સોમનાથ ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી - At This Time

સોમનાથ ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી


સોમનાથ ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

42 વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર પ્રક્ષાલન પૂજારીને ફરજ પરની અંતિમ શિવરાત્રિ પર મુખ્ય યજમાન બનાવી ટ્રસ્ટે અદકેરું વિદાયમાન અપાયું

સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સહિતના મહાનુભવોના હસ્તે જ્યોતપુજન કરાયું
-------
મધ્યરાત્રિએ મહા આરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાસોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ વદ તેરસ એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10:00 કલાકે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, ટેમ્પલ ઓફિસર શ્રી નિમેષભાઈ શાહ સહિતના અધિકારીઓ,કર્મચારીઓ, અને ભક્તજનો જોડાયા હતા.

પરંતુ આ પૂજા સવિશેષ એટલા માટે બની રહી હતી કારણકે 42 વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર અને આ માસિક શિવરાત્રી બાદ નિવૃત્ત થઈ રહેલ પ્રક્ષાલન પૂજારી અરવિંદગિરિને સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ દ્વારા પૂજાના મુખ્ય યજમાન બનાવી અને અદકેરું વિદાયમાન આપવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારીશ્રી દ્વારા શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે જ્યોત પૂજન અને જ્યોત પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું.

માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર રાત્રિના 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રિ પર કરવામાં આવતી આ મહાઆરતી સ્થાનિક તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. જેથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં "હર હર ભોલે, જય સોમનાથ"ના નાદ સાથે મહા આરતીનો લાભ લેવા પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવની મધ્યરાત્રીની આ મહાઆરતી શ્રદ્ધાળુઓને વિશેષ ઉર્જા અને અલભ્યતાનો અનુભવ થાય છે. રાત્રિના મહા આરતી સમયે મંદિર સભા મંડપમાં તેમજ પરિસરમાં બહારના ભાગે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓ તાળીઓ સાથે શિવનામ સ્મરણમાં લીન થયા હતા. ત્યારે શ્રદ્ધાળુઓની સુવિધામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્લોકરૂમ, શુ-હાઉસ, સિનિયર સિટીઝન માટે ગોલ્ફકાર્ટની સમય અવધી રાત્રિના 1 વાગ્યા સુધી વધારવામાં આવે છે. જેથી શ્રદ્ધાળુઓ માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવની મહા આરતીમાં અને અલભ્ય સ્વરૂપના દર્શન નિશ્ચિંત પણે કરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon