યુનિટદીઠ વીજદર ૭૯ પૈસા વધતા આયાતી કોલસો મિક્સ કરવાનો પરિપત્ર પાછો ખેંચાયો

યુનિટદીઠ વીજદર ૭૯ પૈસા વધતા આયાતી કોલસો મિક્સ કરવાનો પરિપત્ર પાછો ખેંચાયો


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર કોલસાની અછતને કારણે વીજ ઉત્પાદન પર અવળી અસર ન પડે તે માટે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા ૯૦ ટકા દેશી કોલસા સાથે ૧૦ ટકા આયાતી કોલસાનું મિશ્રણ કરીને વીજ ઉત્પાદન કરવાના આપેલા આદેશને પરિણામે વીજળીના યુનિટદીઠ દરમાં ૭૯ પૈસાનો જંગી વધારો આવી જતાં કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ પાવરને દસ ટકા આયાતી કોલસો મિક્સ કરવાનો આદેશ પાછો ખેંચવાની ફરજ પડી છે. જામનગરનો સિક્કા પાવર પ્લાન્ટ સંપૂર્ણપણે આયાતી કોલસાથી ચલાવવા જતાં યુનિટદીઠ વીજ ઉત્પાદન ખર્ચ વધીને રૃા. ૧૪ની આસપાસ થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. દેશી કોલસા સાથે દસ ટકા આયાતી કોલસાનો ઉપયોગ કરવાનો આદેશ પહેલી એપ્રિલ ૨૦૨૨થી આપવામાં આવ્યો હતો. પહેલા ત્રણ મહિના માટે આ આદેશનો અમલ કરવાની સૂચના હતી. ત્યારબાદ આ સૂચનાનો અમલ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી લંબાવી દેવામાં આવ્યો હતો.  ગુજરાતમાં યુનિટદીઠ વીજ ઉત્પાદન ખર્ચ અંદાજે રૃા. ૫.૧૮થી વધીને રૃા. ૫.૭૫ થઈ ગયો હતો. આ વધારાની અસર તથા ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ દર નક્કી કરવાની ફોર્મ્યુલા હેઠળ યુનિટે કુલ વધારો ૭૯ પૈસાનો આવી ગયો હતો. તેથી એફપીપીપીએનીફોર્મ્યુલા હેઠળના યુનિટદીઠ ચાર્જ રૃા. ૨.૫૦થી વધીને રૃા. ૩.૨૮ થઈ ગયા હતા. પરિણામે મિનિસ્ટ્રી ઓફ પાવરે તેનો પરિપત્ર પાછો ખેંચવાની ફરજ પડી હોવાનું પાવર સેક્ટરના જાણકાર કે.કે. બજાજનું કહેવું છે. બીજીતરફ કોલ ઇન્ડિયાએ તેના કોલસાના ઉત્પાદનમાં વધારો કર્યો છે.તેથી ભારતીય કંપનીઓ પાસે દેશની કોલસાની જરૃરિયાત કરતા વધુ જથ્થો થઈ ગયો છે. દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રીસિટી એક્ટ ૨૦૦૩ની કલમ ૧૦૮નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની બૂમ પણ ઊઠી છે.  તેની સાથે જ ખેડૂતોને વીજળીમાં સતત રાહત મળતી રહે તેવા પગલાં લેવાનો ગુજરાત વીજ નિયમન પંચને આદેશ આપતા રહીને પણ ગુજરાત સરકાર ઇલેક્ટ્રિસિટી એક્ટની જોગવાઈનો ભંગ કરી રહી હોવાની લાગણી બળવત્તર બની રહી છે. ગુજરાત વીજ નિયમન પંચની રચના પાછલનો મૂળભૂત હેતુ દરેક વીજ ગ્રાહકના હિતનું રક્ષણ કરવાનો છે. તેને બદલે ગુજરાત સરકાર માત્ર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માટે સૂચના આપી રહી છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ ૨૦૦૩ની જોગવાી હેઠળ કૃષિ વીજ જોડાણધારકોને પણ મીટરથી જોડાણ આપવાના નિયમનું પાલન કરાતં નથી. કલમ ૧૦૮માં જોગવાઈ કરવામાં આવી છે કે જાહેર હિતની વાત આવે ત્યારે રાજ્ય સરકારની લેખિત સૂચનાને અનુસરવાની રહેશે. જાહેરહિતને લગતી નીતિની બાબતમાં વિવાદ થાય તો તેવા સંજોગોમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય ફાઈનલ ગણાશે. આમ રાજ્ય સરકારે આપેલો લેખિત આદેશ જર્કને બંધનકર્તા રહે છે. રાજ્ય સરકારની સૂચનાથી જ ગુજરાતમાં ૬૦ ટકા ખેડૂત વીજ ગ્રાહકોને મીટરથી વીજળી આપવાના નિયમનું પાલન થવા દેતી નથી. ગુજરાતના ખેડૂતોને આપવામાંઆવતી સસ્તી વીજળીનો બોજ ગુજરાતના બીજા ૪૦ ટકા વીજ ગ્રાહકોએ વેંઢારવો પડીરહ્યો છે. જર્કના ઉચ્ચ હોદ્દેદારોની નિમણૂકમાં પણ સરકારના નિવૃત્ત અધિકારીઓને ગોઠવી દેવાતા હોવાથી પ્રજાનું હિત નથી જળવાતું, કારણ કે તેઓ સરકારની ઇચ્છાને આધીન રહીને જ નિર્ણયો આપે છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ છ વર્ષથી વીજ દરમાં વધારો ન કર્યો હોવાનું ગાણું ગાયા કરે છે. વાસ્તવમાં છ વર્ષમાં એફપીપીપીએના યુનિટદીઠ ચાર્જ વધીને રૃા. ૨.૯૮ થઈ ગયા છે. તેને પરિણામે ગુજરાતના ૧.૪૦ કરોડ વીજવપરાશકારોને માથે અબજોનો બોજ આવી ગયો છે. આ જ રીતે ખેડૂતોને ૮ કલાક વીજ પુરવઠો આપવા માટે એપ્રિલથી જૂન ૨૦૨૨ના ગાળામાં ઉદ્યોગોને એક દિવસનો વીજ કાપ સહન કરવાની ફરજ પાડી હતી. ૩૫ વર્ષથી જૂના વીજ ઉત્પાદન મથકો ભંગારમાં ન નાખી દેવાની પણ ગુજરાત સરકારે આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »