આવતીકાલના આદિવાસી દિવસને અમે ‘આક્રોશ દિવસ’ તરીકે મનાવીશું અને બંધ પણ પાડીશું : ચૈતર વસાવા
કેવડિયામાં ટ્રાઈબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનોને આખી રાત ગોંધી રાખીને ઢોર માર્યો હતો. તેમાં ગઈકાલે એક આદિવાસી યુવાનનું મૃત્યુ થયું હતું અને આજે સારવાર દરમિયાન બીજા આદિવાસી યુવાનનું પણ મૃત્યુ થયું છે. આ દરમ્યાન ધારાસભ્ય ચૈતર વસાવા હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં તેમણે એજન્સીના માલિક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની વાત કરી અને પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ઘર્ષણ પણ થયું.ત્યાર બાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે સત્યમ કન્સ્ટ્રક્શન કંપનીના માણસોએ તે જ ગામના બે આદિવાસી યુવાનોને પકડીને ગોંધી રાખીને અને કપડા ઉતારીને ઢોર માર માર્યો.જેમાં ગઈ કાલે જયેશભાઈ તડવીનું મૃત્યુ થયું હતું ત્યારબાદ આજે સંજયભાઈ ગઢવી પણ મૃત્યુ પામ્યા છે.અમે પોલીસી ભાગના અધિકારીઓને ગઈકાલથી કહી રહ્યા છે કે જે જગ્યા પર આ બનાવ બન્યો છે તેના નોડલ અધિકારીનું નામ અને જેમના કહેવાથી માર માર્યો છે તેવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઇઆરમાં જોડવામાં આવે. પરંતુ આજ દિન સુધી પોલીસે આ કામ કર્યું નથી. બીજી મહત્વપૂર્ણ બાબત કે જે ડંડાથી માર મારવામાં આવ્યો છે તેને પણ પોલીસે રિકવર કર્યો નથી. નર્મદાના એસપી દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે આ બંને યુવાનો ત્યાં ચોરી કરવા ગયા હતા તો અમારી માગણી છે કે તેઓ આ બાબતને પુરાવા રજૂ કરે કારણ કે આવી વાતોથી આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે. એક તરફ આદિવાસી સમાજે બે દીકરાઓ ગુમાવ્યા છે અને બીજી બાજુ તેમના પર જ ચોરીનો ઈલઝામ લગાવવામાં આવી રહ્યો છે. તો જ્યાં સુધી આ બાબતનો ખુલાસો નહીં થાય ત્યાં સુધી અમે ડેડબોડીનો અંતિમ સંસ્કાર કરીશું નહીં.આવતીકાલે અમે કેવડિયા ગરુડેશ્વરનું સદંતર બંધનું એલાન આપી રહ્યા છીએ અને પાંચ દિવસ પછી 12 ઓગસ્ટ મંગળવારના રોજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ દરમિયાન અમે સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે તેમના તાબા હેઠળ આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે તેઓની અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતે નિર્દોષ લોકોનું શોષણ કરતા હોય તેમના વિરુદ્ધ અમે ઉગ્ર રજૂઆત કરીશું. પોલીસે મુખ્ય આરોપીઓને એફઆઇઆરમાં સામેલ કર્યા નથી અને જે મજૂર લોકો છે તેમને આ કેસમાં સંડોવી નાખ્યા છે. આ સિવાય અમારી કોઈની પણ સહમતિ વગર પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને તંત્ર દ્વારા જેમ બને તેમ જલ્દીથી આ બાબતનો નિકાલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જ્યારે અમારી જમીન પર જ અમારા લોકોને આ રીતે માર મારીને મારી નાખવામાં આવે છે, ત્યારે એક આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ. આવનારા દિવસોમાં આ રીતના બનાવોને અમે ક્યારેય પણ સાંખી લેવાના નથી. આવા બનાવો ફરીથી ક્યારેય પણ ના બને તેની તકેદારી અહીંની પોલીસ અને તંત્ર રાખે તે જરૂરી છે નહીંતર અમે રોડ પર ઉતરીશું. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ છે, પરંતુ અમે કેવડિયામાં આદિવાસી દિવસ મનાવવાના નથી. તેની જગ્યાએ અમે આવતીકાલના દિવસને અમે આક્રોશ દિવસ તરીકે મનાવીશું અને બંધ પણ પાડીશું.
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.