લોરેન્સનો નાનો ભાઈ અનમોલ ગેંગનો નવો માસ્ટરમાઇન્ડ:સલમાનના ઘરે ફાયરિંગ, સિદ્દીકી મર્ડરનું પ્લાનિંગ કર્યું; કેનેડાથી આપી રહ્યો છે કિલિંગ ઓર્ડર
અત્યારસુધી પડદા પાછળ કામ કરી રહેલા અનમોલ બિશ્નોઈએ લોરેન્સ ગેંગની સંપૂર્ણપણે કમાન સંભાળી લીધી છે. મુંબઈમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની બહાર ફાયરિંગ અને તાજેતરમાં જ મહારાષ્ટ્ર NCPના નેતા અને સલમાનના નજીકના સાથી બાબા સિદ્દીકીની હત્યાની તપાસ એ જ સંકેત આપી રહી છે. અનમોલ બિશ્નોઈ લોરેન્સનો સગો નાનો ભાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે તેના ઇશારે જ ટાર્ગેટને ઓળખીને ધમકીભર્યા કોલ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, લોરેન્સ ગેંગમાં નવા લોકોની ભરતીથી લઈને દરેક મોટી ઘટનાનું પ્લાનિંગ અનમોલ પોતે જ કરી રહ્યો છે. તે મોબાઈલ એપ દ્વારા તમામ શૂટર્સ સાથે સીધા સંપર્કમાં રહે છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… શૂટર સ્નેપચેટથી અનમોલના સંપર્કમાં હતા
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકી હત્યા કેસને અંજામ આપનારા ત્રણ શૂટર્સ ગુરમેલ સિંહ, ધર્મેન્દ્ર કશ્યપ અને શિવકુમાર અનમોલ બિશ્નોઈ સાથે સ્નેપચેટથી સતત સંપર્કમાં હતા. પોલીસે આ કેસમાં અત્યારસુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે. આ તમામ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન પરથી ખુલાસો થયો છે કે અનમોલ આ તમામના સતત સંપર્કમાં હતો. અગાઉ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે તે બધા અનમોલ બિશ્નોઈ સાથે સ્નેપચેટથી વાત કરતા હતા. અનમોલ જ તેમને ઓર્ડર આપતો હતો. આ જ કારણ છે કે NIAએ પહેલાંથી જ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રહેલા અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. વર્ષ 2012માં પ્રથમ કેસ નોંધાયો હતો
લોરેન્સ ગેંગમાં ભાનુ તરીકે ઓળખાતા અનમોલ પર 2012માં પંજાબના અબોહરમાં હુમલો, મારપીટ અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ પ્રથમવાર કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2015 સુધીમાં પંજાબમાં અનમોલ વિરુદ્ધ 6થી વધુ કેસ નોંધાયા હતા. જોધપુર જેલમાં હતો એ દરમિયાન અનમોલ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયો હતો. તેણે જેલમાંથી જ લોકોને ખંડણી માટે ધાકધમકી આપવાનું અને તેના માણસો દ્વારા ગુનાને અંજામ આપવાનું શરૂ કરી દીધું હતું. મૂસેવાલાની હત્યાના પ્લાનમાં હતો સામેલ, ઘટના પહેલાં વિદેશ ભાગી ગયો
NIA ઈન્વેસ્ટિગેશન અનુસાર, પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની યોજનાને અંજામ આપતાં પહેલાં લોરેન્સ બિશ્નોઈ તેના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ અને ભાણેજ સચિન થાપનને સુરક્ષિત રાખવા માગતો હતો. આ જ કારણ છે કે તેણે બંનેને નકલી પાસપોર્ટ સાથે દેશની બહાર મોકલી દીધા. આ પછી 29 મે 2022એ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. લોરેન્સે સંપૂર્ણ પ્લાનિંગ મુજબ અનમોલ અને સચિન થાપનને વિદેશ મોકલ્યા હતા. બંને પહેલા નેપાળ ગયા અને ત્યાંથી વિદેશ જતા રહ્યા. સચિન થાપનને બાદમાં અઝરબૈજાનમાં ત્યાંની પોલીસે પકડી લીધો હતો. ત્યાં અનમોલ દુબઈથી કેન્યા થઈને અમેરિકા પહોંચી ગયો. અમેરિકામાં એક લગ્નમાં ડાન્સ કરતો જોવા મળ્યો
અનમોલ અમેરિકા પહોંચે એ પહેલા સપ્ટેમ્બર 2022માં MEA (વિદેશ મંત્રાલય)ના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે મૂસેવાલાની હત્યા પહેલાં નકલી પાસપોર્ટ પર વિદેશ ભાગી ગયેલા અનમોલને કેન્યામાં ડિટેઇન કરવામાં આવ્યો હતો. તેના છ મહિના પછી જ અમેરિકાના કેલિફોર્નિયામાં આયોજિત એક લગ્ન સમારંભમાં પંજાબના બે પ્રખ્યાત ગાયકો, શરી માન અને કરણ ઔજલાના પર્ફોર્મન્સના જે વીડિયો સામે આવ્યા હતા, એમાં અનમોલ બિશ્નોઈ તેમની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયા સામે આવીને ફરીથી કહેવું પડ્યું કે તેમણે પણ અનમોલના નવા વીડિયો જોયા છે. સપ્ટેમ્બર-2022માં તેમનું નિવેદન એ સમયની પરિસ્થિતિઓ અંગે હતું. એ સમયે તેને ડિટેઇન કરવામાં આવ્યો હતો. પણ પછી શું થયું? અનમોલ કસ્ટડીમાં છે કે નહીં? એની તપાસ કરાવાશે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અનમોલ કેનેડામાં છે અને તેના વિરુદ્ધ ભારતનાં વિવિધ રાજ્યોમાં આતંકવાદી કલમો સહિત 18થી વધુ ગંભીર કેસ નોંધાયેલા છે. વોઇસ સેમ્પલ પુરાવા, અનમોલે સલમાનના ઘરે ફાયરિંગ કરાવ્યું
પોલીસે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પકડાયેલા હુમલાખોરોના મોબાઈલ ફોનમાંથી મળેલા ઓડિયો રેકોર્ડિંગની ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી. મુંબઈ પોલીસે સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પાસેથી અનમોલના ઓડિયો સેમ્પલ લીધાં હતાં અને આરોપીના મોબાઈલમાંથી મળેલા ઓડિયોને ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. આ સેમ્પલ મેચ થયા અને સ્પષ્ટ થયું કે અનમોલ તેમને સૂચનાઓ આપી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલે સવારે 5 વાગ્યે સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બે હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. ઘટનાના બે દિવસ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે કેસની તપાસ કરીને 6 આરોપીની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ પર મકોકાની કલમો લગાવવામાં આવી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપને બાદમાં કસ્ટડીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં ફાયરિંગ કરનારાઓને અનુજે હથિયારો પૂરાં પાડ્યાં હતાં. આરોપી અનુજ થાપનની આત્મહત્યાની તપાસ રાજ્ય સીઆઈડીને સોંપવામાં આવી હતી. સલમાનને મારવા માટે પાકિસ્તાનથી AK-47 મગાવવામાં આવી હતી
આ પછી મુંબઈ પોલીસે ફરી ખુલાસો કર્યો કે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યા બાદ લોરેન્સ ગેંગ ફરીથી સલમાન ખાન પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. 1 જૂનના રોજ નવી મુંબઈ પોલીસે આ કેસમાં લોરેન્સ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી. ચાર આરોપીની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે ન્હાઈ, વસીમ ખાન ઉર્ફે વસીમ ચિકના અને જીશાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે થઈ હતી. આ તમામ પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે તેમણે પાકિસ્તાનમાંથી AK-47 સહિત અનેક હથિયારો મગાવાની યોજના બનાવી હતી. લોરેન્સ ગેંગ સલમાનને તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ વડે મારવાની યોજના બનાવી રહી હતી. આ જ પિસ્તોલથી પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તેમણે ગોરેગાંવ ફિલ્મસિટીની રેકી પણ કરી હતી, જેમાં સલમાનના ફાર્મહાઉસ અને ઘણાં શૂટિંગ સ્થળો પણ સામેલ હતાં. તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે લોરેન્સ ગેંગના લગભગ 60થી 70 માણસો સલમાન ખાન પર નજર રાખી રહ્યા હતા. