પાલડીથી વીએસ જવાના રોડ પર એસટી બસની ટક્કરથી વૃદ્ધનું મોત; પોલીસે ગુનો દાખલ કર્યો
અમદાવાદ,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારપાલડીથી વીએસ હોસ્પિટલ જવાના રોડ પર રવિવારે સવારે નવ વાગ્યે એસટી બસના ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા ચાલકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જતા તેઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બેફામ દોડતી બસે રીક્ષાને પાછળથી ટક્કર મારતા ચાલકને માથામાં ગંભીર ઈજાઓ થઈ ન્યુ રાણીપમાં સાનિધ્ય ફલોરામાં રહેતાં નિલેશભાઈ પટેલ (ઉં,૬૦)નાઓ રવિવારે સવારે ૯ વાગ્યે પાલડીથી વીએસ હોસ્પિટલ જવાના રોડ પર રીક્ષા લઈને પસાર થતા હતા. તે સમયે પાવન ટ્રાવેલ્સની ઓફિસ પાસે પુરઝડપે આવતી એસટી બસે નિલેશભાઈની રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતને પગલે નિલેશભાઈને ડાબા હાથે, બંને પગે તેમજ માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈર્મજન્સી એમ્બ્યુલન્સમાં સ્થાનિક લોકોએ નિલેશભાઈને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. રાહદારીએ નિલેશભાઈના ફોનથી તેમના પુત્રને યશને ફોન કરી પિતાને અકસ્માત થયાની જાણકારી આપી હતી. બનાવને પગલે યશ અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો અને બનાવ બાબતે વાત કરી હતી. ઈજાગ્રસ્ત નિલેશભાઈએ પુત્રને સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તેની જાણ કરી હતી. સારવાર દરમિયાન નિલેશભાઈનું રવિવારે રાત્રે ૮.૨૧ વાગ્યે મોત થયું હતું. ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે મૃતક નિલેશભાઈના પુત્ર યશ પટેલની ફરિયાદ આધારે એસટી બસના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.