NTPC સાથે PPA થયા પછી સોલાર પાવરનો સપ્લાય ન આપ્યો અને ભાવ વધારો મંજૂર કરાવ્યો - At This Time

NTPC સાથે PPA થયા પછી સોલાર પાવરનો સપ્લાય ન આપ્યો અને ભાવ વધારો મંજૂર કરાવ્યો


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવારગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને ૧૮ મહિનામાં વીજ સપ્લાય આપવાનું ચાલુ કરવાના કરારનું પાલન ન કરી શકનાર નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને તે જ કરાર હેઠળ સપ્લાય ચાલુ કર્યા વિના જ સોલાર પાવર પરચેઝના યુનિટદીઠ ભાવ રૃ. ૧.૯૯થી ૫૯ પૈસા વધારીને રૃ. ૨.૫૮ કરી આપીને ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ વપરાશકારોને માથે અંદાજે રૃ. ૧૬૫૬ કરોડનો બોજો નાખ્યો છે. સોલાર પાવર પરચેઝના કરેલા કરારમાં કોઈ જ પ્રગતિ ન થઈ હોવા છતાંય નવા ઊંચા ભાવે સપ્લાય સ્વીકાર કરવા તૈયાર થયું છે. બેઝિક કસ્ટમ્સ ડયૂટી અને જીએસટીના દરમાં થયેલા વધારાને કારણે આ વધારો માન્ય કરી દેવામાં આવ્યો છે.આમ તો સોલાર પાવર ખરીદવા માટેના ૮૧૨૦ મેગાવોટના કરાર કર્યા છે. પરંતુ તેમાંથી માત્ર ૫૨૦૦ મેગાવોટનો જ સપ્લાય મળી રહ્યો છે. વાસ્તવમાં કરાર આધારિત સોલાર પાવર પ્લાન્ટ પાસેથી ૫૮૦૦ મેગાવોટ વીજળી મળવી જોઈએ, પરંતુ તેની સામે ઊનાળામાં પણ વાદળીયું વાતાવરણ રહેતા સોલાર પાવરની માત્ર ૮૦૦ મેગાવોટ વીજળીનો જ સપ્લાય મળી રહ્યો છે.સોલાર પાવર જનરેશનના ઘણાં પ્રોજેક્ટ અત્યારે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. કેટલાક ડેવલપર્સે તેને માટે જોઈતી જમીન પણ હસ્તગત કરી નથી. આ સંજોગોમાં જીયુવીએનએલ બાકી રહેલી ૨૯૨૦ મેગાવોટ વીજળીના કરારનું સ્ટેટસ શું છે તે જણાવવા માટે વ્હાઈટ પેપર બહાર પાડે તેવી લેખિત માગણી પણ પાવર સેક્ટરના જાણકાર કે.કે. બજાજે કરી છે. આ માગણી અંગેનો પત્ર ગુજરાત વીજ નિયમન પંચે જીયુવીએનએલને પાઠવીને તેને ૨૯૨૦ મેગાવોટના પાવર પરચેઝ એગ્રીમેન્ટના સ્ટેટસ અંગે ફોડ પાડીને રજૂઆત કરવા પણ જણાવ્યું નથી. જીયુવીએનએલનું મેનેજમેન્ટ ઢંગઢડા વિનાનું છે. તેથી જ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને જર્કમાં પિટીશન ફાઈલ કરીને સોલાર ફોટો વોલ્ટેઈક મોડયુલની આયાત પરતની ૪૦ ટકા બેઝિક કસ્ટમ્સ ડયૂટીનો બોજ ગુજરાત સરકારની વીજ કંપનીને માથે નાખી દેવાની માગણી કરી છે. પહેલી એપ્રિલ ૨૦૨૨થી બેઝિક કસ્ટમ્સ ડયૂટીમાં વધારો આવ્યો છે. આ જ રીતે સોલાર પ્રોજેક્ટ્સ પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૮.૯ ટકાથી વધારીને૧૩.૮ ટકા કરી દેવામાં આવ્યો છે. આમ જીએસટીમાં કરવામાં આવેલા વધારાનો બોજ પણ ગુજરાત સરકારની વીજ કંપનીઓને માથે નાખી દેવા જણાવ્યું છે. તેને પરિણામે વીજળીની ખરીદ કિંમત યુનિટદીઠ રૃ. ૧.૯૯થી વધીને રૃ. ૨.૫૮ થઈ ગઈ છે. જીયુવીએનએલએ એનટીપીસી સાથે ૩૧મી જાન્યુઆરી ૨૦૨૧ના દિને ૫૦૦ મેગાવોટ સોલાર પાવર ખરીદી માટે યુનિટદીઠ રૃ. ૧.૯૯ ચૂકવવાના કરાર કર્યા હતા. એનટીપીસી સાથે કરવામાં આવેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટના કરારની શરતો હેઠળ ૧૨થી ૧૮ મહિનામાં પાવર સપ્લાય ચાલુ કરી દેવાનું નક્કી કરાયું હતું. હજી એનપીટીપીસ પાવર સપ્લાય ચાલુ કરી શક્યું નથી. એનટીપીસી અને અન્ય પાવર ડેવલપર્સે તેને માટે હજી પૂરી જમીન પણ હસ્તગત કરી નથી. હજી પાવર પ્લાન્ટ માટે જોઈતી એન્જિનિયરિંગની કેટલીક વસ્તુઓની ખરીદી પણ કરી નથી. એક તરફ સમયસર સપ્લાય આપ્યો ન હોવા છતાંય તેણે યુનિટદીઠ ભાવમાં ૫૯ પૈસાનો વધારો માગ્યો છે. આ વધારો સ્વીકારી લઈને ગુજરાતના ૧.૩૦ કરોડ વીજવપરાશકારોને અન્યાય કર્યો છે. આ નિર્ણયથી ઇલેક્ટ્રિસિટી એક્ટની જોગવાઈઓનો પણ ભંગ થાય છે. એનટીપીસીએ કાયદામાં આવેલા પરિવર્તનનું ઓઠું લઈને જર્કમાં દર વધારા માટે પિટીશન ફાઈલ કરી છે.પાવર પરચેઝ એગ્રીમેન્ટ પ્રમાણે સપ્લાય મળતો થયો કે નહિ તેનું નિયમન કરવા માટે જીયુવીએનએલ પાસે કોઈ જ સિસ્ટમ નથી. તેથી જ ગુજરાતના વીજગ્રાહકોના હિતોનું રખોપું કરવા માટે જર્કે જીયુવીએનએલ પાસેથી તેના પાવર પરચેઝ એગ્રીમેન્ટના અમલીકરણનો સ્ટેટસ રિપોર્ટ માગવો જોઈએ. એકવાર પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવે તે પછી ૨૫ વર્ષ સુધી તેમાં કોઈ જ ફેરફાર કરી શકાતો નથી. તાજેતરમાં જ જીયુવીએનએલએ યુનિટદીઠ રૃ. ૨.૩૦ના ભાવે આદિત્ય બિરલા અને અન્ય ત્રણ સોલાર પાવર ડેવલપર્સ પાસેથી વીજ સપ્લાય મેળવ્યો છે. તેમાં પણ સોલાર પાવરના ફોટોવોલ્ટેઈક મોડયુલ પરની બેઝિક કસ્ટમ્સ ડયૂટી ૪૦ ટકા જ છે અને જીએસટીનો દર પણ ૧૩.૮ ટકા જ છે. તેથી જ એનટીપીસીએ યુનિટદીઠ ભાવમાં ૫૯ પૈસાનો માગેલો વધારો કાયદેસર ઉચિત નથી. પાવર પરચેઝના નવા નવા કરાર થાય છે, પણ વાસ્તવિકતા જુદી જ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.