રાજકોટ શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત - At This Time

રાજકોટ શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત


રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના મહામારીનાં કેસો વધી રહ્યા હોવાથી શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો છે. રાજકોટ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ફરજીયાત માસ્ક પહેરીને જ હાજરી આપવી એવો રાજકોટનાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ આજે આદેશ બહાર પાડ્યો હતો. કોરોના અચાનક ઉછાળો મારી રહ્યો હોવાથી આરોગ્ય તંત્ર એકદમ સતર્ક થયું છે અને શિક્ષણ વિભાગમાં પણ ચિંતા પ્રસરી છે. શાળાઓ નિયમિત શરૂ થઇ ગઈ છે. એટલે કોરોનાનો ચેપ શાળાઓમાં પ્રસરે નહીં એ માટે બીમાર બાળકોને વાલીઓ સ્કૂલ ન મોકલે એવી પણ તાકીદ કરવામાં આવી છે.

રાજકોટમાં આજે સોમવારે કોરોનાનાં નવા 10 કેસ નોંધાયા હતા. છેલ્લા પાંચ દિવસમાં 39 જેટલા નવા કેસો નોંધાયા છે એટલે અગમચેતી ખાતર શિક્ષણ વિભાગની સુચના અને આદેશથી રાજકોટ જિલ્લા માટે કોરોના એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને તમામ શાળાઓને એસઓપીનું સખત રીતે પાલન કરવા આદેશ અપાયો છે.

બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ જિલ્લામાં અને ગુજરાતમાં પણ કોરોનાનાં કેસ ધીમે-ધીમે વધી રહ્યા છે. આથી વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર- જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરીને આવે તેવી સુચના આપવામાં આવી છે. સરકારની ગાઈડલાઈનનો પણ ચુસ્તપણે અમલ કરવા શાળાઓને આદેશ અપાયો છે.

તેમણે કહ્યું હતું કે, શાળાઓમાં સેનીટાઈઝેશન, સામાજીક અંતર સહિતનાં નિયમોનું પાલન કરવાનું રહેશે. લોકો આ નિયમોને હળવાશથી લેવા લાગ્યા હતા. પરંતુ સ્કૂલોને આ બાબત ગંભીરતાથી લેવા સુચના અપાઈ છે. હજુ એકપણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો નથી. 15 થી 18 વર્ષનાં વયજૂથનાં વિદ્યાર્થીઓનું રસીકરણ ચાલુ જ છે. જરાય શંકાસ્પદ લક્ષણો લેખાતા હોય તો સંતાનોને સ્કૂલ ન મોકલવા વાલીઓને તાકીદ કરવામાં આવી છે. વિદ્યાર્થીમાં કયો રોગ છે અને તે ચેપી છે કે કેમ તે સ્કૂલમાં જલ્દીથી નક્કી ન થાય.

પરિણામે સંક્રમણ વધે અને અન્ય વિદ્યાર્થીઓ પણ ચપેટમાં આવી શકે.શિક્ષણાધિકારીએ સુચના આપી છે કે, બીમાર વિદ્યાર્થીઓનાં વાલીઓએ નજીકનાં આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી લેવી જોઈએ. આરોગ્યની ટીમો સ્કૂલોમાં પણ જાય જ છે. વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી દર વર્ષે નિયમિત થતી જ હોય છે. કોરોના કાળમાં ગયા વર્ષે થઇ હતી એ રીતે આ વર્ષે પણ સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. બાળકોની તંદુરસ્તી અને જીવન બંને ખૂબ જ અગત્યની બાબત છે. જો કોઈપણ સ્કૂલ આ અંગે બેદરકારી રાખશે તો અમે ચલાવી લેશું નહીં. જો કોઈ સ્કૂલમાં કેસ આવશે તો તેની સામે તાકીદે કાર્યવાહી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon