ્રાહકોને માથે વીજબિલનો વધુ બોજો અને બીજા વિભાગના વીજ ગ્રાહકને માથે ઓછો બોજો આવે છે. તેથી જ તમામ વીજ કંપનીઓને એક સમાન વીજદર આપો ગ્રાહકોને માટે અન્યાય કર્તા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.