શ્રી રસિકલાલ દવે અને શ્રીમતિ સરલાબેન દવે એટલે આજીવન ભેખધારી “સારસબેલડી “. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mdazvtue6crlzngb/" left="-10"]

શ્રી રસિકલાલ દવે અને શ્રીમતિ સરલાબેન દવે એટલે આજીવન ભેખધારી “સારસબેલડી “.


: દવે દંપત્તિ :
: સાચાં સમાજસેવી :

શ્રી રસિકલાલ દવે અને શ્રીમતિ સરલાબેન દવે એટલે આજીવન ભેખધારી “સારસબેલડી “.

રસિકભાઈ અને સરલાબેન સ્વતંત્રતાની લડતમાં વિવિધ સ્થળે, વિવિધ કાર્યો સાથે સતત પ્રવૃત્તિમય રહેલાં. તેમજ મહાગુજરાત આંદોલન, ગુજરાત યુનિવર્સિટીની રચના હોય કે વર્ષોની મહેનત બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રચનાનો પાયાનો ખ્યાલ હોય એને મૂર્ત સ્વરૂપ સુધી લઈ જવામાં શ્રી રસિકભાઈની નોંધપાત્ર ભૂમિકા રહી છે. એક અલગ ઈતિહાસ બને એટલી એમની વિધેયાત્મક પ્રવૃત્તિઓ હતી.
અહીં મહદંશે એમનાં જીવનના છ દાયકા વડનગર માટે સમર્પિત હતા, તે બાબતને અત્યંત સંક્ષિપ્તમાં જાણીએ.

1950 ના અરસામાં વડનગર આવીને વસ્યાં ત્યારે એમના માટે આ નગર તદ્દન અજાણ્યું હતું .પરંતુ રસિકભાઈને પોતે જ્યાં જાય તે વિસ્તારનાં ઈતિહાસ, ભૂગોળ અને સમાજવ્યવસ્થા સમજવામાં ઊંડો રસ પડે એ નાતે વડનગરને સમજવા પ્રયત્ન કર્યો. વડનગરનું ઐતિહાસિક મહત્વ સમજવામાં એવો તો રસ પડ્યો કે 200 કરતાં વધુ પુસ્તકો, પુરાતત્ત્વવિદો, ઈતિહાસકારો અને ત્યાંના સ્થાનિકો પાસેથી મળેલી માહિતીને સુગઠિત કરી તે સમયે (1956 ) મુંબઈ રાજ્યના રાજ્યપાલને રુબરુ મળીને વડનગરને 'હેરિટેજ વિલેજ' તરીકે પ્રસ્થાપિત કરવા માટે રજૂઆત કરેલી અને કલકત્તાની લાયબ્રેરીમાં પણ તેનું સાહિત્ય મોકલી આપ્યું હતું અને સમયાંતરે તેને લગતી કાર્યવાહી કરતા રહ્યા, જેને પરિણામે વડનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી. અને સાથોસાથ એમનો નાતો વડનગર સાથે અતૂટ બન્યો. એવામાં શ્રી મોરારજી દેસાઈએ આ વિસ્તારમાં શિક્ષણ થકી સમાજનાં ઉત્થાનનું કામ સોંપ્યું. એમણે કહેલું કે, “ વડનગરમાં કન્યાકેળવણી માટે એક શાળા ખોલો. અને સરલાબેનને તેની જવાબદારી સોંપી, તમે અન્ય કાર્યો કરીને સમાજને ઉપયોગી બનો.” આમ, વડનગર નામનાં અજાણ્યાં નગરમાં આવી ચડ્યાં અને પછી તો વડનગરને પોતીકું બનાવી સવાયા વડનગરી બનીને આજીવન સેવા કરતાં રહ્યાં.

