શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડ પરીક્ષાની પૂર્વ આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ - At This Time

શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડ પરીક્ષાની પૂર્વ આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ


શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને કલેકટરશ્રી પ્રશસ્તિ પરીકની ઉપસ્થિતિમાં યોજાએલી બોર્ડની પરીક્ષાની પૂર્વ આયોજનની વિડીયો કોન્ફરન્સમાં આજરોજ કલેકટર ક્ચેરી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા.

આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. બોર્ડની જાહેર પરીક્ષાઓ ૨૭/૦૨/૨૦૨૫ થી ૧૭/૦૪/૨૦૨૫ દરમિયાન યોજાશે. પરીક્ષાની તૈયારી અંગે સમીક્ષા માટેની વિડીયો કોન્ફરન્સ સ્થાનિક સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવાના ભાગરૂપે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતા અને રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

જેમાં સમગ્ર રાજ્યમાં મુક્ત,ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાઇ તે માટે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ. શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈએ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ વ્યવસ્થિત પરિવહન વ્યવસ્થા કરવા અને સાવચેતી રાખવા પર ભાર મુકયો હતો. તેમજ વિદ્યાર્થી હેલ્પલાઇનથી સૌને માહિતગાર કરવા સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પાછળ હેલ્પલાઇન નંબર છે તેનાથી સૌને માહિતગાર કરવામાં આવે .વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થાથી કામગીરી કરીએ.
રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ પરીક્ષા સમીક્ષા બાદ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓતણાવ મુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે સંકલનથી સહયોગ કરીએ.

આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા,કેન્દ્રોની સંખ્યા,બ્લોક વ્યવસ્થા,તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા કરવા,ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અરવલ્લી જીલ્લામાં ત્રણ ઝોનમાં સી.સી.ટીવી કેમેરાની નજરે ધો. ૧૦ની પરીક્ષા કુલ ૨૭ કેન્દ્રોના ૧૭૮૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો. ૧૨ માં સામાન્ય પ્રવાહમાં કુલ ૧૪ કેન્દ્રોમાં ૮૭૩૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૩ કેન્દ્રોમાં ૧૭૨૮ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને ૪૪ કેન્દ્રો પર ૨૮૨૯૫ પરીક્ષા આપશે.

આ વિડિઓ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીક સાથે જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ, જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ઉષાબેન ગામીત સહિત પરીક્ષા સમિતિના સભ્યો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image