સ્મૃતિએ ૪ મહિના પહેલાં પુત્રી રેસ્ટોરાં ચલાવતી હોવાની પ્રશંસા કરી હતી
નવી દિલ્હી, તા.૨૩કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના તેમની ૧૮ વર્ષની પુત્રી અભ્યાસ કરે છે. ગોવામાં કોઈ બાર ચલાવતી નહીં હોવાના દાવાઓ વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ શનિવારે ભાજપ નેતા પર વધુ એક વખત હુમલો કર્યો છે. કોંગ્રેસે ગોવામાં રેસ્ટોરાં અંગે વાત કરતો સ્મૃતિ ઈરાનીની પુત્રીનો વીડિયો પણ વાઈરલ કર્યો હતો.ભાજપ નેતા સ્મૃતિ ઈરાની પર પલટવાર કરતાં કોંગ્રેસ નેતા પવન ખેડાએ દાવો કર્યો હતો કે સ્મૃતિ ઈરાનીએ માત્ર ચાર જ મહિનામાં તેમનું નિવેદન બદલી નાંખ્યું છે. ચાર મહિના પહેલાં સ્મૃતિ ઈરાની તેમની પુત્રી રેસ્ટોરાં ચલાવતી હોવાની પ્રશંસા કરતી હતી. પવન ખેડાએ ટ્વીટ કરીને સવાલ કર્યો કે તેમને ખ્યાલ નથી આવતો કે કઈ સ્મૃતિ ઈરાની ખોટું બોલી રહી છે? એ સ્મૃતિ ઈરાની જેમણે ૧૪મી એપ્રિલ ૨૦૨૨ના રોજ તેમની પુત્રીની રેસ્ટોરાંની પ્રશંસા કરી હતી કે એ સ્મૃતિ ઈરાની જે આજે કહે છે કે તેમની પુત્રી કોઈ રેસ્ટોરાં ચલાવતી નથી?દરમિયાન કોંગ્રેસ નેતા બીવી શ્રીનિવાસે ટ્વીટ કરીને સ્મૃતિ ઈરાની પર હુમલો કર્યો હતો. તેમણે એક વીડિયો શૅર કર્યો છે, જેમાં સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં એક રેસ્ટોરાં ચલાવતી હોવાનો દાવો કરી રહી છે. વીડિયોમાં ઝોઈશ ઈરાનીને ગોવામાં એક રેસ્ટોરાંના બારમાં એક પત્રકાર સાથે વાત કરતાં દર્શાવાઈ છે. વીડિયોમાં તે કહે છે કે ગોવા ભારતનું પ્રવાસન કેન્દ્ર છે. તમે સ્થાનિક રેસ્ટોરાંમાં ગોવાના વ્યંજન મેળવી શકો છો, પરંતુ આંતરરાષ્ટ્રીય ભોજન અહીં પાછળ રહી જાય છે. બીવી શ્રીનિવાસે કહ્યું, ભાજપના કેટલાક સભ્યો બેશરમીથી દાવો કરે છે કે બારની માલિક 'તુલસી'જીની (સ્મૃતિ ઈરાની)ની પુત્રી નથી, આ વીડિયો તેમના માટે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.