ડભોઇ - દર્ભાવતિ નગરીમાં શ્રીદ્વારકાધીશ હવેલી ખાતે અન્નકૂટ અને ગોવર્ધન પૂજાના દર્શન - At This Time

ડભોઇ – દર્ભાવતિ નગરીમાં શ્રીદ્વારકાધીશ હવેલી ખાતે અન્નકૂટ અને ગોવર્ધન પૂજાના દર્શન


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

ભક્ત કવિ શ્રી દયારામની દર્ભાવતિ નગરી વૈષ્ણવ નગરી તરીકે ખ્યાતિ પામેલ છે. આ નગરીમાં હજારો વૈષ્ણવો વસે છે. નગરના જુદા જુદા વિસ્તારોમાં ચાર હવેલીઓ આવેલી છે આ વૈષ્ણવ હવેલીઓમાં દિવાળી પર્વ થી દેવ દિવાળીના પર્વ સુધીમાં વિવિધ મનોરથોના દર્શન થાય છે. ગતરોજ સવારના ૧૦/૦૦ કલાકે ગોવર્ધન પૂજાના દર્શન થયા હતા. જેના દર્શનાર્થે હજારો વૈષ્ણવજનો મંદિરમાં ઉમટી પડ્યા હતા.
આજરોજ આ વૈષ્ણવ હવેલીમાં અન્નકુટના દર્શન બપોરે ૨ થી ૪ થયા હતા. અન્નકોટના દર્શન સુધી ઠાકોરજીને સોળે શણગાર સજી સોના ચાંદીના ઘરેણા પહેરાવી બિરાજમાન કરાવીને દર્શન કરાવવામાં આવ્યા હતા. જેનો અમૂલ્ય લ્હાવો વૈષ્ણવજનોને લીધો હતો.
હિન્દુ ધર્મમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવતી ગાય માતાને ભગવાન શ્રી કૃષ્ણ જમવાનું આમંત્રણ આપી ભાઈબીજ ઉજવે છે .બહેન તરીકે પ્રસ્થાપિત થયેલી ગાય માતા ભાઈ પાસે કંઈ માગી ન લે તે માટે શણગાર વિના શ્રી કૃષ્ણ ભગવાન જમવા જાય છે. આ ભાઈ બહેનના પવિત્ર દિવસના દર્શને પણ આ દર્ભાવતિ નગરીમાં અનોખુ આકર્ષણ જમાવ્યું હતું. આમ, છેલ્લા ત્રણ દિવસથી મંદિરમાં દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી.
વડોદરી ભાગોળ પાસે આવેલ શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે પણ આજરોજ સાંજના ચાર થી છ અન્નકૂટના દર્શન થયા હતા. દર્શન માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઝારોલા વાગામાં આવેલ શ્રી મદનમોહનજીના મંદિર ખાતે પણ અન્નકૂટના દર્શન થયા હતા. જ્યારે ઝારોલાવાગામાં આવેલ ઝારોલાના કુળદેવી શ્રી હિમજા માતાના મંદિરે પણ અન્નકોટના દર્શન થયા હતા. આમ, ડભોઇ નગરમાં આવેલ વિવિધ હવેલીઓમાં આજરોજ અન્નકૂટના દર્શન થતાં શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon