દાહોદ-ઝાલોદની ૨૫ જેટલી આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત
આંગણવાડી કેન્દ્રોની ખરાબ સ્થિતિ સામે પોષણકર્મીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે
૫ આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ ખરાબ તેમજ ૧૩ કેન્દ્રોની સ્થિતિ મધ્યમ જણાઇ
દાહોદ, તા. ૮ : દાહોદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ઉપર સરકારની યોજનાઓનું યોગ્ય અમલીકરણ થઇ રહ્યું છે કે કેમ તે માટે ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી રહી છે અને પોષણકર્મીઓની બેદરકારી સામે કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.
આઇસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસરશ્રીના આદેશ મુજબ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના સ્ટાફ સ્ટાફ દ્વારા ઝાલોદ ઘટક ૧ તથા દાહોદ ઘટક ૧ ની ૨૫ જેટલી આગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત ગત તા. ૩ ના રોજ લેવામાં આવી હતી. જેમાં ૧૩ આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ મધ્યમ અને ૫ કેન્દ્રોની સ્થિતિ ખરાબ જોવા મળી હતી.
જે આંગણવાડી કેન્દ્રો ખરાબ હાલતમાં જોવા મળ્યા ત્યાં સમયસર કેન્દ્રો ન ખોલવા, બાળકોના દૂધ વિતરણ ન કરવું, સ્વચ્છતાનો અભાવ, પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભાવ, વાનગી કાચી બનાવવી, રજીસ્ટરો અધૂરા નિભાવવા, સગર્ભા ધાત્રી માતાઓને નોંધાયા મુજબ હાજર નહોવા, રમકડા જોવા ન મળવા, સમયસર જમવાનું ન આપવું, તેડાગર ગેરહાજર હોવા જેવી બાબતો જોવા મળી હતી.
આ બાબતે આંગણવાડી કાર્યકરો-તેડાગર સામે નોટીશ આપીને શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આકસ્મિક મુલાકાતનો હેતુ આંગણવાડી કેન્દ્રોમાં યોગ્ય રીતે કામગીરી થાય એ છે. બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે રીકવરી, ફરજમુક્તિ સહિતના કડક પગલા લેવામાં આવશે તેમ જિલ્લા પ્રોગામ ઓફિસરશ્રીએ જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.