રાજકોટ એઈમ્સ દ્વારા વાઇરલ હેપેટાઈટીસ પર દ્વિતિય આંતરરાષ્ટ્રીય સી એમ ઈ નું સફળ આયોજન દેશ વિદેશના તબીબી ક્ષેત્રે કાર્યરત સંશોધકો વિદ્યાર્થીઓ સહિત એક હજારથી વધુ લોકો થયા સહભાગી - At This Time

રાજકોટ એઈમ્સ દ્વારા વાઇરલ હેપેટાઈટીસ પર દ્વિતિય આંતરરાષ્ટ્રીય સી એમ ઈ નું સફળ આયોજન દેશ વિદેશના તબીબી ક્ષેત્રે કાર્યરત સંશોધકો વિદ્યાર્થીઓ સહિત એક હજારથી વધુ લોકો થયા સહભાગી


રાજકોટ તા. ૩૧ જુલાઈ - રાજકોટ એઈમ્સ દ્વારા વાઇરલ હેપેટાઈટીસ પર દ્વિતિય ઈન્ટરનેશનલ કન્ટિન્યુઈંગ મેડિકલ એજ્યુકેશન (CME) ના સફળ આયોજન સાથે વિશ્વ હેપેટાઈટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ક્લિનિકલ માઈક્રોબાયોલોજી અને ચેપી રોગ વિભાગ દ્વારા આયોજિત આ સુંદર કાર્યક્રમ થકી વાયરલ હેપેટાઈટીસ સામેની લડતમાં નવીન પ્રયાસોની ચર્ચા કરવા નિષ્ણાતો અને સંશોધકો એઈમ્સ રાજકોટ ખાતે એકત્રિત થયા હતા.
આ કાર્યક્રમમાં CMC વેલ્લોરના ક્લિનિકલ વાઈરોલોજી વિભાગના પ્રો. ડૉ. પ્રિયા અબ્રાહમ, ILBS નવી દિલ્હીના ક્લિનિકલ વાઈરોલોજી વિભાગના પ્રો. ડૉ. એક્તા ગુપ્તા, એઈમ્સ રાયપુરના ડૉ. પ્રજ્ઞા અગ્રવાલા અને ILBS નવી દિલ્હીના પીડિયાટ્રિક હેપેટોલોજિસ્ટ ડૉ. બિક્રાંત બિહારીલાલ રઘુવંશી સહિત જાણીતા વાઇરોલોજિસ્ટ્સ અને હેપેટોલોજિસ્ટ્સ દ્વારા વાર્તાલાપ યોજવામાં આવ્યા હતા. તેમના લેક્ચર્સમાં વાઇરલ હેપેટાઈટીસના ક્ષેત્રમાં અદ્યતન સંશોધન અને વિકાસનાં મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેના થકી ઉપસ્થિતોને જરૂરી માહિતી મળી હતી.
આ કાર્યક્રમમાં એઈમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડૉ. કર્નલ સી.ડી.એસ. કટોચે ઉદ્દઘાટન સંબોધન કર્યુ હતું. તેમણે તબીબી શિક્ષણના મહત્ત્વ અને શિક્ષણમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. શ્રી કટોચે વધુમાં જણાવ્યું હતું કે, "અમારો ધ્યેય માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવાનો છે." તેમના સંબોધનએ ઉપસ્થિત તમામને પ્રેરણા આપી અને વાયરલ હેપેટાઈટીસ સામેની લડાઈના વૈશ્વિક મહત્વને ઉજાગર કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભારત અને વિદેશ બંનેમાંથી તબીબી ક્ષેત્રે કાર્યરત સંશોધકો, વિદ્યાર્થીઓ સહિત એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વક્તાઓ સાથે પોતાના અનુભવોની ચર્ચા કરી હતી.
આ તકે ઓર્ગેનાઈઝિંગ ચેરપર્સન ડૉ. અશ્વિની અગ્રવાલે તમામ વક્તાઓ, સહભાગીઓ અને આયોજક ટીમની હૃદયપૂર્વક પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "આ આયોજન થકી તમામ સભ્યોને હેપેટાઇટિસનાં ક્ષેત્રે મહત્વપૂર્ણ જાણકારી મળી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપનારા દરેકનો હું આભાર માનું છું." ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડૉ. અભિષેક પાધીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામેલ તમામ લોકોની કામગીરીને બિરદાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ CME થકી તમામ ઉપસ્થિતોએ નવીન પ્રેરણા સાથે વાયરલ હેપેટાઈટીસ સામે લડવાનો મજબૂત સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમ તબીબી શિક્ષણને આગળ વધારવા તથા આરોગ્યસંભાળના પરિણામોને સુધારવા વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે એઈમ્સ રાજકોટની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.