સરકારે તિરંગા આપવામાં કોર્પોરેશનને છેલ્લી ઘડી સુધી લટકાવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o2qeutc6rvlenrqa/" left="-10"]

સરકારે તિરંગા આપવામાં કોર્પોરેશનને છેલ્લી ઘડી સુધી લટકાવ્યું


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’ હાથ ધરવાનું છે. રાજકોટમાં 3 લાખથી વધુ મિલકતો પર આન, બાન, શાન સાથે તિરંગો લહેરાઇ તેવું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જો કે, રાજ્ય સરકારે તિરંગા ફાળવવામાં કોર્પોરેશન તંત્રને છેલ્લી ઘડી સુધી લટકાવ્યું છે. ચાર દિવસ પૂર્વે 86 હજાર તિરંગા ફાળવાયા બાદ ગઇકાલે મોડી રાત્રે વધુ 60 હજાર તિરંગાની ફાળવણી કરવામાં આવી હતી. જો કે આજે એકપણ ઓફિસે વિતરણ ચાલુ નથી. માત્ર વેસ્ટ ઝોન કચેરી ખાતેથી તિરંગા વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલ સુધીમાં વધુ 40 હજાર તિરંગા ફાળવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. જો કે, સરકાર હવે છેલ્લી ઘડીએ તિરંગા ફાળવશે તો પણ વિતરણની અવ્યવસ્થા સર્જાય તેવી ભિતી પણ દેખાઇ રહી છે.
‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત રાજકોટને બે લાખ તિરંગા ફાળવવાની રાજ્ય સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. ગત સોમવારે 86 હજાર રાષ્ટ્રધ્વજની ફાળવણી કરવામાં આવતા મંગળવારથી વોર્ડ ઓફિસ ખાતે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. ગણતરીની કલાકોમાં રાષ્ટ્રધ્વજો ખલાસ થઇ ગયા હતા. બે દિવસ સુધી સ્ટોકની ફાળવણી કરવામાં આવી ન હતી. દરમિયાન ગઇકાલે મોડી રાત્રે સુરતથી વધુ 60 હજાર તિરંગા આવતા આજે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે આજે રક્ષાબંધન પર્વની રજા હોવાના કારણે વોર્ડ ઓફિસ ખાતેથી વિતરણ કરી શકાયુ ન હતું. વ્યવસ્થા જળવાઇ રહે તે માટે માત્ર વેસ્ટ ઝોન કચેરી ખાતેથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. શનિવારથી ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ થઇ રહ્યું છે. હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે કોર્પોરેશને ત્રણ લાખ તિરંગા ફરકાવવાનો લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે એક જ દિવસમાં બે લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવું પડશે, જે હાલ એકપણ શક્ય લાગતું નથી. બે લાખ તિરંગા આપવાની બાંહેધરી સામે સરકાર દ્વારા માત્ર 1.46 લાખ જ તિરંગાની ફાળવણી કરવામાં આવી છે. જો હવે કાલે 40 હજાર તિરંગાની ફાળવણી કરવામાં આવે તો પણ તેનું વિતરણ કરવું મહાપાલિકા માટે મોટો પડકાર બની જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]