રાજકોટની 4 બેઠકોમાં 10 ફોર્મ પાછા ખેંચાયા : હવે 40 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ - At This Time

રાજકોટની 4 બેઠકોમાં 10 ફોર્મ પાછા ખેંચાયા : હવે 40 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ


ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની આગામી તા. 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં નામાંકન પત્રો પરત ખેંચવાની મુદ્દત આજે બપોરના 3 વાગ્યે પૂર્ણ થતા જ રાજકોટની વિધાનસભાની ચાર બેઠકોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. આ ચાર બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના 40 ઉમેદવારો વચ્ચે કસોકસનો ચૂંટણી જંગ હવે ખેલાશે. આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ રાજકીય ગરમાવો આવવાની સાથે ઉમેદવારોનો પ્રચાર પણ કરંટ આવી ગયો છે.
જેમાં બે દિવસ દરમ્યાન રાજકોટ-68ની બેઠક પર ચાર ઉમેદવારોના નામાંકન પત્રો પરત ખેંચાતા હવે આ બેઠક પર આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જયારે રાજકોટ-69ની બેઠક ઉપર ગઇકાલ બાદ આજે વધુ એક ઉમેદવારે પોતાનું નામાંકન પત્ર પરત ખેંચી લીધુ છે. આમ કુલ બે ઉમેદવારોએ આ બેઠક પરથી હટી જતા હવે કુલ 13 ઉમેદવારો આ બેઠકના ચૂંટણી જંગમાં રહ્યા છે.
આવી જ રીતે રાજકોટ-70ની બેઠક પર પણ એક અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે આ બેઠક પર આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. તેમજ રાજકોટ-71ની બેઠક પર પણ ત્રણ અપક્ષ ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર પરત ખેંચી લેતા હવે આ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે કસોકસની ચૂંટણીની લડાઇ લડાશે. આમ રાજકોટની આ ચારે બેઠકો પર બે દિવસમાં 10 ફોર્મ પરત ખેંચાતા આ ચારે બેઠકનું આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની જવા પામેલ છે. જેની સાથે જ રાજકીય ગરમાવો હવે વધુ તેજ બની ગયો છે.
રાજકોટની આ ચારે બેઠકો પર હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આરપારનો ચૂંટણી જંગ ખેલાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે વિધાનસભાની આ ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષો કોઇ કસર છોડવા માંગતા ન હોય તેમ મતદારોનો મતો અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. વિધાનસભા વિસ્તારો વાઇઝ તવા પાર્ટી અને ગ્રુપ બેઠકોનો ધમધમાટ શરૂ થઇ જવા પામેલ છે.
આ ઉપરાંત રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન પણ શરૂ કરી દીધુ છે. રાજકોટની બેઠકોનું આ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની જતા જ આજે સાંજે ઉમેદવારોના બેલેટ પેપરો પણ પ્રિન્ટીંગમાં મોકલી દેવાશે. વિધાનસભાની આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાય રીતે યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્રએ કમર કસી સતત પગલા લેવાઇ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.