ગીર સોમનાથ ચોપાટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના હસ્તે સખીમેળો ખુલ્લો મૂકાયો - At This Time

ગીર સોમનાથ ચોપાટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના હસ્તે સખીમેળો ખુલ્લો મૂકાયો


ગીર સોમનાથ ચોપાટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના હસ્તે સખીમેળો ખુલ્લો મૂકાયો

તા.૨૬ જુલાઈ સુધી સવારે ૧૦.૦૦થી સાંજે ૯.૦૦ દરમિયાન યોજાશે મેળો
કટલેરી-કૉસ્મેટિકથી ઈમીટેશન અને ખાણીપીણીથી લઈ હેન્ડીક્રાફ્ટ-હસ્તકલા સુધીના સ્ટોલ કાર્યરત

ગીર સોમનાથ, તા.૨૦: ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વંદે વિકાસયાત્રાનું આયોજન કરાયું છે. આ વિકાસયાત્રા અંતર્ગત સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના હસ્તે વંદે ગુજરાત પ્રદર્શન તથા સખીમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વંદે ગુજરાત પ્રદર્શનીમાં ગુજરાતની 20 વર્ષની વિકાસયાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે તેમજ સખીમેળા અને કારીગરોના 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સખી મેળો ખુલ્લો મૂકતા આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં સ્ત્રીઓ ચૂલા ફૂંકતી હતી જ્યારે આજે ઘરે ઘરે ઉજ્જવલા યોજના પહોંચી છે અને ચૂલા ફૂંકવામાંથી મુક્તી મળી છે.સખીમંડળોથી મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થયું છે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા મેળાઓમાં બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે જેથી સ્ત્રીઓ પગભર થઈ શકે અને પરિવારને પણ ટેકો આપી શકે.

પુરૂષોની જેમ મહિલાઓ પણ જુદી-જુદી પ્રવૃત્તિમાં જોડાઈને પોતાની આવડતથી ચીજવસ્તુઓનું વેચાણ અને ઉત્પાદન કરી વેચાણ કરી શકે તે માટે સરકાર દ્વારા સખીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ વિવિધ સ્ટોલની મુલાકાત કરી હતી તેમજ મેળાઓની મુલાકાત લેવાની સાથે જ સખીમંડળ દ્વારા તૈયાર કરાયેલ વસ્તુની ખરીદી કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, સખીમેળામાં ભરતકામ તેમજ ભરતગુંથણની વસ્તુઓ, સોફ્ટ ટોય્ઝ, ઘર સજાવટ અને ડેકોરેશનની આઈટમ્સ, કુર્તી, સાડી, કટલેરી, ડ્રેસ મટિરિયલ, પેચવર્ક, જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ, હસ્તકલા, અથાણાં, ગૌ સત્વમ ઉત્પાદન, ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત ખાણીપીણીની તથા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.

આ તકે શાબ્દિક પ્રવચન નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી એસ.જે.ખાચરે જ્યારે આભારવિધિ શ્રી દિપકભાઈ નિમાવતે કરી હતી. આ કાર્યક્રમમાં વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હરેશભાઈ મકવાણા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોર્ટ દિપક જોશી પ્રાચી ગીર સોમનાથ....9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon