ડમ્પર પાછળ ઘુસતાં જ અડધી બસ ચિરાઈ ગઈ, 6ના મોત: 20થી વધુ ઈજાગ્રસ્ત, મેયર સહિતનો કાફલો હોસ્પિટલ દોડયો, ડ્રાઈવરે કહ્યું- 'ટ્રાય કર્યો પણ બસ કાબૂમાં ના રહી - At This Time

ડમ્પર પાછળ ઘુસતાં જ અડધી બસ ચિરાઈ ગઈ, 6ના મોત: 20થી વધુ ઈજાગ્રસ્ત, મેયર સહિતનો કાફલો હોસ્પિટલ દોડયો, ડ્રાઈવરે કહ્યું- ‘ટ્રાય કર્યો પણ બસ કાબૂમાં ના રહી


ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઇડમાં ઊભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ભાઇ-બહેન સહિત 6 લોકોના મોત થયા છે. જ્યારે 20 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારી

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઇડમાં કર્યું હતું, આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

લક્ઝરીના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો આ ગોઝારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તુરંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ડમ્પર ઊભુ હતું પણ પાછળ પથ્થરો નહોતા મૂક્યા: ડ્રાઇવર લક્ઝરી બસના ડ્રાઇવર વલ્લભભાઈ સોન્ડાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારી બસ સુરતથી રાજુલા આવતી હતી. આખી બસ પેસેન્જરથી ફુલ ભરેલી હતી. આ દરમિયાન ત્રાપજ નજીક ડમ્પર રોડની સાઇડમાં ઉભુ હતું પણ કોઇ પથ્થરો મૂકેલા ન હતા, જેથી મારૂ ધ્યાન નહોતું ગયું. નજીક જતાં અચાનક મારૂ ધ્યાન ગયું એટલે મેં ટ્રાય કર્યો પણ પછી બસ કાબૂમાં રહે એમ નહોતી એટલે આ દુર્ઘટના ઘટી છે.

આ ગંભીર અકસ્માતમાં સર્જાયેલી કરુણાંતિકાની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયા જાણ થતાં સર.ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી અને ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવાં સુચના આપી હતી. આ ઉપરાંત કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સુચના આપી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ભાવનગરના મેયર ભરત બારડ, સ્ટેડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા.

મૃતકોના નામ

ગોવિંદ ભરતભાઇ કવાડ (ઉ.વ. 4 રહે. માંડલ)

તમન્ના ભરતભાઈ કવાડ (ઉ.વ. 7 રહે. માંડલ)

ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા (ઉ.વ. 8 રહે. મોરંગી)

જયશ્રી મહેશભાઈ નકુમ (ઉ.વ. 38 રહે. વાઘનગર)

ચતુરાબેન મધુભાઈ હડિયા (ઉ.વ. 45 રહે. કોટડી-રાજુલા) છગનભાઇ કળાભાઈ બલદાણીયા (ઉ.વ. 45 રહે. રસુલપરા-ગીરગઢડા)

ગોવિંદ અને તમન્ના સગા ભાઈ-બહેન

આ અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા ગોવિંદ અને તમન્ના સગા ભાઇ બહેન હતા. જેમનો પરિવાર ખેતી અને વેપાર ધંધા સાથે જોડાયેલો છે. આ બંને ભાઇ બહેન સુરતમાં આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ગયા હતા, જ્યાં ફરીને પરત આવતી વેળાએ આ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.