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઈલ ફોનમાંથી આવા ઘણા વીડિયો પણ કબજે કર્યા હતા. હકીકતમાં આ બધા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સોશિયલ મીડિયા ગ્રુપ સાથે જોડાયેલા હતા. આ ગ્રુપમાં જ સલમાનને મારવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. તેઓ સગીરો દ્વારા સલમાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. હુમલા બાદ તેમની યોજના કન્યાકુમારીથી બોટ દ્વારા શ્રીલંકા ભાગી જવાની હતી. આ કેસમાં પણ માસ્ટરમાઇન્ડ તરીકે અનમોલ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. બાબા સિદ્દીકીની હત્યા અનુજ થાપનના મોતનો બદલો લેવા માટે કરી હોવાનું જણાવ્યું
તાજેતરમાં 11 ઓક્ટોબરની રાત્રે બાબા સિદ્દીકીની મુંબઈમાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક ફેસબુક પોસ્ટ વાઇરલ થઈ હતી, જેમાં શુભ (શુભમ) લોનકર નામની વ્યક્તિએ દાવો કર્યો હતો કે આ હત્યા પાછળનું કારણ અનુજ થાપનનું કસ્ટડીમાં મૃત્યુ અને બાબા સિદ્દીકીની સલમાન ખાન સાથેની નિકટતા હતી. 23 વર્ષીય અનુજ થાપન 14 એપ્રિલ, 2024ના રોજ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલા ફાયરિંગમાં સામેલ હતો. તેણે બે શૂટરોને હથિયારો પૂરાં પાડ્યા હતા. અનુજની પંજાબમાંથી અન્ય બે આરોપી સાથે ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો પછી તેણે લોક-અપ ટોઇલેટમાં બેડશીટ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. અનુજના મૃત્યુ બાદ તેનાં પરિવારજનોએ પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ કસ્ટડીમાં આ મૃત્યુ બાદ અનુજના ગામના સરપંચ મનોજ ગોદારાએ કહ્યું હતું કે તે મુંબઈ પોલીસના દબાણમાં હતો. અનુજની માતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ કસ્ટડીમાં તેને થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવ્યું હતું. ગેંગમાં બે લોકોનો ઓર્ડર જ છેલ્લો હોવાનું અગાઉ બહાર આવ્યું હતું
આ પહેલાં મે 2023માં NIAની ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે ગેંગમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારનો જ નિર્ણય છેલ્લો હોય છે લોરેન્સનો પિતરાઈ ભાઈ સચિન થાપન નવા ગુનેગારોની ભરતી અને પ્લાનિંગનું કામ સંભાળે છે. તેનો ભાઈ અનમોલ બિશ્નોઈ, યુએઈમાં બેઠેલા વિક્રમ બરાર અને અમેરિકામાં બેઠેલા દરમાન સિંહ સાથે ગેંગ માટે નાણાંકીય અને માણસોનો લોજિસ્ટિકલ સપોર્ટની દેખરેખ રાખે છે. લોરેન્સ અને ગોલ્ડી ટાર્ગેટ બતાવે છે. સચિન થાપન, અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી, વિક્રમ બરાર ફોન કરીને ટાર્ગેટને ધમકી આપે છે. લોરેન્સ ક્યારેય કોઈ શૂટર સાથે સીધી વાત કરતો નથી. તે માત્ર ગોલ્ડી, સચિન, અનમોલ સાથે જ વાત કરે છે. આ ગેંગનો એક ગુનેગાર તેના ઉપરના ગુનેગાર સાથે જ સંપર્કમાં રહે છે. ચેઇન સિસ્ટમથી જ કામ થાય છે. આ ગુનામાં સંડોવાયેલી ગેંગના તમામ સભ્યો એકબીજા વિશે વધુ માહિતી ધરાવતા નથી. આ જ કારણ છે કે જ્યારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે ત્યારે તે અન્ય સહયોગીઓ વિશે પોલીસને વધુ માહિતી આપી શકતો નથી. હાલ સચિન થાપન અને વિક્રમ બરાર પોલીસના હાથે ઝડપાઈ ગયા છે અને જેલમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.