બોટાદના આંગણે ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર ડૉ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ 'જિંદગી જીતવાની જડીબુટ્ટી’ વિષયક આપ્યું માર્ગદર્શન. - At This Time

બોટાદના આંગણે ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર ડૉ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ ‘જિંદગી જીતવાની જડીબુટ્ટી’ વિષયક આપ્યું માર્ગદર્શન.


“સફળતા માટે કાર્ય કરવાની પદ્ધતિના ચાર પાયાના મુદ્દા છે: ૧) પ્રચંડ પુરુષાર્થ, ૨) નીતિમત્તા અને પ્રમાણિકતા, ૩) સવળો અભિગમ રાખવો અને ૪) ભગવાનમાં શ્રદ્ધા” – પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી
બોટાદ વિસ્તારના ધારાસભ્ય શ્રી સૌરભભાઈ પટેલ, અન્ય રાજકીય અને સામાજીક અગ્રેસરો, જિલ્લાના સરકારી અધિકારીઓ તેમજ ૧૩,૦૦૦ કરતા વધુ ભક્તો-ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને ૧૦,૦૦૦થી વધુ લોકોએ ઓનલાઈન લાભ લીધો.

બોટાદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા તા.૦૬-૧૦-૨૦૨૨, ગુરુવારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંસ્થાના પ્રખર આંતરરાષ્ટ્રીય વક્તા અને મોટીવેશનલ સ્પીકર ડૉ. પૂ. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા ‘જિંદગી જીતવાની જડીબુટ્ટી’ વિષયક પ્રેરક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર વર્ષ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે એ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અનેકવિધ કેન્દ્રમાં સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે.
એવું કહેવાય છે સમગ્ર વિશ્વમાં પરમાત્માની સર્વશ્રેષ્ઠ કૃતિ એટલે મનુષ્ય દેહ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં જણાવ્યું છે કે આ મનુષ્ય દેહની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. આવો અમૂલ્ય માનવ દેહ પામ્યા પછી તેનો યોગ્ય ઉપયોગ કરવો એ આપણું કર્તવ્ય છે. જીવન કેવળ વીતાવવાથી નહિ, પરંતુ તેને સાર્થક બનાવવાથી જ સાચું સુખ અને સંતોષ પ્રાપ્ત થાય છે.
લાખોના જીવનને સાર્થક બનાવનાર સંત વિભૂતિ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય અને દિવ્ય જીવનનું રહસ્ય પામવા તેઓના શતાબ્દી મહોત્સવના પુણ્ય પર્વે ગઈ કાલે બોટાદની સરકારી હાઈસ્કૂલમાં વિશેષ સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં બોટાદના ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલના પ્રેરણા વચનો બાદ, બીએપીએસ સંસ્થાના મોટીવેશનલ સ્પીકર અને આંતરરાષ્ટ્રીય વક્તા સંત ડોક્ટર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યના આધારે જીવનના સંગ્રામમાં આવતી અનેક મુશ્કેલીઓ વચ્ચે જિંદગી જીતવાની જડીબુટ્ટી કઈ રીતે પ્રાપ્ત કરવી એ વિષયક પ્રેરણાત્મક વક્તવ્યથી બોટાદના નગરજનોને લાભાન્વિત કર્યા હતા. વિશેષમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ જીંદગી જીતવાની જડીબુટ્ટી પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી બતાવતા પોતાના વક્તવ્યમાં કહ્યું કે, “સફળતા માટે કાર્ય કરવાની પદ્ધતિના ચાર પાયાના મુદ્દા છે: ૧) પ્રચંડ પુરુષાર્થ, ૨) નીતિમત્તા અને પ્રમાણિકતા, ૩) સવળો અભિગમ રાખવો અને ૪) ભગવાનમાં શ્રદ્ધા રાખવી જેથી કરીને જીવનના કોઈ પણ પ્રશ્નોમાં સ્થિરતા રાખી શકાય છે.”
આ અવસરે બોટાદ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અને પૂર્વ ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી ટી.ડી. માણીયા, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બીજલ શાહ, બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાડિયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઈ ગોઘાની, તથા બોટાદ જિલ્લા નાયબ વન નિરીક્ષક શ્રી આયુષ વર્મા સહિત અનેક રાજકીય, સરકારી અને સામાજીક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ૧૩,૦૦૦ કરતા વધુ ભક્તો-ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને ૧૦,૦૦૦ થી વધુ લોકોએ ઓનલાઈન લાભ લીધો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.