ગુજરાત સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓના પરિણામે રાજ્યનો ખેડૂત હાઇટેક બન્યો - At This Time

ગુજરાત સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓના પરિણામે રાજ્યનો ખેડૂત હાઇટેક બન્યો


ગુજરાત સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓના પરિણામે રાજ્યનો ખેડૂત હાઇટેક બન્યો

કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

અન્નદાતાઓની સમૃદ્ધિ અને તેમના પાકોનું મૂલ્યવર્ધન કરવા રાજ્ય સરકાર કૃતસંકલ્પ

- ગુજરાતની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને ‘જી.આઈ.’ ટેગની માન્યતા મળી

- કુદરતી આપત્તિ સમયે ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧થી આજ સુધીમાં રૂ. ૪૬૨૫ કરોડની સહાય ચૂકવાઈ

- કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહન આપવા ઓજારોની ખરીદી માટે રૂ. ૭૦૧ કરોડની જોગવાઇ

- ગત ૩ વર્ષમાં ૯ લાખથી વધારે ખેડૂતો ૭.૫૬ લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરતા થયા

- બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા બે દાયકામાં ૩૮ લાખ ખેડૂતોને રૂ. ૩૩૫૩ કરોડની સહાય અપાઈ

- ફળ, શાકભાજી જેવા બાગાયતી પાકોના વિસ્તારમાં ૧૬૦ ટકા અને ઉત્પાદનમાં ૨૮૭ ટકાનો વધારો

- ગાંધીનગર, દાહોદ, અમરેલી અને થરાદમાં મળી કુલ ૫ નવા સેન્ટર ઓફ એકસેલન્સ ઊભા કરાશે

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં ગુજરાત અને ખાસ કરીને ગુજરાતનું કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેમ કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી ખાબડે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોના પરિણામે રાજ્યનો ખેડૂત સમૃદ્ધ બન્યો છે, અને સાથે જ ખેડૂત હાઇ ટેક બની ડ્રોન અને નેનો ટેકનોલોજી પણ અપનાવતો થયો છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અન્નદાતાઓની સમૃદ્ધિ માટે તેમની પાક ઉત્પાદકતા વધારવા તેમજ પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃતસંકલ્પ છે. આ ઉપરાંત ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને અને કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવું એ પણ આજના સમયની માંગ છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને ‘જી.આઈ.’ ટેગની માન્યતા મળી છે. વધુમાં, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ૧૯૭ કરોડના મૂલ્યનું ૨.૪૯ લાખ ક્વિન્ટલ બિયારણનું વિતરણ અને ૧૭.૩૩ લાખ ક્વિન્ટલ નોટીફાઈડ જાતોના બિયારણ પ્રમાણિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી એકંદરે ૧૫ હપ્તામાં રૂ.૧૫,૪૦૭ કરોડથી વધુની રકમ સીધી ૬૩ લાખ જેટલા લાભાર્થી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે. તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
 
મંત્રી શ્રી ખાબડે કહ્યું હતું કે, રાજ્ય સરકારની ટ્રેકટર સહિતના કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ ખેત ઓજારોની ખરીદી પર રાજ્યના અંદાજે ૧.૫૮ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા બજેટમાં રૂ. ૭૦૧ કરોડની જોગવાઇ કરાઇ છે. આ સાથે જ કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને તેમજ મિલેટસના વાવેતર અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા પણ માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ પાક રક્ષણ અંગે વાત કરતા કહ્યું કે, પ્રાણીઓ દ્વારા ઉભા પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળા તારની વાડ બનાવવાની યોજનામાં રૂ. ૩૫૦ સાડા કરોડ તેમજ ખેતરની ફરતે કાંટાળા તારની વાડના વિકલ્પ સ્વરૂપે સોલાર ફેન્સીંગ બનાવવા ઇચ્છતા ખેડૂતો માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

કુદરતી આપત્તિ સમયે નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાયરૂપ થવા વર્ષ ૨૦૨૦-૨૧થી આજ સુધીમાં ૨૯.૭૪ લાખ ખેડૂતોને રૂ. ૪૬૨૫ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ગત વર્ષે માર્ચ-૨૦૨૩માં પડેલા કમોસમી વરસાદ અંતર્ગત પણ ૧૩ જિલ્લાના ૩૭ હજારથી વધુ ખેડૂતોને રૂ. ૮૫.૪૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે, તેમ કૃષિ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મગફળી, ડાંગર, ઘઉં, કઠોળ જેવા પ્રમાણિત બિયારણ હેઠળનો વાવેતર વિસ્તાર વધે અને પ્રમાણિત થયેલ બિયારણોનો જથ્થો ખેડુતો દ્વારા વધુમાં વધુ પ્રમાણમાં વાપરવામાં આવે તેવા ઉમદા આશયથી સીડ રીપ્લેસમેન્ટ રેટ (SRR) માં વધારો કરવા રૂ. ૮૦ કરોડની જોગવાઇ કરાઇ છે.

જમીન સ્વાસ્થ્યની જાળવણી માટે લિક્વિડ ફેર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર એટલે કે પ્રવાહી સેંન્દ્રિય ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા રાજ્યના દરેક તાલુકામાં ક્લસ્ટર ધોરણે ૧૦૦ એકરમાં ૨૪,૮૦૦ જેટલા નિદર્શનો યોજવામાં આવશે. જેનાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધશે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પહોંચે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૯ લાખથી વધારે ખેડૂતો ૭.૫૬ લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે.

આ માટે દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે અત્યાર સુધીમાં રાજ્યના ૧.૮૪ લાખ લાભાર્થી ખેડૂતોને રૂ. ૫૦૬ કરોડ જેટલી સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ઝુંબેશ માટે રાજ્યથી ગ્રામ્ય કક્ષા સુધીની સમગ્ર વ્યવસ્થા સુદ્રઢ કરવા રૂ. ૧૧૪ કરોડની જોગવાઈ કરાઈ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

બાગાયત

મંત્રીશ્રીએ બાગાયત વિભાગની વાત કરતા જણાવ્યું હતું કે,
ગુજરાતમાં બાગાયતી ખેતીનો વ્યાપ ખૂબ જ તેજ ગતિથી વધી રહ્યો છે. આજે બાગાયતી ખેતી એક આધુનિક વ્યવસાય તરીકે વિકસી રહી છે. અદ્યતન ટેકનોલોજી અને રાજ્ય સરકારના સહકાર થકી ખેડૂતો આજે ફળ અને શાકભાજીના ક્લસ્ટર બનાવી નિકાસલક્ષી ખેતી કરી રહ્યાં છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં બાગાયતી ખેતીનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં ૩૮ લાખ બાગાયતદારોને રૂ. ૩૩૫૩ કરોડની પ્રોત્સાહક સહાય આપવામાં આવી છે. જેના પરિણામે ફળ, શાકભાજી જેવા બાગાયતી પાકોના વિસ્તારમાં ૧૬૦ ટકા અને ઉત્પાદનમાં ૨૮૭ ટકાનો વધારો થયો છે.

દેશમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રે હાંસલ કરેલા સ્થાન વિશે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પપૈયા, ચીકુ, વરિયાળી, અજમો, ભીંડાના વિસ્તાર અને ઉત્પાદનમાં, જ્યારે બટાકા, ડુંગળી, વરીયાળીની ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ગીરની કેસર કેરી અને કચ્છી ખારેક આજે વૈશ્વિક ઓળખ બની છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં બાગાયતી પાકોની સંગ્રહ ક્ષમતા વધારવા મોટા કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા રૂ.૫૦ કરોડની અને બાગાયતી ઉત્પાદનને બજાર સાથે સાંકળવા માળખાકીય સુવિધા પૂરી પાડવા રૂ.૧૫ કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જૂની પરંપરાગત બાગાયતી ખેતીને અદ્યતન ટેકનોલોજીયુક્ત કરવા માટે ગાંધીનગર, દાહોદ, અમરેલી અને થરાદ ખાતે કુલ ૫ (પાંચ) નવા સેન્ટર ઓફ એકસેલન્સ ઊભા કરવામાં આવશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નર્સરીઓમાં યાંત્રિકરણ અને ઉત્પાદકતા વધારવા, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા, મસાલા અને પપૈયા પાકની વિસ્તાર દીઠ ઉત્પાદકતા વધારવા તેમજ ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા રાજ્ય સરકારે માતબર રકમની જોગવાઈ કરી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જળ વ્યવસ્થાપન માટેના વિવિધ પ્રયાસોના કારણે રાજયનો ચોખ્ખો પિયત વિસ્તાર ૬૧ લાખ હેક્ટરથી વધુ થયો છે. છેલ્લા બે દાયકામાં ખાદ્ય પાક ઉત્પાદનમાં ૧૨૦ ટકા જેટલો, તેલીબીયા ઉત્પાદનમાં ૯૪ ટકા જેટલો અને કપાસ ઉત્પાદનમાં ૩૩૩ ટકા જેટલો વધારો થયો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત દિવેલા અને મગફળીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. જ્યારે કપાસ પાકના વાવેતર અને ઉત્પાદનમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. દિવેલા અને મગફળીના પાક વાવેતરમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ચણા અને રાઈની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.