રાજકોટ-મુંબઈ ફ્લાઈટ લેન્ડ થતી વખતે રનવેને અડી ફરીઊડી, મુસાફરો ડરી ગયા, આકાશમાં ચક્કર લગાવી લેન્ડ થઇ - At This Time

રાજકોટ-મુંબઈ ફ્લાઈટ લેન્ડ થતી વખતે રનવેને અડી ફરીઊડી, મુસાફરો ડરી ગયા, આકાશમાં ચક્કર લગાવી લેન્ડ થઇ


હવાઈ મુસાફરી હાલના સંજોગોમાં સૌથી ઝડપી છે અને તેને કારણે જ ઘણા મુસાફરો કે જેઓના માટે સમય કિંમતી છે તેઓ આ જ માધ્યમ પસંદ કરે છે. જોકે હવાઈ મુસાફરીમાં લોકોને ડર પણ ઘણો લાગે છે કારણ કે, નાની અમથી ખામી પણ ફ્લાઈટ માટે જોખમી હોય છે. આવી જ એક સ્થિતિ રાજકોટથી ઉપડેલી ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થઈ ત્યારે સર્જાઈ હતી. જેને કારણે થોડી વાર માટે મુસાફરો ડઘાઈ ગયા હતા.

એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ 688 રાજકોટથી સમયસર ઊડી હતી અને 8:39 કલાકે ઉડાન ભરી દીધી હતી જે શિડ્યૂલ કરતા એક મિનિટ વહેલી હતી. આ ફ્લાઈટ 10:10 મિનિટે મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટના ટર્મિનલ 2માં ઉતરાણ કરવાની હતી. ફ્લાઈટમાં સવાર મુસાફરના જણાવ્યા અનુસાર સમયસર ઉતરાણ માટે ફ્લાઈટ રનવે સુધી પહોંચી પણ જેવી લેન્ડ થાય કે તુરંત જ ફરી હવામાં ચડી હતી અને અચાનક આવેલા આ ઝટકાને કારણે મુસાફરો ડઘાઈ ગયા હતા. લેન્ડિંગ ગિયરમાં ખામીથી માંડી પ્લેન ક્રેશ થયા સુધીનો ડર લાગી ગયો હતો અને ફ્લાઈટમાં ડરનો માહોલ સર્જાયો હતો. અમુક મુસાફરો તો ભયભીત થઈ જતા બેબાકળા બન્યા હતા. ફ્લાઈટે ફરી ઉડાન ભરી અને બે મિનિટ સુધી હવામાં રહી હતી અને બાદમાં ફરી રનવે તરફ આગળ વધી હતી આ કારણે મુસાફરો સતત ભયના ઓથાર હેઠળ હોય તે રીતે કાપી રહ્યા હતા. 10:13 મિનિટે લેન્ડ થઈ હતી. આ ત્રણ મિનિટ મુસાફરો માટે ભારે સાબિત થઈ હતી પણ ફ્લાઈટ હેમખેમ લેન્ડ થઈ એટલે તેમાંથી ફટાફટ ઉતરવું જ મુનાસીબ માન્યું હતું. ફ્લાઈટથી ઉતર્યા બાદ જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image