રૂ.88,692 નું પાર્સલ નહીં મળતા ગુગલ પરથી કુરિયર કંપનીનો નંબર મેળવી પાર્સલ મેળવવા જતા વેપારીએ રૂ.4.20 લાખ ગુમાવ્યા
- રૂ.5 ભરવા મોકલેલી લીંકમાં વેપારીએ પોતાનો મોબાઈલ નંબર નાખ્યો પણ પેમેન્ટ નહીં થતા પત્નીનો નંબર નાંખ્યાની ગણતરીની મિનિટોમાં પૈસા બંનેના એકાઉન્ટમાંથી ઉપડી ગયા સુરત,તા.28 જુલાઈ 2022, ગુરૂવાર સુરતના નાનપુરા વિસ્તારમાં મેડીકલ આઈસીયુ પ્રોડક્ટનો વેપાર કરતા નાની વેડ ગામના યુવાને મેડીકલ ઈકવીપમેન્ટનું રૂ.88,692 નું પાર્સલ નહીં મળતા ગુગલ પરથી કુરિયર કંપનીનો નંબર મેળવી પાર્સલ મેળવવા જતા રૂ.4.20 લાખ ગુમાવ્યા હતા. ભેજાબાજે રૂ.5 ભરવા મોકલેલી લીંકમાં વેપારીએ પોતાનો મોબાઈલ નંબર નાખ્યો હતો.પણ પેમેન્ટ નહીં થતા પત્નીનો નંબર નાંખ્યાની ગણતરીની મિનિટોમાં પૈસા બંનેના એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ગઢડાના હળવદર ગામના વતની અને સુરતમાં નાની વેડ ગુરુકુળ વેડ રોડ સ્કાય હેવન એ/401 માં રહેતા 32 વર્ષીય નિકુંજભાઈ ઠાકરશીભાઈ ખુંટ નાનપુરા ખાતે ઓમ ડિસ્ટ્રીબ્યુટરના નામે મેડીકલ આઈસીયુ પ્રોડક્ટનો વેપાર કરે છે. તેમણે લા-મેડ હેલ્થકેર પ્રા.લી.માંથી રૂ.88,692 ની મત્તાની પીવીસી ફ્રી હાઈ ટેંશન એક્સ્ટેંશન લાઈનના 1000 નંગ મંગાવ્યા હતા. તેનું પાર્સલ તેમને એક અઠવાડીયામાં મળવાનું હતું. પણ નહીં મળતા તેમણે ગત 24 જૂનના રોજ બપોરે ચાર વાગ્યે ગુગલ પરથી તે કુરીયર કંપનીનો મોબાઈલ નંબર સર્ચ કરી વાત કરતા સામેની વ્યક્તિએ પાર્સલ પાછું આવ્યું છે કહી ફરીથી મંગાવવું હોય તો રૂ.5 ભરવા કહ્યું હતું.તે વ્યક્તિએ રૂ.5 ભરવા મોકલેલી લીંકમાં ગુગલ પે પાસવર્ડ એન્ટર કરાવ્યો હતો. તેમ છતાં પેમેન્ટ નહીં થતા તે વ્યક્તિએ બીજો મોબાઈલ નંબર નાંખવા કહેતા નિકુંજભાઈએ પત્નીનો મોબાઈલ નંબર નાંખ્યો તે સાથે પેમેન્ટ થઈ ગયું હતું. તે વ્યકિતએ એક કલાકમાં પાર્સલ મળી જશે તેમ કહી ફોન કાપ્યાની ગણતરીની મિનિટોમાં જ નિકુંજભાઈ અને પત્ની પાયલબેનના એકાઉન્ટમાંથી કુલ આઠ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.4,20,428.96 ઉપડી ગયા હતા. આ અંગે નિકુંજભાઈએ કરેલી અરજીના આધારે સિંગણપોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.