મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની "સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન"રિલોન્ચ કરી - At This Time

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન”રિલોન્ચ કરી


અહેવાલ માહિતી વિભાગ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે આપેલા કન્સેપ્ટ '4E - એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જીનિયરીંગ ઓફ રોડ, ઈમરજન્સી કેર અને એજ્યુકેશન'નું અનુપાલન ખૂબ જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતિબદ્ધ બનવા મુખ્યમંત્રીશ્રીએ સૌને અપીલ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ વાહન વ્યવહાર તથા ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઈટ ગાંધીનગરથી લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની "સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન" રિલોન્ચ કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ટ્રાફિક અને રોડ એકસીડન્ટ નિવારવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. સિગ્નલ સિસ્ટમ કે ટ્રાફિક પોલીસની અનુપસ્થિતિમાં પણ સ્વૈચ્છિક નિયમ પાલન કરી માર્ગ પરિવહનને સુરક્ષિત બનાવવું જોઈએ.
વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે પણ લોકોમાં એવી ગેરસમજ છે કે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડશો તો તેમની ઉપર કોઈ કેસ કે કાર્યવાહી થશે. લોકોની આ માનસિકતાને દૂર કરવામાં માટે જ ગુડ સમરિટન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુડ સમરિટન યોજના એ માત્ર એક યોજના નહિ પરંતુ એક ઝુંબેશ અને આપણા સૌની જવાબદારી છે. શહેરથી લઈને ગામડાઓ સુધીનો દરેક વ્યક્તિ જો આ યોજના અંગે માહિતગાર થશે તો રાજ્યમાં અનેક લોકોના જીવ બચી શકશે.
આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે. હૈદર, આરોગ્ય અગ્ર સચિવ સુશ્રી સાહમીના હુસેન, ગ્રુહ સચિવ શ્રી નિપુણા તોરવણે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ ઉપરાંત તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon