કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને હળવદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્ર્મ યોજાયો - At This Time

કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને હળવદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્ર્મ યોજાયો


આયુષ્યમાન કાર્ડ એ વિશ્વમાં મોટામાં મોટી વિમા યોજના છે
-મંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા

હળવદ એક દિવાદાંડી બનતું શહેર છે. -ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા

સરકારની વિવિધ યોજનાઓ પહોંચી હળવદ શહેરના આંગણે
સમગ્ર દેશનો ખૂણે ખૂણો વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ એમ દરેક લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણે જ મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે કેન્દ્રીય મહિલા અને બાળ સુરક્ષા અને આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને હળવદ શહેરમાં રાજોધરજી હાઈસ્કુલના આંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લોકકલ્યાણી યોજના સાથે પહોંચીને લોકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કર્યા હતા.
આ પ્રસંગે ડૉ. મહેન્દ્ર મુંજપરાએ પ્રાસંગિક ઉદ્દ્બોધન કરતા જણાવ્યું કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે આપણો દેશ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બને. આપણે સૌ આરોગ્ય, શિક્ષણ, ખેતી વગેરે જેવા દરેક ક્ષેત્રમાં વિકસિત બનીએ અને ભારતની માથાદીઠ આવક વધે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આજે આ સેવાસેતુ પોગ્રામ આપણા ઘરઆંગણે પહોંચ્યો છે, તેનો સૌ લોકોએ મળીને લાભ લેવાનો છે, કારણ કે આયુષ્માન કાર્ડએ એકપણ રૂપિયો ખર્ચ કર્યા વગરની દુનિયાની સૌથી મોટામાં મોટી વિમા યોજના છે, આજે આ આયુષ્માન યોજનામાં દેશનાં ૧૨ કરોડથી વધારે ઘર જોડાઈ ગયા છે અને ૫૫ કરોડથી વધુ લોકો તેનો લાભ મેળવી રહ્યા છે. આ યોજના ૧૯૪૯ પ્રકારના રોગો સહિત ૨૭ પ્રકારની સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ આપે છે.”
આ ઉપરાંત, ડૉ. મહેન્દ્ર મુંજપરાએ પ્રધાનમંત્રી ફંડ, પી.એમ. ભારતીય જનઔષધિ પરિયોજના, ઉજ્જવલા યોજના, પી.એમ. વિશ્વકર્મા યોજના, પંડિત દિનયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે જેવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “હળવદ એક દિવાદાંડી બનતું શહેર છે. આપણે નાની મોટી બદીઓને દૂર કરી ઊંચાઈ પકડવાની છે. આપણે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ થકી પુર્ણ વિકસિત ભારતના સપનાને સાકાર કરવું છે.
આ કાર્યક્રમ અન્વયે ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ કીટ, ધાત્રી માતાઓને પોષણ કીટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને ઘરની ચાવી સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા સૌ લોકોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. તેમજ નવમાં તબ્બકાનો હળવદ શહેરનો સેવાસેતુ કાર્યક્રમ પણ આ સાથે યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન હળવદ શહેરમાં વિવિધ સેવાકિય કાર્યક્રમ કરતી સંસ્થાઓને મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સમગ્ર મહાનુભાવો દ્વારા રાજોધરજી હાઈસ્કુલના આંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, પુર્વ ધારાસભ્યશ્રી પરષોત્તમભાઈ સાબરીયા, હળવદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણભાઈ સરાવાડીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદિપ વર્મા, હળવદ નગરપાલીકાના ચીફ ઓફિસરશ્રી તુષારભાઈ ઝાલરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ સિંધવ, હળવદ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી રજનીભાઈ સંઘાણી, અગ્રણીશ્રીઓ બિપિનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, અજયભાઈ રાવળ, મનસુખભાઈ, ધરમેન્દ્રસિંહ ઝાલા, સહિતના વિવિધ અધિકારીશ્રીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હળવદના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.