નીતિશે ભાજપની ભાઈબંધી તોડી રાજદનો રાગ આલાપ્યો
પાટણ, તા.૯બિહારના રાજકારણમાં મંગળવારનો દિવસ ઘણો જ ઉથલ-પાથલવાળો રહ્યો. ખૂબ જ ઝડપથી બદલાયેલા રાજકીય ઘટનાક્રમમાં મંગળવારે નીતિશ કુમારે એક જ દિવસમાં બે વખત રાજ્યપાલની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે પહેલી મુલાકાતમાં નીતિશ કુમારે એનડીએના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી થોડાક જ સમયમાં નીતિશ કુમારે ફરી રાજ્યપાલ સાથે ફરી મુલાકાત કરી અને સાત પક્ષોના મહાગઠબંધનની સરકાર રચવાનો દાવો કર્યો હતો. નીતિશ કુમાર હવે બુધવારે ૮મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે જ્યારે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બનશે.જેડી-યુના નેતા નીતિશ કુમારે મંગળવારે એનડીએ સાથે છેડો ફાડવા મુદ્દે બોલાવેલી પક્ષની બેઠકમાં ભાજપ પર પીઠપાછળ ખંજર ભોંકવાનો આક્ષેપ મૂક્યો હતો. ત્યાર પછી નીતિશ કુમારે પહેલાં રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી તેઓ રાજભવનથી સીધા રાબડી દેવી નિવાસ પર પહોંચ્યા અને તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. આ સમયે નીતિશે ૨૦૧૭માં મહાગઠબંધન તોડવા પર પસ્તાવો વ્યક્ત કર્યો હતો અનેજે થયું તે ભૂલીને ફરી એક વખત નવી શરૂઆત કરવા પર ભાર મૂક્યો હતો. ત્યાર પછી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ બંને ફરી રાજ્યપાલને મળ્યા હતા. તેમણે સાત પક્ષોના મહાગઠબંધનની સરકાર રચવાનો દાવો કર્યો અને ૧૬૪ ધારાસભ્યોના સમર્થનનો પત્ર પણ રાજ્યપાલને સોંપ્યો હતો.રાજભવનમાંથી બહાર નિકળ્યા પછી મીડિયા સાથે વાત કરતાં નીતિશ કુમારે કહ્યું કે બિહારના સંપૂર્ણ વિકાસ માટે સાત પક્ષો એક સાથે આવ્યા છે. તેજસ્વી યાદવે પણ કહ્યું કે લોકતંત્રને મજબૂત કરવા અને બિહારની જનતાને ન્યાય અપાવવા માટે મહાગઠબંધનની સરકાર બનાવાઈ રહી છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, તેણે અનેક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે. પંજાબથી લઈને મહારાષ્ટ્ર સુધી, અનેક રાજ્યોમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે. આથી તેમણે ભાજપ સાથે છેડો ફાડયો છે. રાજદ પ્રમુખ તેજસ્વી યાદવે કહ્યું હતું કે, દેશમાં નીતિશ કુમાર સૌથી અનુભવી મુખ્યમંત્રી છે અને તેમણે ભાજપ સાથે છેડો ફાડીને હિંમતનું પગલું લીધું છે. બીજીબાજુ ભાજપે નીતિશ કુમાર પર જનાદેશનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો. રવિશંકર પ્રસાદથી લઈને ગિરિરાજ સિંહ સુધી બધાએ ભાજપની કોર કમિટિની બેઠક પછી નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. ગિરિરાજ સિંહે કહ્યું કે નીતિશ કુમારની મહત્વાકાંક્ષા જાગી છે. બિહારની જનતા તેમને ફરી બોધપાઠ શીખવશે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, નીતિશ કુમારે ફરી એક વખત જનાદેશનું અપમાન કર્યું છે. એક સમયે નીતિશ જ લાલુના રાજને જંગલરાજ ગણાવતા હતા. તેમણે આ જ કારણથી મહાગઠબંધન સાથે છેડો ફાડયો હતો. પરંતુ હવે ફરી તેમણે તેમનો જ સાથ લીધો છે. નીતિશ કુમારે વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં મહાગઠબંધનની સરકાર બનાવ્યા પછી ૨૦૧૭માં રાજદ અને કોંગ્રેસ સાથે છેડો ફાડી એનડીએની સરકાર બનાવી હતી. ત્યાર પછી ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે સરકાર બનાવ્યા પછી નીતિશ કુમાર હવે ફરી મહાગઠબંધનમાં પાછા ફર્યા છે. અગાઉ ભાજપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરતાં ૨૦૧૩માં નીતિશે એનડીએનો સાથ છોડયો હતો.બિહારના રાજકારણમાં મંગળવારના દિવસના ઘટનાક્રમ પર નજર કરીએ તો નીતિશ કુમારે સવારે જદ-યુના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠક પછી તેઓ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાછા આવ્યા હતા અને પત્રકારોને જણાવ્યું કે, પક્ષની બેઠકમાં સર્વાનુમતે એનડીએનો સાથ છોડવા અંગે નિર્ણય લેવાયો છે. આથી, હું એનડીએના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવા રાજભવન જઈ રહ્યો છું. રાજભવનમાંથી નીતિશ સીધા જ રાબડી નિવાસ પર ગયા હતા જ્યાં વિપક્ષના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી હતી. લગભગ ૧૫ મિનિટ પછી નીતિશ કુમાર મહાગઠબંધનના નેતાઓ સાથે ફરી રાજ્યપાલને મળ્યા હતા અને નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.