ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી એક અજાણ્યા ઈસમે મચ્છીનો મોટો જથ્થો મફતમાં આપવાની લાલચે 50 કિલો હેરોઇન વેરાવળમાં ઘુસાડ્યું
ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી એક અજાણ્યા ઈસમે મચ્છીનો મોટો જથ્થો મફતમાં આપવાની લાલચે 50 કિલો હેરોઇન વેરાવળમાં ઘુસાડ્યું
વેરાવળ પહોંચ્યા બાદ ઈન્ટરનેશનલ કોલીંગ દ્વારા ગાડીનો ફોટો મોકલી રિસિવરની માહિતી અપાઈ
પોલીસે બાતમીના આધારે 2 રીસીવર સહિત 3 આરોપીઓને પકડી 6 ને રાઉન્ડ અપ કરી 250 કરોડથી વધુનો જથ્થો કબજે કર્યો
વેરાવળ બંદરેથી માછીમારી કરવા ગયેલ ટંડેલ ઓમાનના દરિયાઈ વિસ્તારમાં પહોંચતા એક ઈસમે દોઢ થી પોણા બે ટન મચ્છી મફતમાં આપવાની લાલચ આપી પાર્સલના બે બાચકા ગુજરાત પહોંચાડવાના છે જેના બદલે રૂ.50 હજાર આપીશ તેવું કહી 50 કિલો હેરોઇન ગુજરાતના વેરાવળ બંદર સુધી પહોંચાડ્યું હતું.પરંતુ આ જથ્થો ડીલિવર થાય તે પૂર્વે જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સમગ્ર જથ્થો કબ્જે કરી 2 રીસીવર સહિત પોલીસે 3 આરોપીઓને પકડી 6ને રાઉન્ડ અપ કર્યા હતા.
આ અંગેની વધુ વિગતો આપતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમોને ગુરુવારે રાત્રે બાતમી મળી હતી કે 25 દિવસ પૂર્વે ફિશિંગમાં ગયેલ બોટ હાલ વેરાવળ બંદરે આવી છે પરંતુ તેની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ રહી છે.જેને પગલે અમોએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી બોટની અંદર કોણ કોણ ખલાસી હતા અને તેના માલિક કોણ છે તેની તપાસ શરૂ કરી.ઉપરાંત તે બોટમાંથી અમુક સામાન શિફ્ટ કરવામાં આવ્યો છે તેવી પણ બાતમી મળી હતી.જેને પગલે તે બોટમાંથી જે ફોર વ્હીલમાં સામાન શિફ્ટ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરતા શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.જે પોલીસ સ્ટેશને લાવી તપાસ શરૂ કરવામાં આવી હતી અને તે ક્યાંથી આવ્યું તેની પૂછપરછ કરતાં ઇસમોએ તે જ બોટમાંથી આ જથ્થો લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી બોટ ચેક કરતા તેમાંથી પણ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.આમ,બોટ અને ફોર વ્હીલ માંથી 25 - 25 કિલોના બે પાર્સલ થઈને 50 કિલો જથ્થો મળી આવ્યો હતો.જેને પગલે અમોએ મુખ્ય ટંડેલ ધરમેન કશ્યપ રહે.કાનપુર, આસિફ ઉર્ફે કારા શમાં, અરબાજ કશ્યપ, રહે.બંને જામનગર વાળાને ઝડપી કુલ 250 કરોડથી વધુની કિંમતનો હેરોઇન,ફિશીંગ બોટ,મારુતિ કાર,મોબાઈલ તેમજ સેયેલાઈટ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.ઉપરાંત પોલીસે અનુજકુમાર કશ્યપ, અમનકુમાર કશ્યપ, રજ્જનકુમાર મિસાર, વિષ્નુ નિસાર, રોહિત નીશાર અને રાહુલ કશ્યપને રાઉન્ડ અપ કર્યા છે.
આ અંગે સ્થાનિક માછીમાર આગેવાન જીતુભાઈ કુહાડાએ જણાવ્યું હતું કે અમારી બોટમાં ટંડેલ દ્વારા કેટલાક સમયથી શંકાસ્પદ હિલચાલ થતી હોવાની જાણ અમને થઈ હતી જેના પગલે ગઈકાલે જ્યારે અમારી બોટ ફિશીંગ કરીને પરત આવી તે સમયે અમને શંકા જતા તેની પર વોચ રાખી હતી તે દરમિયાન ખલાસીઓ એ કોઈ પેકેટ લઇને રાજકોટની નંબર પ્લેટ વાડી ગાડીને આપી હતી જેના પગલે અમોએ તેનો પીછો કર્યો હતો અને રસ્તા પર તેને રોકાવીને તપાસ કરતા ચરસ જેવું શંકાસ્પદ પદાર્થ જણાયું હતું જેના પગલે અમોએ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા ને આ અંગેની જાણ કરતા તેમને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું જેથી મે સીધી એસપી સાહેબને આ અંગેની જાણ કરી અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી તમામ ખલાસીઓને ઝડપી બોટની પણ તલાશી લેતા તેમાંથી પણ એક પેકેટ મળી આવ્યું હતું જે અગાઉના પેકેટ ના પૈસા મળ્યા બાદ આપવાનું હતું. આમ,પોલીસે સમગ્ર જથ્થો કબ્જે કરી ઓપરેશન પાર પાડ્યું હતું.
(બોક્સ)
એક અજાણ્યો ઈસમ બોટના ટંડેલ ધરમેન કશ્યપના છેલ્લા 1 વર્ષથી પરિચયમાં હતો જેણે સમગ્ર જથ્થો મોકલ્યો હતો (બોક્સ)
ઇન્ટરનેશનલ મેરિટાઇમ બોર્ડર લાઈનની બહાર એક અજાણ્યો ઇસમ જે ટંડેલના પરિચયમાં 1 વર્ષથી હતો તેણે આ જથ્થો મચ્છીનો મોટો જથ્થો મફતમાં તેમજ રૂ.50 હજાર આપવાની લાલચે ડીલીવર કરવા આપ્યો હતો અને કોને ડીલીવર કરવાનો હતો તે અંગેની વિગતો ઇન્ટરનેશનલ કોલિંગ દ્વારા ગાડીનો ફોટો મોકલીને આપી હતી.પરંતુ આ જથ્થો ડીલીવર થાય તે પૂર્વે જ પોલીસે 2 રિસિવરને પણ પકડી પાડ્યા હતા.પરંતુ આ જથ્થો ક્યાં મોકલવનો હતો કોને મોકલવાનો હતો અને આટલા મોટા હેરોઇનના જથ્થાના રેકેટ પાછળ કોણ છે તે સમગ્ર વિગતો હજુ અલગ અલગ એજન્સીઓની તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવી શકે તેમ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.