હળવદના જુના માલણીયાદ ગામે આધેડ ઉપર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો - At This Time

હળવદના જુના માલણીયાદ ગામે આધેડ ઉપર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો


હળવદના જુના માલણીયાદ ગામે ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી આધેડ ઉપર ગામના જ ત્રણ શખ્સોએ આધેડને ઢીકાપાટુનો માર મારી ગળું દાબીને જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સમગ્ર બનાવ બાબતે ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે રહેતા ધનશ્યામભાઇ હરજીભાઇ કણઝરીયા ઉવ-૪૭ ઉપર ગત તા.૧૫/૦૫ ના રોજ જુના માલણીયાદ ગામના જ ત્રણ શખ્સો આરોપી મહિપાલસિંહ મહાવીરસિંહ ઝાલા, કાનભા જાલુભા ઝાલા તથા વિજયસિંહ મહિપતસિંહ ઝાલાએ અગાઉ ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી ઘનશ્યામભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ઘનશ્યામભાઈ દ્વારા ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા.૧૫/૦૫ ના રોજ પોતે પોતાના બાઈક ઉપર ગામમાં જતા હોય ત્યારે ગામમાં આવેલ વાંકલ માતાજીના મંદિર પાસે આરોપી મહિપાલસિંહ બાઈક ઉપર સામેથી આવી ઘનશ્યામભાઈના બાઈક સાથે અથડાવી તેઓને પાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ એકસંપ કરી ઘનશ્યામભાઈને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન આરોપી મહિપાલસિંહે ઘનશ્યામભાઈને મારી નાખવાના ઇરાદે તેમની છાતી ઉપર બેસી ગળુ દબાવી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે ત્રણેય આરોપીઓએ એકસંપ થઈને કરેલા હુમલામાં ઘનશ્યામભાઈને શરીરે મૂંઢ ઇજા પહોંચી હતી. હાલ હળવદ પોલીસે સમગ્ર બનાવની નોંધાવેલ ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.