ન્યારા પંપીગ સ્ટેશનમાં ફરીવાર તસ્કરો ત્રાટકયા: રૂ.78 હજારના કેબલ વાયરની ચોરી
ન્યારા ચેક પોસ્ટની પાછળ આવેલ ન્યારા પંપીગ સ્ટેશનમાં ફરીવાર તસ્કરો ત્રાટકયા હતાં અને રૂ.78 હજારના કેબલ વાયરની ચોરી કરી નાસી છૂટતાં પડધરી પોલીસે તસ્કરોની શોધખોળ આદરી હતી.
પાંચ મહિના પૂર્વ પણ તસ્કરો રૂ.1.45 લાખનો વાયર ચોરી ગયાંની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે રાજકોટમાં માધાપર ચોકડી પાસે બેકબોન રેસીડેન્સીમાં રહેતાં સુરેશકુમાર પરથીભાઈ બામણ્યા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ મહાનગર પાલિકામાં વોટર વર્ક્સ વેસ્ટ ઝોનમાં એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવે છે. તેઓની નીચે ન્યારા ચેક પોસ્ટની પાછળ આવેલ રાજકોટ મહાનગર પાલીકાનુ ન્યારા પંપીગ સ્ટેશન આવે છે.
ગઈ તા.16/12/2024 ના સવારના સમયે તેઓ ઘરે હતાં ત્યારે મહાનગર પાલીકાના ન્યારા પંપીગ સ્ટેશનમા ફરજ બજાવતા લાલજીભાઇ સોજીત્રાનો ફોન આવેલ કે, તેમને ન્યારા પંપીગ સ્ટેશનથી ઓપરેટરનો ફોન આવેલ હતો કે, ન્યારા પંપીગ સ્ટેશનમા ચોરી થયેલ છે, જેથી ફરિયાદીએ ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ તેઓ વર્ક આસીસ્ટન્ટ જલદિપભાઈ સહિતના સ્ટાફ સાથે ન્યારા પંપીગ સ્ટેશને દોડી આવેલા અને ત્યાં સીકયુરીટી મેન અને ઓપરેટરે પંપીગ સ્ટેશનમા થયેલ ચોરી વાળી જગ્યાએ લઈ ગયેલ અને ત્યાં તપાસ કરતાં પંપીગ સ્ટેશનમા મોટર પંપનો કોપર કેબલ આશરે 32 મીટર ગાયબ હતો.
જે અંગે ત્યાના ચોકીદારને પુછતા જણાવેલ કે, રાત્રીના આશરે ત્રણેક વાગ્યે કોઇ ચોર પંપીગ સ્ટેશનના બાજુમા આવેલ પાણી પુરવઠાનુ પંપીંગ સ્ટેશનની પાછળના ભાગે આવેલ દિવાલ ટપીને અંદર પ્રવેશ કરી કોપર કેબલની ચોરી કરી લઇ ગયેલ હોવાનુ જણાવેલ હતું.
જેથી કોઈ અજાણ્યા તસ્કરો રાજકોટ મહાનગર પાલિકાની માલીકીનું ન્યારા પંપીગ સ્ટેશનની બાજુમા આવેલ પાણી પુરવઠાનુ પંપીગ સ્ટેશનની પાછળના ભાગેથી રૂ.78 હજારના મોટર પંપનો કોપર કેબલ આશરે 32 મીટરની ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે પડધરી પોલીસે તસ્કરને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ માસમાં પણ ન્યારા પંપીગ સ્ટેશનની દિવાલ ઠેકી પ્રવેશેલ તસ્કરો સિક્યુરીટીની હાજરીમાં રૂ.1.45 લાખના કેબલ વાયરની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.