સ્વતંત્રતા દિન પહેલાં કાશ્મીરમાં ૨૪ કલાકમાં સૈન્ય પર બીજો આતંકી હુમલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/migrant-worker-shot-dead-in-j-ks-bandipora-terrorists-opened-fire-on-crpf-in-anantnag/" left="-10"]

સ્વતંત્રતા દિન પહેલાં કાશ્મીરમાં ૨૪ કલાકમાં સૈન્ય પર બીજો આતંકી હુમલો


નવી દિલ્હી, તા.૧૨કાશ્મીરમાં સતત ગુંજતા રાષ્ટ્રભક્તિના ગીતો, દરેક ઘર પર લહેરાતો તિરંગો, અને હિન્દુસ્તાન જિંદાબાદના ગૂંજતા સૂત્રોચ્ચારથી આતંકીઓ હચમચી ગયા છે. પરિણામે આતંકીઓ દ્વારા લોકોમાં સતત ભય ફેલાવવા સૈન્ય પર આતંકી હુમલા અને જનતાના ટાર્ગેટ કિલિંગમાં વધારો કરાયો છે. જમ્મુ-કાશ્મીર જ નહીં દિલ્હીમાં પણ આતંકી હુમલાના કાવતરાંની ઘટનાઓ વધી રહી છે. જોકે, સલામતી દળો સતત એલર્ટ રહેતાં મોટી દુર્ઘટના ટાળી શકાઈ છે. પારગલ ખાતે આર્મી છાવણી પર આત્મઘાતી હુમલાના ૨૪ કલાકમાં આતંકીઓએ સલામતી દળો પર બીજો હુમલો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્થિત બિજબેહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે આતંકીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ પર ગોળીબાર કર્યો હતો.જમ્મુ-કાશ્મીરના રાજૌરી ખાતે પારગલ આર્મી કેમ્પ પર આતંકીઓના આત્મઘાતી હુમલાની હજુ શ્યાહી પણ સુકાઈ નથી ત્યાં આતંકીઓએ અનંતનાગ સ્થિત બિજબેહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે પોલીસ અને સીઆરપીએફની ટીમ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બીજીબાજુ આતંકીઓ પર નિયંત્રણ માટે આ વિસ્તારમાં ઘેરાબંદી કરવામાં આવી છે તેમ કાશ્મીર પોલીસે ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું.બીજીબાજુ કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગની સતત વધતી ઘટનાઓ વચ્ચે આતંકીઓએ શુક્રવારે વહેલી સવારે બાંદીપોરા જિલ્લામાં એક બિહારી મજૂરની હત્યા કરી છે. આ સાથે આ વર્ષે આઠ મહિનામાં કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ હેઠળ ૨૬ લોકોની હત્યા કરાઈ છે. બાંદીપોરાના સોદનારા સુબલમાં રહેતા બિહારી કામદારની આતંકીઓએ મોડી રાત્રે હત્યા કરી હતી. આ ૧૯ વર્ષના યુવાનની ઓળખ મોહમ્મદ અમરેજ તરીકે કરાઈ છે. પોલીસ આતંકીઓની ઓળખ કરવા માટે આજુબાજુ લગાવાયેલા સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.બિહારના મધેપુરાનો નિવાસી અમરેજ તેના ભાઈ સાથે ત્રણ મહિનાથી કાશ્મીરમાં રહેતો હતો. અમરજેના ભાઈએ કહ્યું કે, મોડી રાત્રે ગોળીબારનો અવાજ સાંભળીને તેમની ઊંઘ ઊડી ગઈ હતી. તેમને લાગ્યું કે બહાર સલામતી દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હશે. તેમની સાથે અમરેજ ના દેખાતા પહેલાં તેમને લાગ્યું કે તે શૌચાલય ગયો હશે, પરંતુ ઘણા સમય સુધી તે ના દેખાતા અમે બહાર આવ્યા. બહાર આંગણામાં જ અમરેજ લોહીથી લથપથ હાલતમાં પડયો હતો. અમે તેને હોસ્પિટલ લઈ ગયા અને પોલીસને પણ જાણ કરી હતી. જોકે, રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અજમેરના પરિવાર માટે રૂ. ૨ લાખના વળતરની જાહેરાત કરી હતી.કાશ્મીરમાં આ વર્ષે આઠ મહિનામાં આતંકીઓએ ટાર્ગેટ કિલિંગ હેઠળ શિક્ષક, મજૂર, સરકારી કર્મચારી, જવાન સહિત ૨૬ લોકોની હત્યા કરી છે. જોકે, આ હત્યાઓમાં સામેલ મોટાભાગના આતંકીઓને સલામતી દળોએ અથડામણમાં ઠાર કરી દીધા છે.દરમિયાન રાજૌરીના પારગલમાં આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા બે આતંકીઓએ અન્ય સાથીઓ પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરી હતી. રાજૌરીમાં હજુ પાંચથી છ આતંકીઓ છુપાયા હોવાનું સૈન્ય સૂત્રોનું કહેવું છે. પરિણામે સૈન્ય જવાનો, પોલીસે મોટાપાયે અભિયાન હાથ ધર્યું છે. સૂત્રો મુજબ ૧૦ દિવસ પહેલાં સાતથી આઠ આતંકી સરહદપાર કરી ભારતમાં ઘૂસ્યા હતા અને અલગ અલગ ક્ષેત્રોમાં ફેલાઈ ગયા છે. સલામતી દળોએ તેમને શોધવા અભિયાન ચલાવ્યું છે. જમ્મુ-કાશ્મીરની સાથે આતંકીઓએ દિલ્હીમાં પણ આતંકી હુમલા કરવાના કાવતરાં ઘડયા હતા. સ્વાતંત્ર્ય-દિન પૂર્વે જ દિલ્હી પોલીસને શહેરના પૂર્વ વિસ્તારમાંથી ૨,૨૫૧ જેટલા જીવતા કારતુસો મળી આવ્યા છે. આ સંબંધે ૬ લોકોની ધરપકડ થઇ છે. એડીશનલ કમીશ્નર ઓફ પોલીસ (ઇસ્ટર્ન રેન્જ) વિક્રમજિત સિંઘે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તો આ કોઈ ક્રિમીનલ નેટવર્ક હોવાનું લાગે છે. પરંતુ સાથે તેનો ત્રાસવાદી કોણ પણ નગણ્ય માની શકાય નહીં. ધરપકડ કરાયેલા છ પૈકી બેની ઓળખ થઇ છે. તેમનાં નામ છે રશીદ અને અજમલ. વાસ્તવમાં અમોને ૬ઠ્ઠી ઓગસ્ટે એક રીક્ષા ડ્રાઈવરે ટિપ આપી હતી. તેણે બે જણાને આનંદ વિહાર રેલવે સ્ટેશને ઉતાર્યા હતા. તેમની પાસે શંકાસ્પદ બેગ હોવાની માહિતી તેણે પોલીસને આપી હતી.યુએસમાં ભારતીય કોન્સ્યુલેટ પર ખાલિસ્તાની સૂત્રોચ્ચાર ચિતરાયોવોશિંગ્ટન, તા.૧૨સ્વતંત્રતા દિવસ પહેલાં અમેરિકામાં ભારતીય કોન્સ્યુલેટ પર ખાલિસ્તાની સૂત્રોચ્ચાર લખાયા હતા. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનની જિયો ન્યૂઝે શુક્રવારે જણાવ્યું હતું કે, સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટની દીવાલો પર ખાલિસ્તાનના સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં ભારતીય કોન્સ્યુલેટની દિવાલોને 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રોચ્ચારથી ચિતરવામાં આવી હતી. ભારત આઝાદીના ૭૫ વર્ષની ઊજવણી કરી રહ્યો છે તેવા સમયે પ્રતિબંધિત ખાલિસ્તાની જૂથે ઉશ્કેરણીજનક નિવેદન પણ જાહેર કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]