આજે સિહોરમાં અનોખા સેવા યજ્ઞનું સમાપન 25 દિવ્યાંગ બહેનોને સીવણ ની તાલીમ બાદ સિલાઈ મશીન અર્પણ - At This Time

આજે સિહોરમાં અનોખા સેવા યજ્ઞનું સમાપન 25 દિવ્યાંગ બહેનોને સીવણ ની તાલીમ બાદ સિલાઈ મશીન અર્પણ


૧૦ દિવસની સઘન તાલીમથી દિવ્યાંગ બહેનો આર્થીક ઉપાર્જન કરી પોતે સ્વનિર્ભર બનશે
સમસારા શીપીંગ કંપની પ્રા.લી.મુંબઈના આર્થિક સહયોગથી અંધજન મંડળ અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગરજીલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે મારું કંસારા જ્ઞાતિની વાડી સિહોર મુકામે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામ બાદ આજરોજ સિહોરના અગ્રણી સિહોર નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી અશ્વિનભાઈ ગોરડીયા, મારું કંસારા જ્ઞાતિના પ્રમુખ શ્રી હરીશભાઈ પવાર, વિદ્યામંજરી સ્કુલના સંચાલક શ્રી પરબતભાઈ મોરડીયા, સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સિહોરના ટ્રસ્ટી શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલ વરદ હસ્તે ૨૫ દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી અંકિતાબેન ચૌહાણના મધુરકંઠે રજુ થયેલ શ્લોકગાનથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના માનદમંત્રી શ્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું. કાર્યક્રમનો ચિતાર શ્રી ભરતભાઈ જોશી – ડેપ્યુટી ડાયરેક્ટર બી.પી.એ.-અમદાવાદે રજુ કર્યો હતો. આ પ્રસંગે સમસારા શીપીંગ કંપની પ્રા.લી.મુંબઈના ગ્રુપ પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.શ્રી મુકેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે સિહોર મુકામે યોજાયેલ સિલાઈ મશીનની તાલીમ તાલીમાર્થી બહનોના જીવનમાં ખુશીના અજવાળા પાથરશે. કારણ કે તજજ્ઞ વિનોદાબેન બાળાએ તમને જે જાદુ શીખવ્યો છે તે સફળતાની ચાવીથી વિશેષ છે. હું મારા જીવનસાથી હીનાબેન અને અમારી કંપની વતી આપ સૌને શુભેચ્છા પાઠવું છું. અમારી કંપનીનો ઉદ્દેશ વંચિત વ્યક્તિઓને પોતાના જીવનપ્રદેશમાં આગળ વધવા જરૂરી મદદ કરવાનો છે. તેના જ ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સિલાઈ મશીન ટ્રેનીંગનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ માટે હું અંધજન મંડળ અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાના તમામ કાર્યકરોને અભિનંદન પાઠવું છું. સમસારા શીપીંગ કંપની પ્રા.લી.ભાવનગરના પ્રતિનિધિ શ્રી નિષ્ઠાબેન સોનાણીએ દિવ્યાંગતાના ક્ષેત્રે સમસારા શીપીંગ કંપની પ્રા.લી. દ્વારા થયેલ આર્થિક સહાયની વિગતો આપી હતી તેમજ તેમણે શ્રી હીનાબેન ઓઝા અને શ્રી મુકેશભાઈ ઓઝાની લાગણીનો પ્રતિસાદ આપવા દિવ્યાંગ બહેનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે લાભાર્થી બહેનોએ પોતાની લાગણીનો પડઘો પડતા જણાવ્યું હતું કે આ તાલીમ ખરા અર્થમાં અમને પગભર બનાવશે અને આનાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. શ્રી વિનોદાબેને અમને તન,મન, ધનથી શીખવવા પ્રયાસ કર્યો છે એનો અમોએ પ્રતિસાદ આપ્યો છે જે તૈયાર થયેલા નમૂનાઓમાં પ્રતીતિ કરાવે છે. આ પ્રસંગે સિહોરના અગ્રણી શ્રી અશ્વિનભાઈ ગોરડિયાએ શ્રી મુકેશભાઈ ઓઝા અને સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી હતી. અધ્યક્ષ સ્થાનેથી રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાન જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ દિવ્યાંગ બહેનોએ સન્માનપૂર્વક જીવન જીવવા જીવનમાં પરિશ્રમના મંત્રને ચરિતાર્થ કરી આગળ વધવા આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારના તાલીમી કાર્યક્રમો વ્યક્તિમાં પડેલી શક્તિને સંગઠિત કરી અંતિમ પરિણામ સુધી દોરી જાય છે. શ્રી ઓઝા સાહેબ ખરા અર્થમાં દિવ્યાંગ વ્યક્તિઓના વીરભામાશા છે. તેમની સખાવતથી ૧૦૦૮ દિવ્યાંગ બહેનોને મશીન અર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અનેક સંસ્થાઓના તેઓ આર્થિક રીતે સહાય કરી લાભાર્થીના કલ્યાણ માટે ચાલતી યોજનાઓને ગતિવાન રાખી રહ્યા છે. અંધજન મંડળ અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં પણ આવા તાલીમી કાર્યક્રમો યોજવામાં આવશે. સમગ્ર તાલીમી કાર્યક્રમમાં દેખરેખ અને વ્યવસ્થાનું વહન કરનાર યુવા યુગ પરિવર્તન ટ્રસ્ટ સિહોરના કાર્યકરોને સન્માનિત કરી તેમણે અંતરના અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એ.બી.ભાવનગરના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યુ હતું. જ્યારે આભારવિધિ બી.પી.એ.અમદાવાદના પ્રતિનિધિ શ્રી સુરસંગભાઈએ કર્યું હતું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.