તો ચાલો એમનાં વિવિધ કાર્યો થકી એમને ઓળખીએ:

1960ના સમયમાં હજુ વડનગર બાળવિવાહ, કન્યાકેળવણી, અસ્પૃશ્યતા, વગેરે ઘણી રીતે જૂનવાણી હતું. દીર્ઘદ્રષ્ટા એવું આ યુગલ ધીમે ધીમે શિક્ષણ થકી જનજાગૃતિ કરી રહ્યું હતું.1964 માં વડનગર ગર્લ્સ હાઇસ્કૂલ શરુ કરી. આ શાળામાં કોઈ બહેન પોતાનું બાળક લઈને ભણવા આવતી, તો કોઈ વિધવા કે ત્યકતા હોય છતાં અહીં માનભેર ભણતી. એટલું જ નહિ ત્યારબાદ તેને PTC કે ગ્રેજ્યુએશન પૂરું કરાવી પગભર બને તેની પણ તકેદારી રાખતાં. ધીમે ધીમે ગામનાં રાજકીય વિરોધીઓ પણ પોતાની દીકરીને અહીં સોંપી જતા. અને ઘણી દીકરીઓને સાસરિયાંએ તેડાવી, જેઓ સ્વમાનભેર નોકરી અને ઘરની જવાબદારીઓ સુપેરે નિભાવી રહી છે.
વડનગર એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા, તે સમયે આખા ખેરાલુ તાલુકામાં કૉલેજ નહોતી એટલે ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુસર વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પણ (1968 ) શરુ કરી.
ઉપરોક્ત બંને સંસ્થાઓમાં સાચા અર્થમાં કેળવણી અપાય તે હેતુસર અનેક પ્રવૃત્તિઓ યોજતાં .
દર વર્ષની પહેલી જુલાઈએ વસંત-રજ્જબ દિનની ઉજવણી કરાય છે, જેના કારણે વડનગરમાં આજદિન સુધી કોમી હુલ્લડો નથી થયાં. હિંદુ - મુસ્લિમ શાખપાડોશી તરીકે સૌહાર્દપૂર્ણ રીતે રહે છે. અને બજારમાં દુકાનો પણ ભેગી જ જોવા મળે છે.
દીકરીએ પરણીને સંયુક્ત કુટુંબમાં જવાનું હોય. ત્યાં દેરાણી, જેઠાણી કે નણંદનાં બાળકોને નવડાવીને તૈયાર કરવાં પડે ત્યારે સૂગ ન ચડે અને મદદરુપ થવાય તે હેતુથી અહીંની વિદ્યાર્થીનીઓને લઈને શ્રીમતિ સરલાબેન ઠાકોરવાસ, હરિજનવાસ જેવાં સ્થળોએ જતાં અને ત્યાંના બાળકોને નવડાવી તૈયાર કરતાં. અને ઘર તથા શેરી સાફ કરતાં. આની બેવડી અસર જોવા મળી, છોકરીઓ ભાવિ માટે ઘડતર પામી અને ગામની બહેનો ઘર અને શેરી સ્વચ્છ રાખતાં શીખી.
શાળામાં ક્યારેક બેન્કના મેનેજર, ક્યારેક DDO, DEO, તો ક્યારેક પુરાતત્ત્વવિદ વગેરે આવીને વિદ્યાર્થીઓને (અહીં 10+2 થતાં આનર્ત શિક્ષણ કેન્દ્ર નામ અપાયું. તેમાં છોકરા છોકરીઓ બંનેને) તેમની ખાતાકીય માહિતીથી વાકેફ કરતા અને બેંક, તાલુકા કચેરી, કોર્ટ કે ઉત્ખનન થતું હોય તે સ્થળે લઇ જઈ કામગીરી સમજાવતા. આથી અહીંથી નીકળતો વિદ્યાર્થી ગભરાટ વગર જે તે ક્ષેત્રમાં કુશળ બની શકે. ક્યારેક પૂજ્ય ઉમાશંકર જોશી, પૂજ્ય ગુલાબદાસ બ્રોકર જેવા સાહિત્યકાર, તો શ્રી પુરુષોત્તમ માવલંકર, શ્રી ચીમનભાઈ પટેલ જેવા મહેમાનો પણ આવતા, જેમનાં જ્ઞાનનો લાભ આ સૌને મળતો રહ્યો છે.
વડનગરની નગરરચનાનું પુરાતત્ત્વીય મહત્ત્વ જળવાઈ રહે તે માટે સતત પ્રજાને ત્યાંના ઐતિહાસિક ખજાનાથી વાકેફ કરવી અને તેનું જતન કરતાં શીખવવાનો પ્રયાસ કરતા. આ માટે ઈતિહાસ પરિષદ, તાનારીરી સંગીત મહોત્સવ, વડનગરનો સ્થાપનાદિન વગેરેમાં પ્રજાને સાંકળતા. તેમજ પ્રજાજનોને સારા શ્રોતા બનતાં પણ શીખવ્યું, તેનું એક ઉત્તમ ઉદાહરણ કે પૂજ્ય વસુબેન ભટ્ટ જયારે આકાશવાણીના ડાયરેક્ટર હતાં ત્યારે તેમણે શ્રી રસિકભાઈને જાહેર સંગીત મહોત્સવનું આકાશવાણી દ્વારા રેકોર્ડિંગ કરવાની ઈચ્છા દર્શાવી. અને આ અઘરું કામ તદ્દન સરળ બનાવી આપ્યું. 10000 ની જનમેદની વચ્ચે ખૂબ જ શાંતિમાં રેકોર્ડિંગ થયું. અને તેમાં રાજ્યભરના મોટા કલાકારોએ ભાગ લીધેલો, જેનો લ્હાવો જનતાને મળ્યો.
વડનગરની જનતાનું વૈચારિક સામર્થ્ય કેળવવા એક વિશિષ્ટ કાર્યક્રમ શરૂ કરેલો. વડનગરમાં આવેલી ભોગીલાલ ચકુલાલ લાયબ્રેરીને 50 વર્ષ પૂરાં થયાં ત્યારે સૌ પ્રથમવાર પુસ્તકમેળાનું આયોજન કર્યું. ઘણા પ્રકાશકો અને પુસ્તકવિક્રેતાઓ આ નવતર પ્રયોગમાં હોંશભેર જોડાયા અને ખૂબજ સારો પ્રતિસાદ સાંપડ્યો. એ સમયે તમામ નગરજનોને લાયબ્રેરીમાં ફરજિયાત જવાનું સમયપત્રક બનાવ્યું. આબાલવૃદ્ધ સૌ ત્યાં જતાં થયાં. ભણેલાં હોય તે અભણને વાંચી સંભળાવે. બાળકો જે પુસ્તક ઘરે લઇ ગયાં હોય તે બીજીવાર જાય ત્યારે અન્યને તે પુસ્તક વિષે માહિતી આપે. આમ નગરજનો સાંપ્રત સમસ્યા હોય કે ઊંચી સાહિત્યકૃતિ હોય, તેની રસપૂર્વક ચર્ચા કરતાં થયાં.
એક ઉલ્લેખનીય બાબત એ છે કે ગામનું કોઈપણ બાળક ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જતું હોય તો તેને શાળાને નામે જરૂરી પુસ્તકો ખરીદી લેવાનું કહેતાં, જેથી તેને ખર્ચ ન થાય અને તોય ભણી શકે અને ભણી લીધા બાદ તે શાળાની લાયબ્રેરીમાં પરત કરે, જેનો ઉપયોગ અન્ય વિદ્યાર્થી પણ કરી શકે. આમ શાળાનું પુસ્તકાલય ઘણું સમૃદ્ધ બન્યું છે.
શાળા શરૂ થઈ ત્યારથી શાળામાંથી જ પાઠ્યપુસ્તકો આપવાની પ્રથા પાડી છે, જેથી સગવડ ન હોય એવાં બાળકો પણ ભણી શકે. વર્ષ પૂર્ણ થતાં અન્ય માટે ઉપયોગ થવાનો હોવાથી દરેક વિદ્યાર્થી પુસ્તકનું સરસ જતન કરતાં પણ શીખે. જેને યુનિફોર્મની મદદની જરૂર હોય તેને શાળામાંથી તેની પણ સગવડ કરાય. અહીં કોઈ માલેતુજાર ન હોવા છતાં સ્વૈચ્છિક મદદ સ્ટાફ દ્વારા જ કરાય. આ ભાગ્યે જ કોઈ સંસ્થામાં બનતું હશે.
બીજો એક સરસ પ્રયત્ન ::
વડનગરમાં વોટરવર્કસ વડે ઘરે ઘરે પાણી પહોંચાડવાનું પ્રાથમિક કાર્ય પૂર્ણ થતાં તેનાં ઉદઘાટનપ્રસંગે વડનગરના શ્રેષ્ઠી અને કલકત્તામાં સ્થાયી થયેલા શ્રી તાહેરઅલી શેઠને મહેમાન તરીકે આમંત્ર્યા અને તેમના હસ્તે પાણી ચાલુ કરાયું, જેમાંથી પહેલો ઘડો હરિજનબાળાએ ભર્યો. તેમ જ પહેલું કનેક્શન ડોક્ટર વસંત પરીખનાં પિતાશ્રીને ત્યાં આપ્યું કે જેઓ ચુસ્ત વૈષ્ણવ હોવાથી એમનો પાણીનો કૂવો પણ અલગ હતો. ખરેખર આ યોજના વડે બધા ધર્મ કે પંથવાળા એક બન્યા.
વડનગરનું તળાવ સ્વચ્છ રહે અને સ્વચ્છતાની સૂઝ કેળવાય તે હેતુથી કોલેજના વિદ્યાર્થીઓની હરિફાઈ યોજાય, જેમાં શિંગોડાની ખેતી સાથે સંકળાયેલા છોકરાઓ મેદાન મારી જાય. આ છોકરાઓને અભ્યાસલક્ષી પ્રોત્સાહક ઇનામ અપાય અને એ ગ્રેજ્યુએટ થઇ આગળ પણ વધે. તો 'નગર સફાઈ અભિયાન'નું આયોજન કરી, નગરજનોમાં સ્વચ્છતાની પ્રત્યે સભાનતા કેળવવાનો પ્રયાસ કર્યો.
વડનગરને લાઈટ, પાણી, રસ્તા, વગેરેથી સજ્જ કરવાનો સતત પ્રયત્ન કરતાં રહ્યાં. વડનગરને બસવ્યવસ્થાનો મહત્તમ લાભ મળે તે માટે અથાગ પ્રયત્નો કર્યા. આને કારણે સોમનાથ કે દ્વારિકા, મુંબઈ કે હૈદ્રાબાદ જેવાં સ્થળો સાથે વડનગરને સીધી બસ વડે જોડ્યું. અને વડનગરને ટેલિફોન એક્ષ્ચેન્જ, તાલુકો, કોર્ટ, એસ.ટી.ડેપો જેવી અનેક સુવિધાઓ પૂરી પાડી. અરે, એક જ જગ્યાએ શાક મળે તે હેતુથી શાકમાર્કેટ બનાવડાવ્યું. તેના કારણે ફેરિયાની જેમ ફરવાને બદલે કાછિયાઓ પણ સહજ વ્યાપાર કરતા થયા. પરંતુ એ શાક માર્કેટને સ્થાને જ્યારે શૉપિંગ સેન્ટર બનાવાયું અને શાકવાળા રસ્તા પર પાથરણાં પાથરી શાક વેચવા મજબૂર થયા ત્યારે બારોટી બજારમાં તળાવની પાળે એમને જગ્યા ફાળવવાની ભલામણ એમણે નગરપાલિકાના વહીવટીતંત્રને કરેલી.
