ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨


માહિતી કચેરી અને જિલ્લા ચૂંટણીતંત્રના આ સંયુક્ત આયોજન થકી બોટાદવાસીઓને ચૂંટણીલક્ષી તમામ માહિતી એક જ સ્થળેથી મળી રહેશે : જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહે જિલ્લા માહિતી કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા મીડિયા સેન્ટરને રિબીન કાપીને મુક્યો ખુલ્લો

આકર્ષક બેનર્સ થકી ચૂંટણીલક્ષી માહિતીસભર મીડિયા સેન્ટર કાર્યરત કરાયું

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચારસંહિતા સમગ્ર જિલ્લામાં અમલી છે. ત્યારે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. જેને અનુલક્ષીને જિલ્લાના નાગરિકો અને મીડિયાને જિલ્લાની ચૂંટણીલક્ષી સચોટ માહિતી મળી રહે તેવા ઉમદા હેતુથી બોટાદ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા ચૂંટણી તંત્રના સંયુક્ત ઉપક્રમે મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહે જિલ્લા માહિતી કચેરી ખાતે મીડીયા સેન્ટરને રિબીન કાપીને ખુ્લ્લો મુક્યો હતો.

આ મીડિયા સેન્ટરમાં વિવિધ પ્રકારની જિલ્લાની ચૂંટણીલક્ષી માહિતીને બેનરના માધ્યમથી નિદર્શિત કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની બેઠકો છે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.૧૭/૧૧/૨૦૨૨, મતદાનની તા.૦૧/૧૨/૨૦૨૨, મતગણતરીની તા.૦૮/૧૨/૨૦૨૨ તેમજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા૧૦/૧૨/૨૦૨૨ રહેશે.

બોટાદ જિલ્લામાં આ ચૂંટણીમાં ૧૪ મતદાન મથકો સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત, બે મતદાન મથકો સંપૂર્ણ દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત જ્યારે બે મતદાન મથકો મોડેલ પોલીંગ સ્ટેશન, બે મતદાન મથકો ઈકો ફ્રેન્ડલી, ૧ મતદાન મથક સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે. કલેક્ટરશ્રી દ્વારા ૬ મતદાન મથકો સમર્પણ બુથ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે. આ મીડિયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી ફરિયાદની વેબસાઈટ, સોશિયલ મીડિયાની વિગતો, તેમજ ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યા છે. મતદાર યાદી સંબંધિત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ અંગે તેમજ લોકોને મતદાન કરવા પ્રેરિત કરતાં બેનર્સ પણ આ મીડિયા સેન્ટરમાં મુકવામાં આવ્યાં છે.

આ વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી બીજલ શાહે મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવેલી માહિતીનું નિદર્શન કર્યું હતું અને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ.શાહે જિલ્લા માહિતી કચેરીની આ કામગીરીને બિરદાવી હતી. આ મુલાકાત દરમિયાન સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસે મીડીયા સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલ વિગતો અંગે જાણકારી પુરી પાડી હતી. આ વેળાએ કચેરી અધિક્ષકશ્રી યુ.જે.બરાળ સહિત જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.