સેવાસેતુ કાર્યક્રમની સાથે ઇ-શ્રમ નોંધણી તથા મતદાર યાદી સુધારણા કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે
તારીખ: 1 જુલાઈ, 2022
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની નાગરિકોની વ્યક્તિલક્ષી અરજીઓના ત્વરીત નિકાલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તા. 02 જુલાઇ, 2022, શનિવારના રોજ સમય સવારે 9.00 કલાકથી સાંજના 5.00 કલાક સુધી ગાંધીનગર મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ નં.9માં શ્રી ખાખરિયા છાસઠ પ્રજાપતિ સેવાસમાજ (વાડી), નવકાર બંગલોઝ સામે, ઉર્જાનગર-1, ગાંધીનગર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં 9.00 થી 2.00 કલાક દરમિયાન અરજદારો પાસેથી રજૂઆત અને તેના પૂરાવા મેળવવામાં આવશે. આ રજૂઆતો અને અરજીઓના નિકાલની કામગીરી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવશે. જે દરમિયાન અરજદારોને તેમણે કરેલ રજૂઆતોના આખરી નિકાલની જાણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદી સુધારણા કેમ્પ રાખવામાં આવેલ છે. જેમાં ગાંધીનગરના નાગરિકો મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા, ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માંગતા હોય તો સુધારો કરાવી શકશે. ખાસ કરીને નવીન મતદારો તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરાવી શકશે.
સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન ઇ-શ્રમ કાર્ડ નોંધણી કેમ્પનું પણ આયોજન કરેલ છે. અસંગઠિત ક્ષેત્રે કામ કરતા કામદારો ને ઇ-શ્રમ કાર્ડની નોંધણી બાદ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે શ્રમિકોની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષની છે, તેઓ આ કેમ્પનો લાભ લઈ શકશે. આ કેમ્પ દ્વારા લાભાર્થી આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેંક પાસબુકની નકલ સાથે રાખીને ઇ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી શકશે અને સરકારની આ યોજનાનો લાભ મેળવી શકશે.
આ સાથે પર્યાવરણની સુરક્ષાના સંદેશાને પ્રસરાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.