એમની સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ થાય. એટલે જે તે ક્ષેત્રે રસ ધરાવનાર એમાં સક્રિય ભાગ લે. મહેમાનને નિમંત્રણથી લઇ ને કાર્યક્રમનાં સમાપન સુધી શિક્ષકો માર્ગદર્શકની ભૂમિકા ભજવે. આને કારણે સારા વક્તાઓ અને સારા આયોજકો સમાજને સતત મળતા રહ્યા છે.
એટલું જ નહિ મહેસાણા જીલ્લા પંચાયતમાં ખેતીવાડી અને ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન હતા ત્યારે ખેતીવાડી અને બોરવેલમાં ચાલતી ગેરરીતિઓને ઉજાગર કરી, ભ્રષ્ટાચાર અટકાવવાના પ્રયત્નો કર્યા, જેને કારણે પ્રજામાં જાગૃતિ આવી.
માત્ર વડનગર જ નહિ છાબલિયા જેવા ગામના ઠાકોરોને દારૂની લત છોડાવી, રચનાત્મક માર્ગે વાળ્યા. વડનગર અને આસપાસના ઠાકોરોને સન્માર્ગે વાળવા રસિકભાઈએ સહકારી મંડળી શરુ કરી.
વડનગરના ગોળના વ્યાપારીઓની સહકારી મંડળી બનાવી કોલ્હાપુર સાથે સાંકળી આપ્યા.
'60ના દાયકામાં વડનગરમાં માથે મેલું ઉપાડવાની પ્રથા હતી. દરેક ઘરમાં ખાળકૂવા બનાવડાવીને આ પ્રથાથી છૂટકારો મળતાં એ પ્રજા ખૂબ ખુશ થઈ
જ્યારે જ્યારે કુદરતી આફતમાં મદદરૂપ થવાનું હોય, ત્યારે ત્યારે સમગ્ર શાળાપરિવાર વિવિધ રાહતકાર્યો કરી ભંડોળ એકઠું કરી, મુખ્યમંત્રીના રાહતફંડમાં જમા કરાવતા. આ કાર્યોમાં રસ્તા બનાવવા, તળાવો ઊંડા કરવા, ઘરે ઘરે ફરીને વાટકી અનાજ એકઠું કરવું અને જરૂરિયાતમંદને પહોંચાડવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. આમાં પૂ. સરલાબેન અને શ્રી રસિકભાઈ પણ ખૂબ જ ખંતથી કાર્યરત રહેતાં.
આવાં કાર્યો કરવા માટે એમની આગવી સૂઝ અને વિવિધ ક્ષેત્રે સક્રિયતા જવાબદાર છે. જેમકે નાનામાં નાનાં કામ માટે કયા વિભાગમાં, કયા સ્તરે (સ્થાનિક પંચાયતથી લઈને છેક રાષ્ટ્રીય સ્તર હોઈ શકે, યુનિવર્સિટી કે યુનેસ્કો હોઈ શકે), કોને પત્ર લખવો, સંદર્ભો અને તથ્યોને પુરાવા તરીકે બીડાણ કરવાં, એ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત યાદ કરાવતાં રહેવું, પૂર્ણ થયે આભાર માનવો. રસિકભાઈ બોલે અને સરલાબેન લખે. જરૂર જણાય ત્યાં ચર્ચા કરે. આમ હજારો પત્રો આ બેલડીએ લખ્યા હશે. એટલું જ નહિ, જ્યાં પણ જરૂરી હોય ત્યાં રુબરુ રજૂઆત માટે પહોંચી જતાં. સરલાબેન ગુજરાત એસટી બોર્ડ, ગુજરાત સ્પોર્ટસ કાઉન્સિલનાં સભ્ય તરીકે ખૂબ સક્રિય રહ્યાં. ઘણાં વર્તમાનપત્રોમાં ખબરપત્રી તરીકે અંતરિયાળ વિસ્તારોની ખબર પ્રજા સમક્ષ મૂકતાં રહ્યાં. તો રસિકભાઈ વડનગર નગરપાલિકાના પ્રમુખ હતા. ઓલ ઇન્ડિયા રેલ્વે ટ્રેડ યુનિયનના સેક્રેટરી, ચેમ્બર ઑફ કૉમર્સ, અનેક ટ્રેડ યુનિયન્સ, મહેસાણા જિલ્લા ખરીદવેચાણ સંઘ, વગેરે અનેક ક્ષેત્રે સક્રિય હતા.
વળી, સાહિત્યક્ષેત્રે પણ એમનું ઘણું પ્રદાન રહ્યું છે. કોઈપણ રચનાત્મક વિચાર હોય કે કોઈ લેખ અંગેનો મત દર્શાવવો હોય, અનેક સામયિકો એમનાં લેખ છાપતાં રહ્યાં છે. જેવાં કે, નવચેતન, કુમાર, નિરીક્ષક, પરબ, નવનીત સમર્પણ, ઉદ્દેશ, Outlook, The Hindu, National Herald, વગેરે. 'અખંડ આનંદ'માં તો એમની એક વાર્તા 'સંસ્કાર વારસો' માટે એમને 'વિશ્વ ગુર્જરી' તરફથી પ્રથમ ઈનામ પણ મળેલું. 'રેડિયો ટૉક', 'ટીવી ટૉક' અને વડનગરનાં સ્થાપત્ય, તેમજ ઐતિહાસિક મહત્ત્વ માટે એમણે અનેક લેખો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાખ્યાનો પણ આપ્યાં છે. એ માટે એમને ગુજરાતમાં CEPT Uni. અને ગૂજરાત વિદ્યાપીઠ ખાતે થયેલ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ખાસ આમંત્રણ મળેલ અને એમની રજૂઆતને ખૂબજ સારો પ્રતિભાવ મળ્યો હતો
સમયાંતરે વિવિધ સામયિકો પણ પ્રજા સમક્ષ મૂકતાં રહ્યાં છે. જેમકે, 'The Centiner', 'જનતા', 'વડનગર' વગેરે સાતેક સામયિકો શરૂ કરેલાં. વડનગરની વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે અનેક નાનીમોટી પુસ્તિકાઓ પણ છાપેલ. જેમકે, 'શમેળા', 'વડનગરનો 1845મો સ્થાપનાદિન', 'નગર સફાઇ અભિયાન', તાનારીરીની સ્મૃતિમાં વગેરે.
અહીં એક હકીકત જાણીએ. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ એક સામયિક 'સિંધુડો' શરૂ કરેલું. શરુઆતમાં એની હસ્તલિખિત પ્રતો તૈયાર થતી. સરલાબેનના નાનાજી બેરિસ્ટરશ્રી ડોડિયા સાહેબ તે સમયે પોરબંદર રાજમાં જજ હતા. 11 ઓરડાનો મોટો બંગલો, એટલે એવડી મોટી અગાશીમાં કાળી છત્રી નીચે ફાનસ લઈને સૌ આખીરાત લખતાં. અને પરોઢિયે બીજી ટૂકડી સાયકલ ઉપર મહોલ્લે મહોલ્લે અને આસપાસનાં ગામોમાં પહોંચાડતી. સરલાબેનનાં માતુશ્રી ભાગિરથીબેન આમાં લેખન, સંકલન જેવાં કાર્યો ઉપરાંત તમામ કાર્યની વ્યવસ્થા સાથે સંકળાયેલાં. આ માહોલમાં સ્વાભાવિક રીતે જ સરલાબેન પણ જોડાઈ ગયેલાં. રસિકભાઈ તે સમયે વિવિધ માહિતીનું એકત્રીકરણ કરવાની જવાબદારી સાથે સંકળાયેલા. વળી, આ તો અંગ્રેજો સામેની પ્રવૃત્તિ, એટલે ગોપનીયતા જળવાઈ રહે તે માટે આ છાપાનું મુદ્રણસ્થળ 'રાણપુર' દર્શાવાતું. આમ, આ બંનેના પરિવારો પણ સ્વતંત્રતાની ચળવળમાં ખૂબ સક્રિય રહ્યા હતા.
1857નો બળવો કે જે સમયે દેશના અનેક ખૂણેથી તરવરિયા જુવાનોને અંગ્રેજોએ ફાંસી આપેલી. સમૌ હોય કે પાટણ હોય, રસિકભાઈએ આવા શહીદોના વંશજો પાસેથી માહિતી મેળવી તેમની સ્મૃતિમાં આનર્ત શિક્ષણકેન્દ્ર અને વડનગરના નાગરિકોને સાથે લઈ વડનગરથી પદયાત્રા દ્વારા લોકજાગૃતિ આણી, સ્મારક રચ્યાં. એટલું જ નહિ ગેઝેટમાં આ હકીકતો પ્રકાશિત થાય તે માટે સઘન અને સફળ પ્રયત્ન કરેલા.
શ્રી રસિકભાઈ અને સરલાબેન બંનેએ વડનગર રેલ્વે લાઈન અંબાજી સુધી લંબાય તેવું સ્વપ્ન સેવેલું અને એ સ્વપ્ન વડનગરની પ્રજાને જોતાં શીખવ્યું. અને તે સાકાર કરવા અનેકવાર સત્યાગ્રહ કરેલ અને જેલ પણ થયેલ. અત્રે આ સ્વપ્ન ત્વરિત ગતિએ સાકાર થાય એવી શ્રદ્ધા છે.
"અંબાજી મંદિરનાં સ્થાપત્ય ઉપર મોગલ સ્થાપત્યની અસર છે અને એને હિંદુ સ્થાપત્ય મુજબ ગર્ભગૃહ, નાટ્ય મંડપ અને સભામંડપ હોવા જોઈએ. રસિકભાઈ તમે જ આ કામ કરી શકશો." આવું 'સ્કૂલ ઑફ પ્લાનિંગ'ના વિદ્વાન આચાર્ય શ્રી પનુભાઈ ભટ્ટે વડનગરમાં યોજાયેલ ઇતિહાસ પરિષદ દરમિયાન કહ્યું. પછી તો સહી ઝૂંબેશ, લોકજુવાળ અને પત્રવ્યવહારને અંતે આ સાચું બાંધકામ ધરાવતું મંદિર તૈયાર થયું.
એકવાર વિજાપુર તાલુકાના કેટલાક ખેડૂતો દુકાળને કારણે હિજરતની વાત લઈને આવેલા ત્યારે રસિકભાઈએ એમને થોડીક ધીરજ રાખી, ધરોઈ કેનાલ વડે પાણી મળશે એવી હૈયાધારણ આપી. શ્રીમતિ ઈંદિરા ગાંધીને આ વાતની ગંભીરતા સમજાવી. ડૅમનું ઉદઘાટન થયું. આજે વિજાપુર તાલુકો સૌથી સમૃદ્ધ ગણાય છે.
રાજકારણ હોય, કે સામાન્ય નાગરિકની સમસ્યા હોય, એમની પાસે ઉકેલ હોય જ. અહીં દવે દમ્પતિની અનેક ક્ષેત્રે સક્રિયતાને પરિણામે શ્રી હિતેન્દ્ર દેસાઈથી લઇને શ્રીમતિ આનંદીબેન પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીઓ, તેમજ વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈ, શ્રી અટલબિહારી બાજપાઈ અને શ્રી નરેન્દ્ર મોદીએ વડનગરની મુલાકાત લીધી છે.
અન્ય મંત્રીઓ તો વિકાસલક્ષી કાર્યોમાં સલાહસૂચનો મેળવવા અને પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવા સતત આવતા રહ્યા છે.

મને આવાં સક્ષમ માતાપિતાનું સંતાન હોવાનો ગર્વ છે.

- -ભૈરવી યોગેશ મણિયાર
15/8/2019.
એમના સ્મૃતિગ્રંથમાં મારો લેખ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]